સ્કૂલ વત્તા નિયમિત પાંચ કલાક સ્ટડીઝ

20 July, 2022 08:47 AM IST  |  Mumbai | Rohit Parikh

આઇસીએસઈમાં દેશમાં સેકન્ડ અને મુંબઈમાં ફર્સ્ટ આવેલા ઘાટકોપરના ક્રિશ પારેખનો આ છે સક્સેસ મંત્ર

ક્રિશ પારેખ


મુંબઈ : ઘાટકોપર (વેસ્ટ)ની નીલકંઠ ઍન્ક્લેવ સોસાયટીમાં રહેતો અને કુર્લાની કોહિનૂર ઇન્ટરનૅશનલ સ્કૂલનો આઇસીએસઈ બોર્ડનો દસમા ધોરણનો વિદ્યાર્થી ક્રિશ ચૈતાલી અભય પારેખે ૫૦૦માંથી ૪૯૮ માર્ક્સ મેળવીને ૯૯.૬૦ ટકા સાથે દેશભરમાં સેકન્ડ નંબરનું અને મુંબઈમાં પહેલા ક્રમાંકનું સ્થાન મેળવ્યું છે. સોરઠ વીસા શ્રીમાળી જૈન જ્ઞાતિના ક્રિશ પારેખને ભવિષ્યમાં આઇઆઇટી એન્જિનિયર બનવું છે. તેથી હાલમાં તે જૉઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામની તૈયારીમાં બિઝી થઈ ગયો છે. 
આ સિદ્ધિ કેવી રીતે મેળવી?
નાનપણથી જ ભણવામાં સ્કૂલમાં ટૉપર રહેલા ક્રિશે તેણે મેળવેલી સિદ્ધિનું શ્રેય તેની બીકૉમ ગ્રૅજ્યુએટ અને કૉમર્સ સ્ટ્રીમનાં ગ્રુપ-ટ્યુશન લેતી મમ્મી ચૈતાલી પારેખ અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને સર્ટિફાઇડ ફાઇનૅન્શિયલ પ્લાનરની સાથે કૉમર્સ સ્ટ્રીમનાં ગ્રુપ-ટ્યુશન લઈ રહેલા પ્રોફેસર અને તેના પપ્પા અભય પારેખને આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું સ્કૂલમાં પહેલા ધોરણથી ટૉપર રહેતો હોવાથી મને હંમેશાં મારાં માતા-પિતા અને મારા ટીચરો તેમ જ સ્કૂલના પ્રિન્સિપાલ તરફથી ભણવાની પ્રેરણા આપવામાં આવતી હતી. દસમા ધોરણની પરીક્ષા માટે  શરૂઆતથી હું સ્કૂલના નિયમિત સમય કરતાં વધુ અને ચારથી પાંચ કલાક અભ્યાસ કરતો હતો. હું પેપર્સની રેગ્યુલર પ્રૅક્ટિસ કરતો હતો. મારાં માતા-પિતા મને કહેતાં હતાં કે નિયમિતતા અને સુસંગતતા સફળતાની ચાવી છે. તેમની આ સલાહને અને તેમના માર્ગદર્શનને હું ફૉલો કરતો હતો જેને કારણે હું મારી સ્કૂલમાં હંમેશાં ટૉપર રહ્યો છું.’
તેની ભણવાની ધગશ અને ચીવટને કારણે જ તે આ સિદ્ધિ મેળવવામાં સફળ રહ્યો છે એમ જણાવીને ક્રિશના પિતા અભય પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હંમેશાં દસમા ધોરણમાં બાળક આવે એટલે માતા-પિતા તેનું શિડ્યુલ્ડ બનાવતાં હોય છે કે તેને સતત અભ્યાસ કરવા માટે ટોકતાં હોય છે, પરંતુ ક્રિશને અમારે આમાંથી કંઈ જ કહેવું પડતું નહોતું. તેના ટીચરો પણ કહે છે કે તે સ્કૂલમાં પણ અભ્યાસમાં ચીવટ રાખીને ભણતો હતો જેથી ફાઇનલ પરીક્ષા સમયે રાતના ઉજાગરા કે કલાકોના કલાકો સુધી અભ્યાસ કરવા જેવી મહેનત કરવાની જરૂર પડી નથી. એમ કહી શકાય કે તે હસતાં-રમતાં ભણતો હતો અને એ જ રીતે તે દેશમાં સેકન્ડ રૅન્ક સુધી પહોંચ્યો છે. તેણે ફક્ત બે વર્ષ કોરાનાકાળમાં ચેસ રમવાનું બંધ કરી દીધું હતું. બાકી મસ્ત જીવન જીવતો હતો.’
લક્ષ્ય શું હતું?
ચેસ, ક્રિકેટ અને પુસ્તકો વાંચવાના શોખીન તેમ જ અનેક ચેસસ્પર્ધાઓમાં અવ્વલ નંબરે આવતા ક્રિશ પારેખે તેના લક્ષ્યની માહિતી આપતાં કહ્યું હતું કે ‘મારું લક્ષ્ય મારી બાજુથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કરવાનું હતું. મારે હાર્ડ વર્ક કરીને પણ ફાઇનલ એક્ઝામમાં ૯૮થી ૧૦૦ વચ્ચેનો સ્કોર કરવો હતો. એ સપનાને સાકાર કરવામાં હું સફળ રહીને આજે દેશમાં સેકન્ડ રૅન્કર અને મુંબઈમાં ફર્સ્ટ રૅન્કર બની શક્યો છું.’
રોલમૉડલ કોણ છે? 
મારાં મમ્મી-પપ્પા નાનપણથી જ 
મારા આદર્શ રહ્યાં છે. મારા પિતા 
મારી પ્રેરણા છે. તે એવી વ્યક્તિ છે જે જ્યારે હું ભૂલ કરતો ત્યારે મને માર્ગદર્શન આપવા માટે હંમેશાં મારી સાથે રહેતા હતા. મેં આ બધું મારાં માતા-પિતા અને દાદા-દાદી, આચાર્ય અને મારા તમામ શિક્ષકોના પ્રયત્નો અને મહેનતને લીધે પ્રાપ્ત કર્યું છે. આ બધાને કારણે જ 
મેં લૉજિકાથોન, લિટકિડ્સ, વક્તૃત્વસ્પર્ધા xજેવી ઘણી સ્પર્ધાઓ જીતી છે. 
હોમી ભાભા પરીક્ષામાં મેં સિલ્વર મેડલ મેળવ્યો છે.’

ghatkopar mumbai news