26 May, 2023 08:05 AM IST | Mumbai | Rohit Parikh
કિરણ રાજાવાઢા
મુંબઈ : નાનપણથી જ ભણવાની ધગશ, પરંતુ એચએસસીમાં ઍડ્મિશન લે એ પહેલાં જ પ્રેમલગ્ન થઈ જવાથી બારમાની પરીક્ષા આપવાના કોડ અધૂરા રહી ગયા હતા. પુત્રના જન્મથી જ પુત્રની સાથે બારમાની પરીક્ષા આપવાના અરમાન પણ પુત્રની બારમાની પરીક્ષાના સમયે જ બીજા પુત્રના આગમનથી પૂરા ન થયા. આ ઓરતા બીજો પુત્ર પાંચમા ધોરણની પરીક્ષામાં પાસ થયા પછી ઘાટકોપર-ઈસ્ટના પંતનગરનાં કચ્છી બ્રહ્મક્ષત્રિય હાઉસવાઇફ ૪૨ વર્ષનાં કિરણ ભાવેશ રાજાવાઢાએ પૂરા કર્યા હતો. તેમણે ત્રણ મહિના મહેનત કરીને કૉમર્સમાં એચએસસીની પરીક્ષા આપી હતી. ગઈ કાલે એચએસસીના જાહેર થયેલા રિઝલ્ટમાં કિરણ રાજાવાઢા ૬૧ ટકા માર્ક્સ સાથે પાસ થયાં હતાં. કિરણ રાજાવાઢાએ લગ્નનાં ૨૪ વર્ષ પછી બારમાની પરીક્ષા આપી હતી.
વર્ષો જૂની તમન્ના અને ત્યાર બાદ મળેલી સિદ્ધિ વિશેની માહિતી આપતાં કિરણ રાજાવાઢાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારું બાળપણ ઘાટકોપર-વેસ્ટના ચિરાગનગરમાં વિતાવ્યું છે. મને નાનપણથી જ ભણવાનો શોખ હતો. મેં ઘાટકોપરની શ્રી રત્નચંદ્રજી જૈન કન્યાશાળામાંથી એસએસસીની પરીક્ષા આપી હતી. એસએસસીના પરિણામ પછી સુથારીનું કામ કરતા મારા પપ્પા કાંતિલાલે મને કહ્યું કે દીકરા બહુ ભણી લીધું, હવે ઘરકામ શીખો. જોકે મારે આગળ ભણવું જ હતું. એટલે મેં કૉમર્સમાં ઍડ્મિશન લઈને અગિયારમાની પરીક્ષા પણ પાસ કરી હતી. હું ભણવામાં હોશિયાર નહોતી, પણ મારા ભણવાના કોડ હતા. બારમા ધોરણમાં ઍડ્મિશન લઈને આગળ વધુ એ પહેલાં જ મારાં પ્રેમલગ્ન હેર ઍક્સેસરીઝ મૅન્યુફેકચરર ભાવેશ રાજાવાઢા સાથે થઈ જતાં હું બારમા ધોરણની પરીક્ષા આપી શકી નહોતી.’
લગ્ન થયા પછી મારાં સાસુ જયાબહેન સહિત મારા સાસરિયાંના પરિવારે મને આગળ ભણવાની અને બારમા ધોરણની પરીક્ષા આપવાની પરવાનગી આપી હતી એમ જણાવીને કિરણ રાજાવાઢાએ કહ્યું હતું કે ‘અમે જૉઇન્ટ કુટુંબમાં રહેતા હોવાથી ત્યારે મને ઇચ્છા થઈ નહોતી. મારા પહેલા પુત્ર કુશના જન્મ સમયે ફરીથી મારા ભણવાના કોડ જાગ્યા હતા, પરંતુ મા તરીકેની જવાબદારી હોવાથી મેં નિર્ણય કર્યો હતો કે હું મારા પુત્ર કુશ સાથે બારમા ધોરણની પરીક્ષા આપીશ. જોકે એ જ સમયે મારે ત્યાં બીજા પુત્ર ધ્યાનનું આગમન થતાં હું તેની સાથે પરીક્ષા આપી શકી નહોતી. ધ્યાને પાંચમા ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી મેં એચએસસીની પરીક્ષાના ફક્ત ત્રણ મહિના પહેલાં જ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી. આ પરીક્ષા આપવા માટે મને કુશના મિત્રનાં મમ્મી-પપ્પાએ ભણાવી હતી. તેમની સાથે બીએ ઇન ઇન્ટરનૅશનલ કિલનરી આર્ટ્સનું ભણી રહેલા અને બુધવારે રાતના જ ગ્રૅજ્યુએટ થયેલા કુશે પણ મને ખૂબ જ સપોર્ટ કર્યો હતો. મારા પરિવારના ભત્રીજા અને તેની પત્નીએ પણ મને ભણવામાં ખૂબ જ મદદ કરી હતી. એને પરિણામે હું એચએસસીની પરીક્ષામાં ૬૧ ટકા માર્ક્સ સાથે પાસ થવામાં સફળ થઈ હતી.’