બાબા સિદ્દીકીના દીકરા ઝીશાન સામે ઇલેક્શનના મેદાનમાં ઊતરવાની જેલબંધ લૉરેન્સ બિશ્નોઈને ઑફર

23 October, 2024 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઉત્તર ભારતીય વિકાસ સેનાએ મુંબઈની ત્રણ બેઠકમાં પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે

ઝીશાન સિદ્દીકી

ભૂતપૂર્વ વિધાનસભ્ય અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીની બાંદરામાં ફાયરિંગ કરીને હત્યા કરાવવાનો જેના પર આરોપ છે તે લૉરેન્સ બિશ્નોઈને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બાંદરા-ઈસ્ટની બેઠકમાંથી ચૂંટણી લડવાની ઑફર ઉત્તર ભારતીય વિકાસ સેનાએ કરી છે. ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈ ચૂંટણી લડવાની હા પાડશે તો તેનો મુકાબલો બાંદરા-ઈસ્ટની બેઠકમાં બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકી સાથે થશે. ઉત્તર ભારતીય વિકાસ સેનાએ મુંબઈની ત્રણ બેઠકમાં પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે અને રાજ્યની પચાસ બેઠક લડવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું.

ઉત્તર ભારતીય વિકાસ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત સુનીલ શુક્લાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ અને મહારાષ્ટ્રમાં વસતા ઉત્તર ભારત, બિહાર, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડ સહિતનાં રાજ્યોના રહેવાસીઓના અધિકાર માટે અમે કામ કરીએ છીએ. આ લોકોના પૂર્વજ ઉત્તર ભારતના હતા એટલે તેમને મહારાષ્ટ્રમાં લાભ નથી મળતા. પંજાબમાં જન્મેલા લૉરેન્સ બિશ્નોઈમાં અમને શહીદ-એ-આઝમ સરદાર ભગત સિંહનાં દર્શન થાય છે. આથી તેને અમે મહારાષ્ટ્રની ચૂંટણી લડવાનો પત્ર સાબરમતી જેલમાં લખ્યો છે. જો લૉરેન્સ બિશ્નોઈ હા કહેશે તો અમે તેને બાંદરા-ઈસ્ટની વિધાનસભાની ચૂંટણીમાં ઉતારીશું. અમે મહારાષ્ટ્રમાં પચાસ વિધાનસભા બેઠક લડીશું; એમાંથી દહિસર, ગોરેગામ અને અંધેરી-વેસ્ટ બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા છે.’

mumbai news mumbai lawrence bishnoi bandra maharashtra assembly election 2024 assembly elections maharashtra zeeshan siddique