લોકોને, વાહનોને અડફેટે લેતી બસ ફુલ સ્પીડમાં આગળ વધતી ગઈ, આખો રોડ લોહીલુહાણ થઈ ગયો

11 December, 2024 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું કહેવું છે સ્થાનિક દુકાનદારોનું : ગઈ કાલે બપોર બાદ કુર્લામાં જ્યાં અકસ્માત થયો હતો એ વિસ્તાર રાબેતા મુજબ ધમધમવા માંડ્યો હતો : BESTની કિલર બસના ડ્રાઇવરે લોકોને કચડી નાખ્યા બાદ લોકોએ સંયમ રાખ્યો હોવાનો સ્થાનિક રહેવાસીઓનો દાવો

અનાજ-કરિયાણાના વેપારી રાકેશ ગાલા (ડાબે), આંબેડકર નગરના મેઇન ગેટનો તૂટી ગયેલો પિલર અને તૂટી ગયેલી દીવાલનો કાટમાળ

કુર્લા-વેસ્ટના એસ. જી. બર્વે રોડ પર આવેલી અંજુમન-એ-ઇસ્લામ સ્કૂલ પાસે સોમવારે રાતે ૯.૩૬ વાગ્યે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસના ડ્રાઇવરે સ્ટીઅરિંગ પરથી કાબૂ ગુમાવતાં ૭ વ્યક્તિનાં મોત થયાં હતાં અને ૪૯ લોકો ઘાયલ થયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં એક પોલીસ-વૅન, કાર, ટૂ-વ્હીલર્સ, રિક્ષા અને રેંકડીઓ સહિત બાવીસ વાહનોને નુકસાન થયું હતું.

ગઈ કાલે સામાન્ય રીતે ભીડભાડવાળો રહેતો BESTની બસ વગરનો એસ. જી. બર્વે રોડ

આ ગમખ્વાર બનાવને જોનાર અનાજ-કરિયાણાના વેપારી ૫૦ વર્ષના રાકેશ ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અકસ્માત રાતે ૯.૩૬ વાગ્યે થયો હતો. સામાન્ય રીતે અમારો રોડ ભીડભાડવાળો રહે છે. સોમવારે અમારા રોડ પર એટલી બધી ગિરદી નહોતી, પણ ત્યાં અચાનક BESTની બસ ખરાબ થઈ ગઈ હોય અને એમાંથી અવાજ આવતા હોય એવો જોરદાર અવાજ આવતો હતો. અમને લાગ્યું કે કોઈ બસ બગડી ગઈ હશે એનો અવાજ હશે, પરંતુ અમે જોયું કે અમારી નજર સામે BESTની બસે એક રાહદારીને કચડી નાખ્યો હતો. અમે કાંઈ વિચારીએ એ પહેલાં ત્યાંથી ૧૦ ફુટના અંતરે ઊભેલી એક જૂસની રેંકડીને અથડાઈને બસે જૂસવાળાને અડફેટમાં લીધો અને ત્યાંથી બસ ફુલ સ્પીડમાં આગળ વધતી ગઈ હતી. આખો રોડ લોહીલુહાણ બની ગયો હતો. થોડી વારમાં મને મારા ઘરેથી ફોન આવ્યો કે અમારા આંબેડકર નગરના ગેટ પર BESTની બસ અથડાઈને ઊભી રહી ગઈ છે અને રોડ પર હોહા મચી ગઈ છે. ત્યાં પણ એક રાહદારી મહિલાને કચડી નાખી હતી. એ પહેલાં કોઈ ઇમારત તૂટી પડી હોય એવો જોરદાર ધડાકો થયો હતો. પહેલાં તો મારી વાઇફ અને દીકરીને લાગ્યું કે અમારી ઇમારતને કાંઈ થયું છે, પણ પછી બસ અથડાઈ હોવાનું જાણવા મળ્યું હતું. આખા રોડ પર ઊહાપોહ મચેલો જોવા મળ્યો હતો. લોકો જ્યાં-ત્યાં ભાગતા હતા. અનેક વાહનોના ભુક્કા બોલી ગયા હતા. આટલી મોટી દુર્ઘટના પછી પણ લોકો ઈજાગ્રસ્તોને બચાવવાના અને હૉસ્પિટલ પહોંચાડવાના કામે લાગી ગયા હતા.’

કુર્લા-વેસ્ટના ખાલી પડેલાં BESTનાં બસ-સ્ટૉપ

સૌથી દુઃખની વાત તો એ હતી કે બસે એક પોલીસ-વૅનને ઉડાડી દીધી હતી એવું કહેતાં સ્થાનિક દુકાનદારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ આવતાં જ ૧૦૦-૨૦૦ ‌પબ્લિકના ટોળાએ ડ્રાઇવરને પકડીને પોલીસને સોંપી દીધો હતો. અમને દુર્ઘટના જોઈને એવું લાગતું હતું કે વાતાવરણ તંગ બની જશે પણ ગઈ કાલ રાત સુધી કોઈ અનિચ્છનીય બનાવ નહોતો બન્યો. ગઈ કાલ સવાર સુધી તો પોલીસે રોડ પર છાવણી બનાવી દીધી હતી. રોડ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. રોડ સૂમસામ બની ગયો હતો. કોઈ ખૂણેખાંચરે મીડિયાને કારણે લોકાનાં ટોળાં જોવા મળતાં હતાં. જોકે બપોરે ૧૨ વાગતાં રોડ પર બધું રેગ્યુલર થઈ ગયું હતું. ફક્ત BESTની બસો બંધ કરી દેવામાં આવી હતી. એ સિવાય અન્ય વાહનવ્યવહાર શરૂ થઈ ગયો હતો. પોલીસ પણ ગઈ કાલે ધીરે-ધીરે રોડ પરથી દૂર થઈ ગઈ હતી. સામાન્ય રીતે ચાલુ દિવસોમાં મુસાફરોથી ખીચોખીચ ભરાયેલાં રહેતાં બસ-સ્ટૉપ પર કાગડા ઊડતા હતા. તદ્દન શાંતિ હતી. આ બધાની વચ્ચે નવાઈની વાત એ હતી કે બસ-ડ્રાઇવરે બસ પરથી કન્ટ્રોલ ગુમાવ્યા છતાં બસમાં બેઠેલા પૅસેન્જરો કે કન્ડક્ટરને ઊની આંચ નહોતી આવી. આંબેડકર નગરમાં મેઇન ગેટનો એક પિલર અને પાર્કિંગ-લૉટ પાસેની એક દીવાલ બસ અથડાતાં તૂટી ગઈ હતી.’

kurla brihanmumbai electricity supply and transport road accident mumbai mumbai news