20 March, 2023 02:14 PM IST | Mumbai | Shirish Vaktania
લાલબાગમાં આવેલી આ ચાલીમાં તાળું મારેલા ઘરમાં રિમ્પલ તેની મમ્મી સાથે રહેતી હતી
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે માતાની હત્યા કરનાર રિમ્પલ જૈને પકડાઈ જવાના ડરથી તેની માતાની બૉડી ચાર મહિના સુધી ઘરની અંદર રાખી હતી. ત્યાં સુધી કે સડી ગયેલા શરીરની દુર્ગંધ પણ દિવસો જતાં વધી રહી હતી.
રિમ્પલ અને તેની માતા વીણા લાલબાગની ઇબ્રાહિમ કાસિમ ચાલમાં રહેતાં હતાં. ૧૪ માર્ચે કાલાચૌકી પોલીસે વીણાની હત્યાના આરોપમાં રિમ્પલની ધરપકડ કરી હતી. રિમ્પલે ઇલેક્ટ્રિક માર્બલ કટિંગ મશીનનો ઉપયોગ કરીને વીણાના શરીરના નાના ટુકડા કરી નાખ્યા હતા.
કાલાચૌકી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘સો વર્ષ જૂની ચાલ હોવાથી સવારે બે વાગ્યા સુધી ત્યાં ચહલપહલ હોય છે અને સવારે ચાર વાગ્યા ટી-સ્ટૉલ ખૂલી જાય છે એટલે રિમ્પલને શબના નિકાલ માટે યોગ્ય સમય મળ્યો નહોતો.’
૨૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ સવારે ચાલની બહારની એક રેસ્ટોરાંના બે કર્મચારીએ વીણાના પડી ગયા બાદ તેને હૉસ્પિટલમાં લઈ જવાની ઑફર કરી હતી, પરંતુ રિમ્પલે મદદનો અસ્વીકાર કર્યો હતો. આ ઘટના બાદ પાડોશીઓને શંકા જવાની શરૂઆત થઈ હતી. બાદમાં રિમ્પલે તેની માતા કાનપુર ગઈ છે એવી વાર્તા ઊપજાવી કાઢી હતી. પાડોશીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે વીણા ઘણા સમયથી ગાયબ રહેતાં તેમને શંકા ગઈ હતી. કોઈને શંકા ન જાય એ માટે રિમ્પલ દરરોજ તેની માતા સાથે ઘરની બહાર રસ્તા પરના ફોનથી વાત કરવાનો ઢોંગ કરતી હતી.
રિમ્પલે કથિત રીતે ૨૭ ડિસેમ્બરે વીણાની હત્યા કરી અને પછીના દિવસે કટિંગ મશીન ખરીદ્યું. પોલીસ ઑફિસરે કહ્યું હતું કે ‘તેણે શરીરના ટુકડા કરીને કબાટમાં મૂકી દીધા હતા. એની દુર્ગંધ ન આવે એ માટે રૂમ ફ્રેશનર અને પરફ્યુમ નાખ્યું હતું. બૉડી એ કબાટમાંથી મળી હતી.’
રિમ્પલે તેના પૈસા કટિંગ મશીન પાછળ ખર્ચી નાખ્યા હતા એટલે ચાલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા શ્રી સાંઈ ફાસ્ટ ફૂડ સેન્ટરમાંથી તેણે ઉધાર ફૂડ લેવાનું શરૂ કર્યું હતું. એનો મૅનેજર ઉમેશ ખાવરે આ કેસનો મુખ્ય સાક્ષી છે.
ઉમેશ ખાવરેએ પોલીસને જણાવ્યું હતું કે રિમ્પલે દાવો કર્યો હતો કે વીણાના પડી ગયા બાદ તેની સારવાર માટે કાનપુર પૈસા મોકલ્યા હતા. દિવસો જતાં ઉમેશ ખાવરે પાસે રિમ્પલે પોતાનો મોબાઇલ પણ રીચાર્જ કરાવ્યો હતો.
૧૦ માર્ચે રિમ્પલે ઉમેશ ખાવરેને તેના બાકી તમામ પૈસા ચૂકવી દીધા હતા. ઉમેશ ખાવરેની ૧૮ કલાક સુધી આ કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. તેના કૉલ્સને કારણે શરૂઆતમાં ઉમેશ ખાવરેને પોલીસે શંકાસ્પદ બનાવ્યો હતો. જોકે પૂછપરછ બાદ તેની સંડોવણી નકારી કાઢવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે રિમ્પલ હજી પણ કહી રહી છે કે વીણા અકસ્માતે પડી ગઈ હતી અને તેણે તેને મારી નથી.