27 March, 2025 08:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કુણાલ કામરા (ફાઇલ તસવીર)
હમેશા જબરદસ્ત ટકરાવ અને તીખા હ્યુમર માટે ઓળખાતા સ્ટેન્ડ-અપ કૉમેડિયન કુણાલ કામરા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કૉમેડી કરવા માટે વિવાદમાં ફસાયો છે. તેના નવા સ્ટેન્ડ-અપ સ્પેશિયલ ‘નયા ભારત’માં તેણે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેને લઈને કેટલાક જોક્સ કર્યા હતા, જેને કારણે શો ચર્ચામાં આવ્યો હતો. હવે આ વિવાદ વધુ ગરમાયો છે કારણ કે બૉલિવૂડ મ્યુઝિક સ્ટુડિયો ટી-સિરીઝે યુટ્યુબ પર કામરાના વીડિયો પર કૉપિરાઈટ ઉલ્લંઘન (Copyright Violations)ની નોટિસ આપી છે. ટી-સિરીઝ દ્વારા કહેવામાં આવ્યું છે કે કામરાએ ‘દિલ તો પાગલ હૈં’ ફિલ્મના ફેમસ ગીત ‘ભોલી સી સુરત આંખો મેં મસ્તી’ નો ઉપયોગ મંજૂરી વગર કર્યો છે. આ ગીતના મ્યુઝિકલ કમ્પોઝિશનના અધિકારના ઉલ્લંઘનના આક્ષેપ હેઠળ YouTube પર ‘નયા ભારત’નો વીડિયો બ્લૉક કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે દર્શકો હવે એ વીડિયો જોઈ શકશે નહીં અને કામરાને એમાંથી કોઈ આવક (Revenue) પણ મળશે નહીં.
આ મામલે કામરાએ એક્સ પર ટ્વીટ કરતા લખ્યું છે કે, "હેલ્લો @TSeries, કઠપૂતળી બનવાનું બંધ કરો. પેરોડી (Parody)અને વ્યંગ્ય (Satire) કાયદેસર રીતે ઉપયોગ કરી શકે છે. મેં ગીતના શબ્દો કે મૂળ ઇન્સ્ટ્રુમેન્ટલનો ઉપયોગ કર્યો નથી." વધુમાં લખ્યું કે, "જો તમે આ વીડિયો ડિલીટ કરો છો, તો દરેક કવર ગીત/ડાન્સ વીડિયો ડિલીટ થઈ શકે છે. ક્રિએટર્સ કૃપા કરીને તેની નોંધ લે. ભારતમાં દરેક મોનોપોલી માફિયાથી ઓછી નથી, તેથી કૃપા કરીને આ સ્પેશિયલ વીડિયો ડિલીટ થાય તે પહેલાં તેને જુઓ અને ડાઉનલોડ કરો. તમારી માહિતી માટે - ટી-સિરીઝ હું તમિલનાડુમાં રહું છું."
ટી-સિરીઝનું નિવેદન
ટી-સિરીઝ તરફથી પીટીઆઈને આપવામાં આવેલા નિવેદનમાં કહ્યું હતું કે, "કુણાલ કામરાએ ગીતના મ્યુઝિકલ વર્ક માટે કોઈ મંજૂરી નહીં લીધી હોવાને કારણે એ વીડિયો બ્લૉક કરવામાં આવ્યો છે."
ઓલાના સંસ્થાપક ભાવિષ અગ્રવાલ પર પણ પ્રહાર
કૉમેડી સ્પેશિયલમાં કામરાએ માત્ર રાજકીય નેતાઓ જ નહીં પણ ઓલા કંપનીના ફાઉન્ડર ભાવિષ અગ્રવાલ પર પણ નિશાન સાધ્યું હતું. એક ઑડિયન્સ મેમ્બરે ઓલા સ્કૂટર વિશે પૂછતાં કામરાએ જવાબ આપ્યો, "ઈન્ડિયન બિઝનેસમેન પોતાની ભૂલ ક્યારેય નથી સ્વીકારતા. ઓલાવાળા જોવો મેં એવું શું કહી દીધું જેનાથી તેમને ગુસ્સો આવ્યો? એ ટુ-વ્હીલર સ્કૂટર બનાવે છે અને એના બે વ્હીલમાંથી એક પણ કામ કરતું નથી!" આગળ કહ્યું કે "મને કહે છે કે ‘આવો, સાથે કામ કરો, ભારત બનાવીએ’... પણ પહેલું સ્કૂટર તો બરાબર બનાવો! નવા કલર લૉન્ચ કરતા પહેલા જૂની તકલીફો ઠીક કરો, રિફન્ડ આપો ગ્રાહકોને – મને પૈસા આપવાની જરૂર નથી!"