કુર્લામાં બસથી લોકોને કચડ્યા બાદ ડ્રાઇવરે કર્યું હતું આ કામ? સીસીટીવી ફૂટેજમાં થયો ખુલાસો

12 December, 2024 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kurla Best Accident: મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) અને બેસ્ટના ટોચના અધિકારીઓએ બુધવારે ખાનગી ઓપરેટરો સાથે બેઠક યોજી હતી જે સરકારી એજન્સીઓને લીઝ પર બસો પૂરી પાડે છે.

કુર્લાની ઘટના બાદના સીસીટીવી ફૂટેજમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)

મુંબઈના કુર્લા વિસ્તારમાં બેસ્ટ બસ અકસ્માતની (Kurla Best Accident) ઘટનામાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ સાથે અકસ્માત કરનાર ડ્રાઈવરને લઈને પણ અનેક ચોંકાવનારી વાતો પણ સામે આવી છે જેમ કે તેને મોટા વાહનો ચલાવવાનો અનુભવ ન હતો તેમ છતાં તેને બેસ્ટ ડ્રાઈવર તરીકે નિમણૂક કરવામાં આવ્યો હતો. આ બધી વિગતો સાથે આ મામલે એક નવી વાત સામે આવી છે જેમાં અકસ્માત કર્યા બાદ આરોપી ડ્રાઈવર સંજય મોરેએ શું કર્યું હતું તે બસમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયું હતું.

કુર્લા વિસ્તારમાં (Kurla Best Accident) સાત લોકોને કચડી નાખનારી બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) બસના સીસીટીવી ફૂટેજથી સામે આવ્યું છે કે ડ્રાઈવર સંજય મોરે અકસ્માત બાદ બસની તૂટેલી બારીમાંથી કૂદીને કેબિનમાંથી બે બૅગ ઉપાડી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. બુધવારે, આ ઘટના સાથે સંબંધિત 50 સેકન્ડથી લઈને એક મિનિટ સુધીની ચાર-પાંચ વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે વીડિયો જોઈને જાણવા મળી રહ્યું છે કે સોમવારે રાત્રે કુર્લા (વેસ્ટ)માં એક રોડ પર એક ઈલેક્ટ્રિક વાહન (EV) નિયંત્રણ બહાર જઈને કેટલાક વાહનો અને રાહદારીઓને ટક્કર મારી રહ્યું હતું અને મુસાફરો ગભરાઈ ગયા હતા.

કેટલાક મુસાફરો થાંભલાઓ અને હેન્ડલ્સને ચુસ્તપણે પકડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જ્યારે અન્ય બસ આગળ વધતી વખતે રસ્તા પર શું થઈ રહ્યું છે તે જોવા માટે તેમની બેઠકો પરથી ઉભા થવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બસ ઉભી થતાની સાથે જ ઘણા મુસાફરો તૂટેલી બારીઓમાંથી કૂદી પડ્યા હતા. એક વીડિયો ક્લિપમાં સંજય મોરે (Kurla Best Accident) બસની કેબિનમાંથી બે કાળી બૅગ લઈને બહાર નીકળતો અને તેની ડાબી બાજુની તૂટેલી બારીમાંથી કૂદતો જોવા મળી રહ્યો છે અને બસ કંડક્ટર પાછલા દરવાજેથી નીચે ઉતર્યો.

મ્યુનિસિપલ કોર્પોરેશન (Kurla Best Accident) દ્વારા ચલાવવામાં આવતી બેસ્ટ ઉપક્રમની ઈ-બસ સોમવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે કુર્લા (વેસ્ટ)માં એસજી બર્વે રોડ પર રાહદારીઓ અને વાહનોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને 42 લોકો ઘાયલ થયા છે. બસ ડ્રાઈવરની ગુનાહિત હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે અને તેને 21 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. અત્યાર સુધી બહાર આવેલી વિગતો મુજબ, મોરેને ઈ-વ્હીકલ ચલાવવાનો કોઈ અનુભવ નહોતો અને તેણે ઈવી ચલાવવા માટે માત્ર 10 દિવસની તાલીમ લીધી હતી. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) અને બેસ્ટના ટોચના અધિકારીઓએ બુધવારે ખાનગી ઓપરેટરો સાથે બેઠક યોજી હતી જે સરકારી એજન્સીઓને લીઝ પર બસો પૂરી પાડે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ડ્રાઇવર તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વધારાના સલામતીનાં પગલાં લેશે.

kurla road accident mumbai transport brihanmumbai electricity supply and transport mumbai news