રિમ્પલ જૈનની મમ્મીની એકેએક પાંસળી તૂટેલી હતી

04 April, 2023 08:29 AM IST  |  Mumbai | Anurag Kamble

દીકરી રિમ્પલ એવો દાવો કરે છે કે તેની મમ્મી વીણા પડી જવાને કારણે મૃત્યુ પામી હતી, પરંતુ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ શરીરની પાંસળીઓમાં અને ગરદનના હાડકામાં ફ્રૅક્ચર થયું હોવાનું જણાવે છે : ગળું દબાવવાને લીધે જ ગરદનનું હાડકું સામાન્યપણે તૂટતું હોય છે

કાલાચૌકી પોલીસની કસ્ટડીમાં રિમ્પલ જૈન (તસવીર : અજિંક્ય સાવંત)

જોકે હાડકાં મૃત્યુ પહેલાં કે પછી ફ્રૅક્ચર થયેલાં એનું હવે પરીક્ષણ કરવામાં આવશે

૨૪ વર્ષની રિમ્પલ જૈન કહે છે તેણે પોતાની મમ્મીની હત્યા નથી કરી. જોકે પોસ્ટમૉર્ટમનો અહેવાલ કંઈક જૂદું જ કહે છે. મિડ-ડેની પાસે આવેલા પોસ્ટમૉર્ટમના રીપૉર્ટ મુજબ મરનાર વીણા જૈનની તમામ પાંસળીમાં ફ્રૅક્ચર હતા. આ ઉપરાંત ગરદનના યુ આકારના હાડકું પણ તૂટેલું હતું અને એક્સપર્ટ્સના મતે આ સંકેત છે ગળું દબાવી દેવાયું છે એનો. ફૉરેન્સિક નિષ્ણાતોએ જોકે મરણનું કારણ જણાવ્યું નથી.

પોસ્ટમૉર્ટમના તૂટેલા હાડકાંનું પરીક્ષણ કોઈ તારતમ્ય પણ પહોંચી નથી શક્યું. આ પાંસળીઓ અને હાડકાં મૃત્યુ પહેલાં તૂટેલા કે પછી એ નક્કી કરવા માટે હિસ્ટોપેથોલોજિકલ એક્ઝામિનેશન કરાશે.

૨૪ વર્ષની રિમ્પલ પોતાની મમ્મી વીણા સાથે ઇબ્રાહિમ કાસિમ ચાલમાં રહેતી હતી. તેનાં સગાંસંબંધીઓને શંકા ગઈ હતી કે જ્યારથી તેણે તેમને મળવાનું ટાળ્યું તેમ જ હંમેશાં વીણા સૂતી હોવાની વાત કરતી હતી. ૧૪ માર્ચે જ્યારે તેમનો ભાઈ આવ્યો તો રિમ્પલે કહ્યું કે મમ્મી લકવાગ્રસ્ત થતાં તે કાનપુર ગઈ છે. આખરે રિલેટીવ્ઝે પોલીસની મદદ લીધી હતી, કારણ કે ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હતી. પોલીસને ઘરમાં એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. સગાંઓએ એની ઓળખ વીણા તરીકે કરી હતી.

તપાસ દરમ્યાન રિમ્પલે વારંવાર દાવો કર્યો હતો કે તેની મમ્મી પહેલા માળથી નીચે પડતાં તેનું મૃત્યુ થયું હતું. મરણને છુપાવવા અને પરિવાર શંકા ન કરે એ માટે તેણે મમ્મીના શરીરના ટુકડા કરવાનું નક્કી કર્યું હતું તેમ જ નજીકના સૅન્ડવિચ વિક્રેતાની સાથે કાનપુર ગઈ હોવાની વાત ઉપજાવી કાઢી હતી.

વીણા જૈનનું પોસ્ટમૉર્ટમ પાંચ ફૉરેન્સિક નિષ્ણાતોની ટીમ દ્વારા પરેલની કેઈએમ હૉસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ પાંસળીમાં ઘણાં ફ્રૅક્ચર હતાં. જડબાના હાડકાને ખોપરી સાથે જોડતું હાડકું અવ્યવસ્થિત હતું. ગરદનના હાડકામાં ત્રણ ફ્રૅક્ચર હતાં. વળી એ શરીરથી સાવ અલગ હતું. સામાન્ય રીતે હાડકાનું ફ્રૅક્ચર ગળું દબાવવાને કારણે થતું હોય છે. ઉપરાંત તમામ પાંસળીઓમાં ફ્રૅક્ચર છે. પડવાને કારણે પણ તમામ પાંસળીઓમાં ફ્રૅક્ચર થતું નથી. ફ્રૅક્ચર થયેલાં હાડકાંને હિસ્ટોપેથોલૉજિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે, જેમાં શરીરમાં ફ્રૅક્ચર મરણ પહેલાં કે મરણ બાદ થયું છે એ ખબર પડી શકે.

મરનાર વીણાબહેન જૈન, પુત્રી રિમ્પલ જૈન

નામ જાહેર ન કરવાની શરતે એક ફૉરેન્સિક નિષ્ણાતે જણાવ્યું હતું કે ગળાના હાડકાનું ફ્રૅક્ચર એ વાત સૂચવે છે કે મરણ ગળું દબાવવાને કારણે થયું હોઈ શકે છે, કારણ કે એ તૂટવાનો બીજો કોઈ રસ્તો નથી. વળી પાંસળીનાં ફ્રૅક્ચર સૂચવે છે કે એને વારંવાર માર મારવામાં આવ્યો હતો.

રિમ્પલ જૈન હાલ જુડિશ્યલ કસ્ટડીમાં છે. તે હંમેશાં એવો દાવો કરે છે કે તેણે મમ્મીને મારી નથી. પડવાને કારણે તે મરી ગઈ હતી, પરંતુ પોલીસના મતે તેની મમ્મી છેલ્લા દિવસોમાં લકવાગ્રસ્ત હતી અને હલનચલન કરી શકતી નહોતી. આરોપી સામે હત્યાનો આરોપ હવે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પર નિર્ભર છે, જે મરણનું કારણ સ્પષ્ટ કરશે. 

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police lalbaug anurag kamble