30 March, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુણાલ કામરા
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ એકનાથ શિંદેની ગીતમાં પૅરોડી કરીને મજાક ઉડાવનારા સ્ટૅન્ડ-અપ કૉમેડિયન સામે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધીને બે વખત હાજર થવાના સમન્સ મોકલ્યા છે. આમ છતાં કૉમેડિયન પોલીસમાં હાજર નથી થયો અને તેણે ગઈ કાલે મદ્રાસ હાઈ કોર્ટમાં ધરપકડથી રક્ષણ મેળવવા માટેની અરજી કરી હતી. કોર્ટે કુણાલ કામરાની અરજીને માન્ય રાખીને તેની ૭ એપ્રિલ સુધી ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો હતો. કુણાલ કામરા ૩૧ માર્ચે મુંબઈ પોલીસમાં પોતાનું નિવેદન નોંધાવવા હાજર થવાની શક્યતા છે, પણ કોર્ટનો વચગાળાના આગોતરા જામીનનો આદેશ હોવાથી પોલીસ તેની ધરપકડ નહીં કરી શકે. કુણાલ કામરા ૨૦૨૧માં મુંબઈથી તામિલનાડુમાં શિફ્ટ થઈ ગયો હતો એટલે તેણે મદ્રાસ હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ ફિલ્મના ગીતમાં એકનાથ શિંદેની પૅરોડી કર્યા બાદ શિવસૈનિકો આક્રમક થઈ ગયા હતા અને તેનું આ ગીત ખારના હૅબિટેટ સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવ્યું હોવાનું જાણ્યા બાદ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી.
કુણાલ કામરા સામે મુંબઈ પોલીસમાં બે જુદી-જુદી ફરિયાદ નોંધવામાં આવી છે અને તેને બે વખત પોલીસમાં હાજર રહેવા માટેના સમન્સ મોકલવામાં આવ્યા હતા. બીજા સમન્સમાં કૉમેડિયનને ૩૧ માર્ચે મુંબઈ પોલીસમાં હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું.