કુણાલ કામરાની સામે વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવ્યો હક્કભંગ પ્રસ્તાવ

27 March, 2025 02:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BJPના નેતા પ્રવીણ દરેકરે નાયબ મુખ્ય પ્રધાનનું અપમાન કરવા બદલ આ પગલું ભર્યું : આની સાથે બન્ને ગૃહમાં ઉદ્ધવસેનાનાં નેતા સુષ્મા અંધારેની ખિલાફ પણ વાંધાજનક ભાષા માટે આ :સ્ટૅન્ડ-અપ કૉમેડિયનની સમય આપવાની માગણી ઠુકરાવીને પોલીસે મોકલાવ્યું તેને બીજું સમન્સ

કુણાલ કામરા

ખાર પોલીસે સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાને સ્ટેટમેન્ટ નોંધાવવા માટે ગઈ કાલે બીજું સમન્સ મોકલાવીને તરત જ હાજર થવાનું જણાવ્યું હતું. આ પહેલાં પહેલા સમન્સના જવાબમાં કુણાલ કામરાએ પોતાના વકીલ મારફત લેટર મોકલીને પોલીસ પાસે હાજર થવા માટે એક અઠવાડિયાનો સમય માગ્યો હતો. પોતે પૉન્ડિચેરીમાં કામમાં વ્યસ્ત હોવાથી તરત આવી શકે એમ ન હોવાનું કારણ તેણે પોલીસને આપ્યું હતું. જોકે પોલીસે તેની આ વિનંતી માન્ય નહોતી રાખી અને ગઈ કાલે બીજું સમન્સ મોકલાવ્યું હતું.

બીજી બાજુ, વિધાન પરિષદમાં આ કૉમેડિયન અને ઉદ્ધવસેનાનાં નેતા સુષ્મા અંધારેની ખિલાફ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પ્રવીણ દરેકરે હક્કભંગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરાએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિશે એક કવિતા કહી હતી. આ જ કવિતાને સુષ્મા અંધારેએ પણ રિપીટ કરી હતી. ત્યાર બાદ તેમણે બીજી કવિતા બોલીને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા કરી હતી. સુષ્મા અંધારેએ સોશ્યલ મીડિયા પર બોલતી વખતે પણ નાયબ મુખ્ય પ્રધાન માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. સુષ્મા અંધારેએ બન્ને સભાગૃહનું અપમાન કર્યું છે. સુષ્મા અંધારેએ કરેલી વાંધાજનક ભાષાના ઉપયોગ અને કુણાલ કામરાએ એકનાથ શિંદેના કરેલા અપમાન બદલ મેં બન્ને સામે હક્કભંગનો પ્રસ્તાવ વિધાન પરિષદમાં મૂક્યો હતો.’

આ હક્કભંગ પ્રસ્તાવ પ્રિવિલેજ કમિટીને મોકલવા પહેલાં વિધાન પરિષદના ચૅરપર્સન પ્રોફેસર રામ શિંદેએ એને મંજૂરી આપવી પડશે. ત્યાર બાદ જો કમિટી એના પર મંજૂરીની મહોર મારશે તો આ પ્રસ્તાવ પર વિધાન પરિષદમાં ચર્ચા કરવામાં આવશે.

વિધાન પરિષદની સાથે વિધાનસભામાં પણ સુષ્મા અંધારેની સામે હક્કભંગનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. શિંદેસેનાના વિધાનસભ્ય રમેશ બોરણારે દ્વારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિશે એલફેલ બોલવા બદલ આ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જેને રાજ્ય કક્ષાના ફાઇનૅન્સ મિનિસ્ટર આશિષ જાયસવાલે અનુમોદન આપ્યું હતું.

અજિત પવારની પાર્ટીના નેતા બન્યા વિધાનસભાના ઉપાધ્યક્ષ

ગઈ કાલે વિધાનસભાના ઉપાધ્યક્ષપદ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના વિધાનસભ્ય અન્ના બનસોડેના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારે અનુમોદન આપ્યા બાદ બિનવિરોધ તેમની નિમણૂક કરવામાં આવી હતી.

રાજ્ય વિધિમંડળનું બજેટસત્ર ગઈ કાલે પૂરું થયું હતું. હવે મૉન્સૂન સેશન ૩૦ જૂને શરૂ થશે.

kunal kamra khar eknath shinde bharatiya janata party devendra fadnavis political news maharashtra maharashtra news news mumbai mumbai news