22 March, 2023 09:16 AM IST | Mumbai | Prakash Bambhroliya
ફાઇલ તસવીર
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા મુંબઈમાં આવેલા ૧,૧૯૫ મેડિકલ સ્ટોર્સમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આમાંથી મોટા પાયે ગેરકાયદે દવાનું વેચાણ કરતા ૭૮ મેડિકલ સ્ટોર્સનાં લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે અને ફાર્મસિસ્ટ વિના દવાઓનું વેચાણ કરવાના મામલામાં ૩૬૫ મેડિકલ સ્ટોર્સનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ એફડીએ દ્વારા હાથ ધરવામાં આવેલી વ્યાપક તપાસમાં આવા મામલા સામે આવ્યા છે. એફડીએની આ વ્યાપક કાર્યવાહીથી મેડિકલ સ્ટોરના દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મુંબઈ એફડીએના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં રૂટીન ચેકિંગ કરતી વખતે જણાયું હતું કે મેડિકલ સ્ટોર ચલાવવા માટે ફાર્મસીનું લાઇસન્સ જરૂરી હોવાની સાથે જેના નામે લાઇસન્સ લેવામાં આવ્યું હોય એ વ્યક્તિ મેડિકલ સ્ટોરમાં હાજર રહેવી જોઈએ. તપાસમાં જણાયું હતું કે અનેક મેડિકલ સ્ટોરમાં લાઇસન્સ બીજા કોઈના નામનું હતું અને મેડિકલ સ્ટોર બીજું કોઈ ચલાવતું હતું. આ સિવાય ડૉક્ટરના પ્રિસ્પ્ક્રિપ્શન વિના કેટલીક દવા વેચી ન શકાતી હોવા છતાં આવી દવાઓનું વેચાણ કરવામાં આવતું હતું.
મુંબઈમાં વ્યાપક કાર્યવાહી દરમ્યાન ૧,૧૯૫ મેડિકલ સ્ટોરની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી જે મેડિકલ સ્ટોરમાં મોટા પાયે ગેરકાયદે દવાઓનું વેચાણ કરાતું હોવાનું જણાયું હતું એવા ૭૮ મેડિકલ સ્ટોરનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું. આની સામે ૩૬૫ મેડિકલ સ્ટોરમાં ફાર્મસિસ્ટ વગર દવાઓનું વેચાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવતાં આ દુકાનોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
મુંબઈ બાદ હવે આખા મહારાષ્ટ્રમાં આવી રીતે કાર્યવાહી કરવામાં આવશે. આ વિશે મુંબઈ એફડીએના અસિસ્ટન્ટ કમિશનર ગૌરીશંકર બાયલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ફરિયાદ મળી હતી કે કેટલાક લોકો કરાર કરીને ફાર્મસિસ્ટ પાસેથી લાઇસન્સ ખરીદે છે અને મેડિકલ સ્ટોર ચલાવી રહ્યા છે. આવા મેડિકલ સ્ટોરમાં તેઓ ફાર્મસિસ્ટને ભાગીદાર પાર્ટનર દર્શાવે છે. મેડિકલ સ્ટોરમાં લાઇસન્સ લટકાવી દેવામાં આવે છે, પણ ફાર્મસિસ્ટ હાજર નથી હોતો. આ ઉપરાંત ડૉક્ટરના પ્રિસ્પ્ક્રિપ્શન વિના પણ અજાણ્યા લોકોને દવાનું વેચાણ કરવામાં આવે છે. આથી અમે વ્યાપક કાર્યવાહી કરી હતી.’
એફડીએની આવી એક કાર્યવાહીમાં જણાયું છે કે કેટલાક લોકો રાજસ્થાનની એક યુનિવર્સિટીમાં ભણ્યા વિના કે પરીક્ષા આપ્યા વગર ડી-ફાર્મની ડિગ્રી મેળવે છે. આવા લોકો મેડિકલ સ્ટોર ચલાવવા માટે મોટી રકમ વાપરે છે. મુંબઈની બહાર થાણે, રાયગડ વગેરે શહેરોમાં મોટા પ્રમાણમાં આવી બોગસ ફાર્મા ડિગ્રીના આધારે મેડિકલ સ્ટોર ચલાવાઈ રહ્યા છે. આની સામે જેઓ ચાર વર્ષ ફાર્માનું ભણીને ડિગ્રી મેળવે છે તેમને કામ નથી મળતું. પનવેલ, કામોઠે, ખારઘર વગેરે વિસ્તારોમાં આવા દુકાનદારો મોટા પ્રમાણમાં છે એટલે તેમની સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી રહી છે.