12 December, 2024 11:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતનો ભોગ બનેલી બસ
કુર્લામાં થયેલા બસ-અકસ્માતમાં ૭ જણનો ભોગ લેવાયો છે અને ૪૯ જણ ઘાયલ થયા છે ત્યારે એ અકસ્માતનાં કારણો વિશે જણાવતાં રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના એક અધિકારીએ કહ્યું હતું કે આ અકસ્માત હ્યુમન એરર અને અપૂરતી ટ્રેઇનિંગને કારણે થયો હોય એવું લાગી રહ્યું છે. આ ઉપરાંત બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ના જનરલ મૅનેજર અનિલ દિગ્ગીકરે પણ કહ્યું હતું કે અકસ્માત કરનાર કૉન્ટ્રૅક્ટ પરના ડ્રાઇવર સંજય મોરેને ૩ દિવસની ઇન્ડક્શન ટ્રેઇનિંગ આપવામાં આવી હતી. જોકે સંજય મોરેના પુત્ર દીપ મોરેએ કહ્યું હતું કે પપ્પાને ઇલેક્ટ્રિક બસ ચલાવવાની નવથી ૧૦ દિવસની ટ્રેઇનિંગ આપવામાં આવી હતી.
અકસ્માત થયા બાદ વડાલા RTOના ઑફિસર ભરત જાધવે પોતાની ટીમ સાથે કુર્લા ડેપોમાં જઈને બસની ચકાસણી કરી હતી. તેમની તપાસમાં ઓલેક્ટ્રા કંપનીની એ બસની બ્રેક વ્યવસ્થિત કામ કરી રહી હતી એટલું જ નહીં, બીજી સિસ્ટમ્સ પણ પ્રૉપર કામ કરી રહી હોવાનું સ્પષ્ટ થયું હતું. RTOના એક અધિકારીએ કહ્યું હતું કે ‘એવું લાગી રહ્યું છે કે ડ્રાઇવરને ઇલેક્ટ્રિક બસ ચલાવવાનો પૂરતો અનુભવ નહોતો એટલું જ નહીં, તેને ૧૨ મીટર લાંબી બસ ચલાવવાની પૂરતી ટ્રેઇનિંગ પણ અપાઈ લાગતી નથી. જે ડ્રાઇવરને આવી ઑટો ગિઅર ટ્રાન્સમિશનવાળી બસ ચલાવવાનો અનુભવ નથી હોતો તેને શરૂઆતમાં એક્સલરેશન અને બ્રેકનું જજમેન્ટ આવતાં વાર લાગે છે. એથી એવું લાગી રહ્યું છે કે હ્યુમન એરરને કારણે આ અકસ્માત થયો હતો.’
જે બસથી આ અકસ્માત થયો એને ત્રણ મહિના પહેલાં જ બેસ્ટના કાફલામાં સામેલ કરવામાં આવી હતી. ૨૦ ઑગસ્ટે ઈવે ટ્રાન્સ (EVEY TRANS)ના નામે એનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જ્યારે ડ્રાઇવર સંજય મોરે પુણેબેઝ્ડ કંપનીનો કર્મચારી છે.
સંજય મોરે સોમવારે બપોરે ૨.૪૫ વાગ્યે ડ્યુટી પર ચડ્યો હતો અને રાતે ૯.૩૫ વાગ્યે આ અકસ્માત થયો હતો. ઘટનાસ્થળના જે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મળ્યાં છે એ જોતાં પહેલા વાહનને અડફેટે લીધા બાદ બાવનથી પંચાવન સેકન્ડમાં આખો બનાવ બની ગયો હતો. એમાં રિક્ષા, કાર, પોલીસવૅન, બાઇક, સ્કૂટી અને રાહદારીઓને ઉડાડતી અને અડફેટે લેતી બસ છેલ્લે મકાનની કમ્પાઉન્ડ-વૉલ સાથે અથડાઈ હતી. RTOના ઑફિસરને એવી પણ શંકા છે કે પહેલા વાહનને અડફેટે લીધા બાદ ડ્રાઇવરથી બસની સ્પીડ વધી ગઈ અને એ પછી તે અનેક વાહનોને અડફેટે લેતો ગયો હતો.
BEST અને બસ બનાવનારી કંપની ઓલેક્ટ્રા પાસેથી અમુક સ્પષ્ટતા જોઈતી હોવાથી RTOએ હજી પોતાનો રિપોર્ટ સુપરત નથી કર્યો.