શું ગૅરન્ટી છે કે આરોપીઓ બીજી વાર આવું નહીં કરે?

22 October, 2023 09:51 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

૧૪ વર્ષના દીકરાને ગુમાવનાર ડોમ્બિવલીના શાહ પરિવારે આરોપીઓને નિર્દોષ છોડી મુકાયા બાદ કહ્યું

યશ‌ અને તેના પપ્પા અનિલ શાહ.


ડોમ્બિવલી-ઈસ્ટમાં માનપાડા રોડ પર આવેલી ગુરુપ્રસાદ બિલ્ડિંગમાં રહેતો શાહ પરિવાર છેલ્લાં ૧૪ વર્ષથી પોતાના એકના એક દીકરાને ગુમાવ્યા બાદ ન્યાય મળશે એ આશાએ બેઠો હતો. પુરાવાના અભાવે કોર્ટે આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા છે, પરંતુ આરોપીઓ બીજી વખત આવું નહીં કરશે એની ગૅરન્ટી કોઈ લેશે કે? આજે મારો દીકરો છે, આવતી કાલે બીજા કોઈ બીજાનો દીકરો હોઈ શકે છે, આવું કહીને આંખમાં આંસુ સાથે તેમણે દીકરાને ગુમાવ્યા બાદ પોતાનું જીવન કેવી હાલતમાં છે એનું ‘મિડ-ડે’ સમક્ષ વર્ણન કર્યું હતું.  

ડોમ્બિવલીમાં રહેતા કચ્છી વીસા ઓસવાળ સમાજના અનિલ શાહ તેમના એકમાત્ર દીકરા યશ શાહ અને પત્ની સાથે રહેતા હતા, પરંતુ ૧૪ વર્ષ પહેલાં તેમના દીકરાને કિડ્નૅપ કરાયો અને તેમની પાસે વીસ લાખ રૂ‌પિયા ખંડણી માગવામાં આવી. ઘણી મહેનત છતાં શાહ પરિવારને પોતાનો દીકરો જીવતો મળ્યો નહીં. આ કેસ છેલ્લાં ૧૪ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો અને દીકરાને ગુમાવ્યા બાદ દીકરાનો જીવ લેનારને સજા થશે અને શાહ પરિવારને ન્યાય મળશે એવી આશાએ પ‌રિવાર બેસ્યો હતો, પરંતુ તાજેતરમાં આવેલા ચુકાદા પ્રમાણે આ કેસના ચારેય છૂટી ગયા છે. યશના પિતા અનિલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીકરાને ગુમાવ્યા બાદ અમારી પાસે એક જ આશા હતી કે આરોપીઓને સજા મળે, પરંતુ હવે તો એ લોકો બહાર આવી જશે અને મોજથી પોતાનું જીવન જીવશે, પરંતુ દીકરો તો અમારો ગયો છેને એનું શું? અમે વધુ કોર્ટ-કચેરીનું જાણતા નથી, પરંતુ એટલું જાણીએ છીએ કે જે પૈસા માટે કોમળ-નાના બાળકનો જીવ લઈ શકે છે એ પૈસા માટે કંઈ પણ કરી શકે છે. તેમની ફિતરત બદલતી નથી. આજે આ આરોપીઓ બહાર આવી ગયા છે અને દોષમુક્ત થયા છે, પણ આગળ બીજા સાથે કે બીજાના બાળક સાથે આવું નહીં કરશે એવી કોણ ગૅરન્ટી લેશે? આજે મારું બાળક હતું, બીજી વખત બીજું કોઈ બાળક હશે.’


દીકરાને ગુમાવ્યા બાદ અમારી ખુશીને પૂર્ણવિરામ લાગ્યું છે એમ કહેતાં અનિલભાઈ કહે છે કે ‘બનાવ બન્યો ત્યારે અમને યશ એક જ દીકરો હતો અને તેને ગુમાવ્યા બાદ અમારી ખુશીઓ જાણે જતી જ રહી હતી. હાલ અમને બે દીકરીઓ છે, પરંતુ યશનો ચહેરો અમારી આંખ સામેથી જઈ શકતો નથી તેમ જ યશના મર્ડર બાદ મારો ટેલરિંગનો ધંધો હતો એ પણ બંધ કરી દીધો અને મારી પત્ની બીમાર જ રહેતી હોય છે. ભાડાની દુકાનથી જે આ‍વક આવે એનાથી ઘર ચલાવીએ છીએ. અમારું નસીબ જુઓ કે અમે જીવંત છીએ છતાં અમારી આંખો સામે આરોપીઓ દોષમુક્ત ફરતા હશે. આ કેસમાં તપાસ યોગ્ય રીતે થઈ ન હોવાથી અને તપાસ અધિકારી દ્વારા યોગ્ય જહેમત ને પુરાવા મળ્યા ન હોવાથી આરોપીઓ દોષમુક્ત થયા છે. ન્યાયપાલિકા પર અમને પૂરો વિશ્વાસ છે, પરંતુ અમારા દીકરાનો ચહેરો જોઈએ તો ફક્ત એટલું જ સામે આવે છે કે તેને ન્યાય ક્યારે આપી શકીશું. અમે સામાન્ય ઘરથી હોવાથી કોર્ટમાં શું થાય એ સમજાતું નથી, પરંતુ ન્યાય મેળવવા ક્યાં જવું એવો પ્રશ્ન અમને ઊભો થઈ રહ્યો છે.’

mumbai news dombivli gujarati mid-day