18 June, 2023 08:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પીએમ મોદી, અજીત પવાર અને અમિત શાહ
મુંબઈ ઃ એનસીપી-ચીફ શરદ પવારના ભત્રીજા અને રાજ્યના વિરોધી પક્ષના નેતા અજિત પવાર બીજેપી તરફ સરકી રહ્યા હોવાના સંકેત મળી રહ્યા છે. તાજેતરમાં શરદ પવારે પક્ષની જવાબદારી સુપ્રિયા સુળે અને પ્રફુલ પટેલ સહિતના નેતાઓને સોંપી હતી ત્યારે અજિત પવારની અવગણના કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં અજિત પવારે શુક્રવારે જળગાવમાં આયોજિત પક્ષના કાર્યકરોની શિબિરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનાં મોંફાટ વખાણ કર્યાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તુલના તેમણે પંડિત જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી જેવા લોકપ્રિય વડા પ્રધાનો સાથે કરી હતી.
જળગાવમાં આયોજિત શિબિરમાં અજિત પવારે કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધી જેવા મોટા ગજાના નેતા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાને લીધે જ આજે દેશના મોટા ભાગનાં રાજ્યોમાં બીજેપીની સરકાર છે. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના સમયમાં બીજેપી બહુમત મેળવી નહોતી શકી, પણ નરેન્દ્ર મોદીનાં કામ અને જાદુને લીધે બીજેપીએ ૨૦૧૪ અને ૨૦૧૯ એમ બે વખત પોતાના બળે સરકાર સ્થાપી છે. આજે મોટા ભાગનાં રાજ્યોમાં બીજેપીની જ સરકાર છે.’
અજિત પવારે પક્ષના કાર્યકરોની શિબિરમાં જ જાહેરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનાં વખાણ કરવાથી તેઓ બીજેપી તરફ સરકી રહ્યા હોવાનો સંકેત માનવામાં આવી રહ્યો છે.
કૉન્ગ્રેસમાં જોડાવાને બદલે કૂવામાં કૂદકો મારીશ
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ શુક્રવારે બીજેપીની કેન્દ્ર સરકારને ૯ વર્ષ પૂરાં થયાં છે એ નિમિત્તે ભંડારામાં આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે ૬૦ વર્ષમાં કરેલાં કામોની તુલનામાં બીજેપીએ ૯ વર્ષમાં ડબલ કામો કર્યાં છે. કૉન્ગ્રેસના સદ્ગત નેતા શ્રીકાંત જિચકરે મને સલાહ આપી હતી કે તમે સારા નેતા અને કાર્યકરો છો. જો તમે કૉન્ગ્રેસમાં સામેલ થશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે. મેં તેમને જવાબ આપ્યો હતો કે કૉન્ગ્રેસમાં સામેલ થવાને બદલે હું કૂવામાં કૂદકો મારીને આત્મહત્યા કરવાનું પસંદ કરીશ, કારણ કે બીજેપી અને એની વિચારધારા પર મને પૂરો વિશ્વાસ છે. આથી જ બીજેપી સાથે કામ કરવાનું કાયમ રાખ્યું છે. ભારતનો ઇતિહાસ ભૂલી જઈશું તો એ નહીં ચાલે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતને આત્મનિર્ભર કરવા માગે છે. તેઓ દેશનો વિકાસ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ભારતને વિશ્વની મહાસત્તા બનાવવા માગે છે. આ માટેની બ્લુપ્રિન્ટ તૈયાર છે.’
કૉન્ગ્રેસને આપેલો મત ધર્માંતર કાયદો રદ કરે છે
બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે પુણેમાં આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસને આપેલો એક મત ધર્માંતર વિરોધી કાયદો અને ગૌહત્યા બંધીના કાયદાને રદ કરે છે. આગામી સમયમાં સુપ્રિયા સુળે મુખ્ય પ્રધાન અને આદિત્ય ઠાકરે નાયબ મુખ્ય પ્રધાન થાય એવા કરાર મહાવિકાસ આઘાડીમાં કરવામાં આવ્યા છે. આ કરારથી ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના બધા વિધાનસભ્યોને હરાવવાનો નિર્ણય લીધો છે એટલે શિવસેનાના વિધાનસભ્યોએ બીજેપી સાથે આવવાનો નિર્ણય લીધો છે. જનતાને કન્ફ્યુઝ કરવાનું કામ કૉન્ગ્રેસ અને એનસીપી કરી રહી છે. સરકાર જનતાના હિત માટે હોય છે એવું ક્યારેય કૉન્ગ્રેસ પાર્ટીએ જનતાને અનુભવવા દીધું નથી. ધર્મ-ધર્મ અને સમાજ-સમાજમાં વિવાદ ઊભો કરવાનું કામ કૉન્ગ્રેસે કર્યું છે. શરદ પવારે કાયમ સમાજમાં મતભેદ ઊભા કરવાનું કામ કર્યું છે. તેમણે મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજની જ ચિંતા કરી છે. આથી સમાજનું વાતાવરણ ખરાબ થયું. શરદ પવારે સમાજમાં મતભેદ થાય એવી ટ્વીટ કરવાથી છત્રપતિ સંભાજીનગરમાં બે સમાજ વચ્ચે ઘર્ષણ થયું.’