24 March, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
KDMCમાં ચાલી રહેલી ૮ ગેરકાયદે સ્કૂલોની યાદી ડેપ્યુટી કમિશનર સંજય જાધવે બહાર પાડી હતી.
સ્કૂલોમાં હાલ વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે અને નવા શૈક્ષણિક વર્ષ માટે નવાં ઍડ્મિશન લેવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે ત્યારે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)એ તપાસ કરીને યોગ્ય પરવાનગી વગર ગેરકાયદે ચાલી રહેલી ૮ સ્કૂલોની યાદી બહાર પાડીને જાહેર કરી છે એટલું જ નહીં, એ સ્કૂલમાં ઍડ્મિશન ન લેવાની વાલીઓને જાહેર અપીલ કરી છે.
KDMCના ડેપ્યુટી કમિશનર સંજય જાધવે આ યાદી બહાર પાડીને એક વિડિયો દ્વારા વાલીઓને સંબોધતાં કહ્યું છે કે ‘KDMCના એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે છેલ્લા એક મહિનામાં સુધરાઈની હદમાં આવેલી બધી જ સ્કૂલોની ચકાસણી કરી હતી. એ ચકાસણીમાં ૮ સ્કૂલ એવી મળી આવી છે જે ગેરકાયદે ચાલી રહી હતી. એ સ્કૂલોના બધા દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવી હતી. એ ૮ સ્કૂલોને ગેરકાયદે જાહેર કરવામાં આવી છે. સ્કૂલો નવા શૈક્ષણિક વર્ષમાં ચાલુ થાય એ પહેલાં જ એમને અમે ગેરકાયદે જાહેર કરી છે જેથી વાલીઓ તેમનાં બાળકોનું આ સ્કૂલોમાં ઍડ્મિશન ન લે. જો કોઈ જગ્યાએ ઍડ્મિશન થઈ ગયાં હશે તો એ સ્કૂલના સ્ટુડન્ટ્સનો અમે નજીકની બીજી સ્કૂલોમાં સમાવેશ કરીશું. અમે સ્કૂલો સામેની ચકાસણી સતત ચાલુ જ રાખવાના છીએ. જો ખોટી રીતે સ્કૂલો ચાલુ થશે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ’
ગેરકાયદે જાહેર કરાયેલી સ્કૂલો
• એલબીએસ ઇંગ્લિશ સ્કૂલ, બલ્યાળી, ટિટવાલા
• સનરાઇઝ સ્કૂલ, બલ્યાળી, ટિટવાલા
• સંકલ્પ ઇંગ્લિશ સ્કૂલ, બલ્યાળી, ટિટવાલા
• પૂર્ણ પ્રજ્ઞા ઇંગ્લિશ સ્કૂલ, બલ્યાળી, ટિટવાલા
• પોલારિસ કૉન્વેન્ટ સ્કૂલ, બલ્યાળી, ટિટવાલા
• ડીબીએસ ઇંગ્લિશ સ્કૂલ, આંબિવલી-વેસ્ટ
• ઑક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ, આંબિવલી-વેસ્ટ
•બુદ્ધિસ્ટ ઇન્ટરનૅશનલ સ્કૂલ, મહારાષ્ટ્રનગર, ડોમ્બિવલી-વેસ્ટ