10 June, 2024 07:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાતે શિવાજી પાર્કમાં વરસાદની મજા માણી રહેલા યંગસ્ટર્સ (તસવીર: અતુલ કાંબળે)
હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડી છે અને ગઈ કાલે ૯ જૂને મુંબઈમાં સત્તાવાર ચોમાસું બેસી ગયું હોવાની જાહેરાત એમના દ્વારા કરવામાં આવી હતી. મુંબઈમાં ગુરુવારે મધરાત બાદથી જ વરસાદનાં ઝાપટાં પડવાનું શરૂ થઈ ગયું હતું. ગઈ કાલે સવારે ધોધમાર વરસાદ પડતાં દહિસર ચેકનાકા પાસે પાણી ભરાઈ ગયાં હતાં. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે થાણે, રાયગડ અને રત્નાગિરિમાં ધોધમાર વરસાદ પડી શકે છે એટલે ત્યાં ઑરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવી છે. સિંધુદુર્ગમાં અતિ ભારે વરસાદની શક્યતા હોવાથી ત્યાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે. પાલઘર અને મુંબઈમાં જોકે ભારે ઝાપટાં પડવાની શક્યતાઓ હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સર્વત્ર વરસાદનાં હળવાંથી ભારે ઝાપટાં પડશે એવી આગાહી કરવામાં આવી છે.
મુંબઈ સહિત કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં વરસાદે જોરદાર બૅટિંગ ચાલુ કરી દીધી છે. પુણેમાં પહેલા જ વરસાદે જનજીવન ખોરવી નાખ્યું હતું અને નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. મુંબઈ-ગોવા હાઇવે પર અલીબાગના નાંગલવાડી પાસે ભેખડ ધસી પડી હતી. એ દુર્ઘટનામાં કોઈને નુકસાન થયું નહોતું, પણ થોડા વખત માટે વાહનવ્યવહાર અટકી ગયો હતો.
ચોમાસું બેઠું એટલે શું?
હવામાન ખાતાના મુંબઈના ડિરેક્ટર સુનીલ કાંબળેએ સત્તાવાર ચોમાસું ક્યારે જાહેર થાય એ વિશે સ્પષ્ટતા કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના બધા જ વિસ્તારોમાં ૨.૫ મિલીમીટર જેટલો વરસાદ નોંધાય અને પવનની દિશા યોગ્ય હોય ત્યારે ચોમાસું બેઠું હોવાની જાહેરાત કરવામાં આવતી હોય છે. આ વખતે કેરલામાં પણ બે દિવસ પહેલાં જ મૉન્સૂને એન્ટ્રી લીધી હતી. એ જ પ્રમાણે મુંબઈમાં પણ મોટા ભાગે ૧૧ જૂને ચોમાસું બેસતું હોય છે, પણ આ વર્ષે બે દિવસ વહેલું બેઠું છે.’
સુનીલ કાંબળેએ વધુમાં કહ્યું હતું કે થાણે, રાયગડ અને રત્નાગિરિમાં ઑલરેડી સારો વરસાદ થઈ રહ્યો છે એથી ત્યાં ઑરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે, જ્યારે સિંધુદુર્ગમાં ૧૦૦ મિલીમીટર કરતાં વધુ વરસાદ થવાની શક્યતાઓ જણાઈ રહી હોવાથી ત્યાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવી છે.