ઘાટકોપરમાં દીક્ષા-કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલાં કચ્છી મહિલાના ત્રણ લાખ રૂપિયાના દાગીના ચોરાયા

17 December, 2023 02:25 PM IST  |  Mumbai | Mehul Jethva

આરોપીને શોધવા માટે પોલીસ દીક્ષા-પ્રોગ્રામ સહિત આસપાસના વિસ્તારનાં સીસીટીવી ફુટેજ તપાસી રહી છે

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપરમાં રહેતાં ૬૩ વર્ષનાં કચ્છી મહિલા પંતનગરના એક ગાર્ડનમાં થયેલા દીક્ષા-કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયાં હતાં. દરમ્યાન ત્યાંથી નીકળીને ઘરે પાછા ફરતી વખતે તેમણે પહેરેલું પાંચ તોલાનું મંગળસૂત્ર ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ઘરે આવીને મંગળસૂત્રની વધુ શોધ કરતાં એ મળ્યું નહોતું. અંતે મંગળસૂત્ર ચોરાયું હોવાની ફરિયાદ તેમણે પંતનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. આરોપીને શોધવા માટે પોલીસ દીક્ષા-પ્રોગ્રામ સહિત આસપાસના વિસ્તારનાં સીસીટીવી ફુટેજ તપાસી રહી છે.

ઘાટકોપર-ઈસ્ટના તિલક રોડ પર વલ્લભબાગ લેનની એક સોસાયટીમાં રહેતાં ૬૩ વર્ષનાં દમયંતી જયંતીલાલ દેઢિયાએ કરેલી ફરિયાદ અનુસાર તેઓ ૧૪ ડિસેમ્બરે સવારે પાંચ વાગ્યે પંતનગરના જનરલ અરુણકુમાર વૈદ્ય ગાર્ડનમાં યોજાયેલા જૈન સમુદાયના દીક્ષા-કાર્યક્રમમાં હાજરી આપવા ગયાં હતાં. અહીં સમાજના લોકો કાર્યક્રમ માટે સવારથી ભેગા થયા હતા. તેઓ અને તેમના પતિ બન્ને અરુણકુમાર વૈદ્ય ગાર્ડનમાં આવ્યાં ત્યારે ગાર્ડનમાં સ્ત્રી-પુરુષો માટે અલગ-અલગ બેઠક-વ્યવસ્થા હતી. એટલે તેઓ મહિલા બેઠકમાં બેઠાં હતાં. આ કાર્યક્રમમાં ૫,૦૦૦ લોકો આવ્યા હતા. ૯.૩૦ વાગ્યે બગીચાની બાજુમાં બહાર જમવાની વ્યવસ્થા હોવાથી લોકો મંડપમાંથી બહાર આવવા લાગ્યા હતા. તેમની સાથે તેઓ પણ બહાર આવ્યાં હતાં. ત્યાર બાદ તેઓ ઘરે જવા માટે રસ્તા પર આવીને રિક્ષા પકડવા જતાં હતાં ત્યારે ગળાને સ્પર્શ કરતાં ખબર પડી કે ગળામાં મંગળસૂત્ર નથી. પછી તેઓ ચાલતાં-ચાલતાં નજીકના જૈન મંદિરમાં દર્શન કરીને ઘરે આવ્યાં હતાં. ઘરે આવીને વધુ શોધ માટે તેમણે કપડાં સહિત બૅગમાં તપાસ કરી હતી, પણ મંગળસૂત્ર મળ્યું નહોતું. ત્યાર બાદ પતિ જયંતીલાલને ફોન કરીને તેમણે આ ઘટનાની માહિતી આપી હતી. અંતે આ ઘટનાની ફરિયાદ પંતનગર પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.

પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે સીટીવીટી ફુટેજના આધારે આરોપીની તપાસ કરી રહ્યા છીએ. એની સાથે રીઢા આરોપીઓની માહિતી કાઢીને તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે.’

ghatkopar jain community Crime News mumbai crime news mumbai police mumbai mumbai news mehul jethva