આવી ક્રૂરતા...પહેલાં તો વીજળીનો કરન્ટ આપ્યો, પછી ટુવાલથી ગળું દબાવ્યું

12 July, 2023 09:32 AM IST  |  Mumbai | Rohit Parikh

કર્ણાટકમાં મહારાજસાહેબની હત્યા કરતાં પહેલાં હત્યારાઓએ તેમને માનસિક ત્રાસ આપ્યો હતો અને ડેડ-બૉડીનો નિકાલ કરવા ૧૨ ટુકડા કર્યા હતા

કર્ણાટકના દિગંબર જૈનાચાર્ય કામકુમાર નંદી મહારાજસાહેબ જેમની હત્યા કરવામાં આવી હતી અને તેમનો આશ્રમ જ્યાં તેમનું મર્ડર કરાયું હતું

કર્ણાટકના બેલગાવી જિલ્લાના ચિક્કોડીના હિરેકોડીના નંદી પર્વત પર જૈન આશ્રમમાં સાધના કરી રહેલા દિગંબરોના જૈનાચાર્ય શ્રી કામકુમાર નંદી મહારાજસાહેબની હત્યા કરતાં પહેલાં હત્યારાઓએ તેમને એટલો બધો માનસિક ત્રાસ આપ્યો હતો કે જૈનાચાર્યએ બુધવારે ફક્ત એક જ વાર ભોજન લીધું હતું. બંને હત્યારાઓએ પહેલાં તેમને વીજળીનો કરન્ટ આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી ટુવાલથી ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી હતી. એના નિકાલ માટે જૈનાચાર્યની ડેડ-બૉડીના બાર ટુકડા કરવામાં આવ્યા હતા.

આ બાબતની માહિતી આપતાં ‌ચિક્કોડીના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ બસવરાજ યેલિગરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવારે રાતના સંતની હત્યા કર્યા પછી હત્યારાઓ તેમની બૉડીનો નિકાલ કરવા આશ્રમમાંથી રાતના જ લઈ ગયા હતા. ગુરુવારે સંત માટે રોજનું જમવાનું બનાવતી ભક્ત કુસુમા સંતની હત્યાથી અજાણ હોવાથી તેણે પહેલાં રસોઈ બનાવી લીધી હતી. પછી જોયું તો સંત તેમની રૂમમાં નહોતા. તેણે ત્યાં સંતના કમંડલા અને અન્ય સાધનો જોયાં જે સામાન્ય રીતે સંત તેમની સાથે લઈ જતા હોય છે. આથી તેને કોઈ અનહોની બનવાની શંકા જાગતાં ટ્રસ્ટીઓને આ બાબતની જાણકારી આપી હતી. ટ્રસ્ટીઓએ આવીને આશ્રમમાં જોયું તો સંતનો મોબાઇલ ત્યાં જ હતો અને તિજોરીનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો. આથી ટ્રસ્ટીઓએ જૈનાચાર્યની શોધખોળ કર્યા પછી શુક્રવારે બપોરે તેમના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં કરી હતી.’

ફરિયાદ મળ્યાના ચાર કલાકમાં જ અમે આરોપીઓ સુધી પહોંચી ગયા હતા એમ જણાવીને બસવરાજ યેલિગરેએ કહ્યું હતું કે ‘બંને આરોપી નારાયણ માળી અને હસન ઉર્ફે હસન દલાયતે તરત જ જૈન સાધુની હત્યાની કબૂલાત કરી લીધી હતી. ત્યાર પછી તેમણે અમને હત્યાની સનસનાટી માહિતી આપી હતી.’

અમે પહેલાં રૂમમાં પ્રવેશીને જૈન સાધુને વીજળીનો કરન્ટ આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો એમ જણાવીને નારાયણ માળી અને હસન દલાયને પોલીસને કહ્યું હતું કે ‘અમે જોયું કે વીજળીનો કરન્ટ આપ્યા પછી પણ સાધુ જીવિત હતા. આથી અમે ટુવાલ વડે ગળું દબાવીને તેમની હત્યા કરી હતી.’

આ ભયાનક કૃત્યમાં આ બંને આરોપીઓએ તમામ પ્રયાસો લગાવી દીધા હતા એમ જણાવીને બસવરાજ યેલિગરેએ કહ્યું હતું કે ‘તેમની હત્યા કર્યા બાદ આરોપીઓ તેમની ડેડ-બૉડીને કોથળામાં ભરીને બાઇક પર લઈ ગયા હતા. તેમણે મૃતદેહ સાથે બાઇક પર લગભગ ૩૫ કિલોમીટર સુધી મુસાફરી કરી હતી. ખટકબાવી ગામમાં પહોંચ્યા પછી હત્યારાઓએ તેમની લાશના ટુકડા કરીને એક નિષ્ક્રિય ખુલ્લા બોરવેલમાં એનો નિકાલ કર્યો હતો. સાથે-સાથે આરોપીઓએ પોતાનાં લોહીલુહાણ કપડાં પણ સળગાવી દીધાં હતાં. આરોપીઓએ પોતાની ડાયરી પણ સળગાવી દીધી હતી.’

બસવરાજ યેલિગરેએ વધુમાં કહ્યું હતું કે ‘નારાયણ માળીને જૈનાચાર્ય સાથે અંગત અને સારા સંબંધ હતા. તેમનો વિશ્વાસ જીતી લીધા પછી તેણે સાધુ પાસેથી લાખો રૂપિયાની લોન લીધી હતી.

જૈનાચાર્યએ જ્યારે તેના પર લોન પાછી ચૂકવવા માટે પ્રેશર કર્યું ત્યારે નારાયણ માળીએ તેના એક ટ્રક-ડ્રાઇવર મિત્ર હસન દલાયતની મદદથી તેમનું કાસળ કાઢવાની યોજના બનાવી હતી. આખરે બુધવારે રાતના બંને મિ‌ત્રોએ તેમની જૈનાચાર્ય કામકુમાર નંદી મહારાજસાહેબની હત્યાની યોજનાને પાર પાડી હતી.’

jain community karnataka Crime News mumbai crime news mumbai mumbai news rohit parikh