લોકો હીટ સ્ટ્રોક નહીં, ભાગદોડને લીધે મર્યા?

18 April, 2023 09:41 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારના કાર્યક્રમમાં પૂરતી વ્યવસ્થા નહોતી એટલે બહાર નીકળતી વખતે લોકો કચડાયા હોવાનો દાવો અહીં હાજર રહેનારા લોકોએ કર્યો : મદદ કરવાને બદલે પોલીસ દીવાલ અને પાણીના ટૅન્કરની ઉપર ઊભી રહીને તમાશો જોતી રહી હોવાનો આક્ષેપ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હૉસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી હતી

નવી મુંબઈના ખારઘર ખાતેના સેન્ટ્રલ પાર્ક મેદાનમાં રવિવારે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર સમારંભમાં ગરમી લાગવાથી ૧૩ લોકોનાં મૃત્યુ થયાં હોવાના સમાચાર આવી રહ્યા છે. જોકે આ સમારંભમાં પરિવાર સાથે સામેલ થયેલા લોકોનો દાવો છે કે કાર્યક્રમ બાદ લાખો લોકોને બહાર નીકળવા માટેની કોઈ સિસ્ટમ નહોતી ઊભી કરાઈ એટલે ભાગદોડ થઈ હતી એમાં કચડાઈ જવાથી મૃત્યુ થવાની ઘટના બની હતી. કાર્યક્રમ બાદ એક કલાક સુધી મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી. પાંચેક હજાર પોલીસ હોવા છતાં તેમણે મેદાનની બહાર નીકળવાનો પ્રયાસ કરતા લોકોને મદદ ન કરી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

અપ્પાસાહેબ ધર્માધિકારીને રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી રહ્યા હોવાથી રાજ્ય જ નહીં, દેશના અનેક વિસ્તારોમાંથી વીસેક લાખ લોકો રવિવારે ભરબપોરે નવી મુંબઈમાં આવેલા ખુલ્લા મેદાનમાં પહોંચ્યા હતા. અપ્પાસાહેબ ધર્માધિકારીની શ્રી સમર્થ આધ્યાત્મિક પ્રાસાદિક સેવા સમિતિ સાથે સંકળાયેલા હોવાથી બદલાપુરમાં રહેતા સંજય ગવાલે પત્ની અને કુટુંબીજનો સાથે આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

એક કલાક અફરાતફરી
મેદાનમાં શું થયું હતું એ વિશે સંજય ગવાલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દોઢ વાગ્યે પુરસ્કારનો કાર્યક્રમ પૂરો થયા બાદ મેદાનમાં બેસેલા લાખો લોકોને કેવી રીતે અને ક્યાંથી બહાર નીકળવાનું છે એની કોઈ સૂચના નહોતી અપાઈ એટલે લોકો જુદા-જુદા ગેટ તરફ રીતસર ભાગવા લાગ્યા હતા. આ ભાગદોડમાં અનેક લોકો પડીને કચડાઈ ગયા હતા. એક કલાક સુધી આવું ચાલ્યું હતું. નવાઈની વાત એ છે કે અહીં પાંચેક હજાર જેટલી પોલીસ હતી, પણ તેમણે લોકોને બહાર નીકળવામાં મદદ નહોતી કરી.’

દેવની કૃપાથી બચ્યા
મેદાનમાં લોકોની ભીડમાં અટવાયા બાદ કેવી રીતે બચ્યા હતા એ વિશે સંજય ગવાલેએ કહ્યું હતું કે ‘આટલા મોટા કાર્યક્રમમાં લોકોને આવવા અને જવા માટેની જે વ્યવસ્થા હોવી જોઈએ એ અહીં નહોતી. કાર્યક્રમ પૂરો થયા બાદ બધા એકસાથે નીકળ્યા હતા ત્યારે ટોળાની વચ્ચે મહિલાઓ અને નાનાં બાળકો ફસાઈ ગયાં હતાં. અમે મેદાનમાં જે જગ્યાએ બેસેલા હતા ત્યાં લોકોના ટોળાએ મેદાનની બહાર નીકળવા માટે ધસારો કર્યો હતો. આથી અમે સામાન મૂકીને જીવ બચાવવા રીતસર ધોમધખતા તાપમાં દોડ્યા હતા. હું પત્ની અને કુટુંબીજનો સાથે જેમતેમ કરીને મેદાનના બીજા છેડે પહોંચ્યો હતો. દેવની કૃપાથી અમે હેમખેમ મેદાનની બહાર નીકળ્યા હતા. અમે જ્યારે જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે મદદ કરવાને બદલે પોલીસ દીવાલની ઉપર અને પાણીના ટૅન્કરની ઉપર ઊભા રહીને તમાશો જોતી હતી.’

ભાગદોડની ઘટનાને છુપાવાઈ રહી છે
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ ગરમીને લીધે લોકોની તબિયત બગડતાં ૨૫ લોકોને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હોવાનું અને ઘણા લોકોનાં મૃત્યુ થયાં હોવાનું કહ્યું હતું. સંજય ગવાલેએ આ વિશે કહ્યું હતું કે ‘હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોના ચહેરા અને શરીરના બીજા ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું સાંભળ્યું છે. હીટ સ્ટ્રોકમાં ચક્કર આવીને પડી જવાય તો આ લોકોને ઈજા કેવી રીતે થઈ? લોકોની ધક્કામુકીને છુપાવાઈ રહી છે.’

મૃત્યાંક ૧૩ થયો
રવિવારની ઘટનામાં પહેલાં આઠ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા વધુ પાંચ લોકોએ દમ તોડ્યો હતો. આથી મૃતકોની સંખ્યા ૧૩ થઈ છે અને નવી મુંબઈની એમજીએમ હૉસ્પિટલના આઇસીયુમાં પંદર લોકોની સારવાર ચાલી રહી છે.

નવી મુંબઈમાં તાપમાન માપવાની સિસ્ટમ નથી
નવી મુંબઈમાં ભરબપોરે મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે અહીં કેટલું તાપમાન હશે એ જાણવા માટે કોઈ યંત્રણા જ નહોતી. ખારઘરથી ૩૫ કિલોમીટર દૂર આવેલા સાંતાક્રુઝમાં રવિવારે બપોરના સમયે ૩૪થી ૩૫ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સરકારે આગાહીની વિનંતી કરી હોવાનું હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું. જોકે ખારઘરના સેન્ટ્રલ પાર્ક ગ્રાઉન્ડમાં રવિવારે બપોરે ૩૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ તાપમાન નવી મુંબઈના રબાળેમાં આવેલી એમઆઇડીસી ખાતેની યંત્રણામાં નોંધાયું હતું. મુંબઈ વેધશાળાના વૈજ્ઞાનિકના કહેવા મુજબ મુંબઈની જેમ નવી મુંબઈમાં હવામાનની આગાહી કરવા માટે જરૂરી મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી.

રાજકીય સ્વાર્થ વિના આટલા લોકોને કોણ બોલાવે?
નવી મુંબઈની એમએજીએમ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રીસેવકોની તબિયત પૂછવા ગઈ કાલે સવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે પહોંચ્યા હતા. તેમણે બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આ પ્રસંગ ટાળી શકાયો હોત. રાજકીય સ્વાર્થ વગર આટલી મોટી સંખ્યામાં કોઈ લોકોને ન બોલાવે. રાજ્ય સરકારે દિવસના સમયે આ કાર્યક્રમ નહોતો કરવો જોઈતો. ગરમીમાં લોકોને મુશ્કેલી થઈ શકે છે એના પર ધ્યાન આપવાની જરૂર હતી. આ ઘટના કોઈએ જાણી જોઈને નથી કરી, પણ આટલા લોકોને ન બોલાવીને રાજભવનમાં દર વર્ષની જેમ કાર્યક્રમ કરવામાં આવ્યો હોત તો આટલા લોકોના જીવ ન જાત.’

રાતના કાર્યક્રમ બાદ લોકોને ઘરે પહોંચવામાં મુશ્કેલી થાત

રાજ્ય સરકાર દ્વારા સખત ગરમીમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારનો કાર્યક્રમ ખુલ્લા મેદાનમાં બપોરે કેમ રાખવામાં આવ્યો એ વિશે ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘આ કાર્યક્રમમાં વીસથી પચીસ લાખ લોકો રાજ્ય અને દેશભરમાંથી આવવાના હતા. રાતના સમયે કાર્યક્રમ રાખવામાં આવે તો લોકોને ઘરે પહોંચવામાં મુશ્કેલી થાત. બીજું, બપોરના સમયે તાપમાન કેવું રહેશે એની માહિતી વેધશાળા પાસેથી લેવામાં આવી હતી. એમાં જણાવાયું હતું કે ૩૨થી ૩૪ ડિગ્રી તાપમાન રહી શકે છે. આટલી ગરમીથી કોઈ પરેશાની નહીં થાય એમ માનીને કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી ૬૦૦ વૉલન્ટિયર, ૧૫૦ નર્સ, ૭૩ ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની સાથે અમરાયીમાં ૪ હજાર બેડની હૉસ્પિટલ ઊભી કરાઈ હતી. વાહનો માટે ૨૧ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. બે દિવસમાં તાપમાનમાં અચાનક વધારો થવાથી કેટલાક લોકોને હીટ સ્ટ્રોક આવ્યો હતો અને ડીહાઇડ્રેશનની તકલીફ થવાથી ચક્કર આવ્યાં હતાં.’

અત્યંત દુખદ ઘટના

શ્રીસેવકોનાં મૃત્યુ બાદ અપ્પાસાહેબે ગઈ કાલે કહ્યું હતું કે ‘કાર્યક્રમમાં આવેલા શ્રીસેવકોનાં ગરમીને લીધે મૃત્યુ થવાની ઘટના અત્યંત દુઃખદ છે. મારા કુટુંબના સેવકો પર આવી પડેલી આ આફત છે. આપણા કુટુંબના લોકો પર આવી પડેલી આ આફતની ઘટનાથી હું વ્યથિત થયો છું. મૃતકોના કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ ઈશ્વર આપે એવી પ્રાર્થના.’

mumbai mumbai news navi mumbai kharghar prakash bambhrolia