23 September, 2023 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લાલબાગચા રાજા
મુંબઈ : લાલબાગચા રાજાને પહેલાં બે દિવસમાં એક કરોડથી વધુ રૂપિયાનું દાન મેળવ્યું છે. લાલબાગચા રાજા મંડળને ઉત્સવના બીજા દિવસે ૬૦ લાખથી વધુનું દાન મળ્યું હતું.
મંડળના જણાવ્યા અનુસાર તેમણે બીજા દિવસે ૬૦,૬૨,૦૦૦થી વધુ રૂપિયા મેળવ્યા હતા. ઉત્સવના બે દિવસમાં કુલ ૧,૦૨,૬૨,૦૦૦ રૂપિયા થયા હતા. ભગવાન ગણપતિની મૂર્તિને દાન તરીકે ૧૮૩.૪૮૦ ગ્રામ સોનું અને ૬૨૨ ગ્રામ ચાંદીનો પ્રસાદ પણ મળ્યો છે. પ્રથમ દિવસની સરખામણીએ બીજા દિવસે રોકડમાં વધુ દાન મળ્યું હતું. અગાઉ
બુધવારે મુંબઈના લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના સચિવ સુધીર સાળવીએ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીની લાલબાગ સમિતિની પ્રવૃત્તિઓ પ્રત્યેના તેમના સમર્થન બદલ પ્રશંસા કરી હતી.
સુધીર સાળવીએ કહ્યું હતું કે ‘આજે લાલબાગચા રાજાનું ડાયાલિસિસ સેન્ટર શરૂ થઈ રહ્યું છે. એમાં ૨૪ મશીન છે જે અનંત અંબાણીએ આપ્યાં છે અને એની સાથે અમે દરેક દરદીને મદદ કરવા રક્તદાન કૅમ્પ પણ રાખ્યો છે. અનંત અંબાણી તરફથી ઘણો સપોર્ટ મળી રહ્યો છે.’