રેસિડન્ટ ડૉક્ટરોની હડતાળમાં મહારાષ્ટ્રના સિ​નિયર ડૉક્ટરો પણ જોડાયા

17 August, 2024 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ, ઑપરેશન થિયેટર્સ અને લૅબોરેટરીને અસર પહોંચી છે અને એથી અનેક દરદીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

મુંબઈની નાયર હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે શુક્રવારે કોલકાતાના ડૉક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં વિરોધ કર્યો. (તસવીર- પીટીઆઈ)

કલકત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલની પોસ્ટ-ગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ પર થયેલા બળાત્કાર અને તેની હત્યાના વિરોધમાં દેશભરના ડૉક્ટરો દ્વારા પ્રદર્શનો થઈ રહ્યાં છે. એમાં મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ રેસિડન્ટ ડૉક્ટર્સ (MARD)ના ૧૦,૦૦૦ જેટલા ડૉક્ટરો ચાર દિવસથી હડતાળ પર ઊતરી ગયા છે. એમાં હવે તેમના ૬૦૦૦થી ૭૦૦૦ સિનિયર ડૉક્ટરો જેઓ મહારાષ્ટ્ર અસોસિએશન ઑફ બૉન્ડેડ રેસિડન્ટ ડૉક્ટર્સ (MABRD) અને અસોસિએશન ઑફ સ્ટેટ મેડિકલ ઇન્ટર્ન્સ (ASMI)ના સભ્ય છે તેઓ પણ તેમની સાથે શુક્રવારથી જોડાઈ ગયા છે. એને કારણે સરકારી હૉસ્પિટલોમાં દરદીઓની હાલત કફોડી થઈ ગઈ છે. જોકે તેમના દ્વારા ઇમર્જન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે. ખાસ કરીને આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ, ઑપરેશન થિયેટર્સ અને લૅબોરેટરીને અસર પહોંચી છે અને એથી અનેક દરદીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

MARD દ્વારા આ કેસમાં પક્ષપાતરહિત અને પારદર્શક તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. સાથે જ સેન્ટ્રલ હેલ્થકૅર પ્રોટેક્શન ઍક્ટની વહેલી તકે અમલબજાવણી કરવાની, સુરક્ષાનાં પગલાંમાં વધારો કરવાની અને ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા, હથિયારધારી ગાર્ડ્સ, ક્વૉલિટી હૉસ્ટેલ અને રેસિડન્ટ ડૉક્ટરો માટે પ્રૉપર ઑન-કૉલ રૂમની સુવિધા પૂરી પાડવાની માગણી કરી છે. મહારાષ્ટ્રના સેન્ટ્રલ–MARDના પ્રેસિડન્ટ ડૉ. પ્રતીક દાબજેએ કહ્યું હતું કે જે. જે. હૉસ્પિટલ અને મુંબઈની અન્ય સરકારી હૉસ્પિટલોમાં ડૉક્ટરો તેમની માગણીને લઈને શાંતિપૂર્વક વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે.

maharashtra news mumbai news mumbai kolkata Crime News nair hospital