ખરા અર્થમાં પર્યાવરણનું જતન આને કહેવાય

10 January, 2024 10:15 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કાંજુરમાર્ગની એક સોસાયટીએ પોતાની ટેરેસ પર ગાર્ડન બનાવી દરેક છોડને બાળકનું નામ આપી તેને એના ઉછેરની જવાબદારી આપી દીધી. બાળકોને પ્રકૃતિની નજીક રાખવાનો અનોખો પ્રયોગ

ટેરેસ પર ઉગાડેલા ચીકુના અઢી ફુટના બોન્સાઇ ઝાડમાં ચીકુ લાગતાં જ બાળકો ખુશખુશાલ થયાં હતાં

મુંબઈમાં જગ્યાની બહુ જ કમી છે ત્યારે ગાર્ડનવાળું ઘર ક્યાંથી બને? પણ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, એને કાંજુરમાર્ગની ડૅફોડીલ્સ સોસાયટી અમલમાં લાવી છે. આ સોસાયટીએ ટેરેસ પર ગાર્ડન બનાવી ફૂલ જેવાં બાળકો પાસે એનો ઉછેર કરાવવાનું નક્કી કર્યું છે. આમ તો ટેરેસ ગાર્ડન એ કાંઈ નવો કન્સેપ્ટ નથી, પણ બાળકોને એની સાથે જોડી એ કુંડાને, છોડને બાળકનું નામ આપી તેને એની જવાબદારી આપવી કે હવે આ તારું ઝાડ છે, તારો છોડ છે, તારે એનું ધ્યાન રાખવાનું અને ઉછેરવાનો. આમ કરવાથી તે બાળક એ ઝાડ સાથે, એ છોડ સાથે કનેક્ટ થાય અને આગળ જતાં એ એની સાથે તાદમ્ય અનુભવે અને મોટો થયા પછી પણ પ્રકૃતિની નજીક રહે એવા પ્રયાસ સાથે એકસાથે અનેક લક્ષ્ય સોસાયટીએ પાર પાડ્યાં છે. જોકે આ બાળકોને સોસાયટીના મોટા લોકો પણ ગાઇડ કરતા રહેશે જ, પણ મોટાઓએ નાના માટે લીધેલું આ નાનું પગલું ખરેખર ભવિષ્યમાં મોટું ગેમ-ચેન્જર બની રહે એ નવાઈ નહીં.

આ અનોખી પહેલ વિશે માહિતી આપતાં આર્કેડ અર્થ ડૅફોડીલ્સ કો-ઑપ. હા. સોસાયટીના સેક્રેટરી સંદીપ દરપેલએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાંજુરમાર્ગ રેલવે સ્ટેશનની પેરલલ જ અમારી સોસાયટી આવેલી છે. અમે ટેરેસ પર સોલર પૅનલ અને ટેરેસ ગાર્ડન બનાવ્યાં છે અને સાથે જ બાળકો માટે એ ટેરેસ-ગાર્ડનમાં એક લાઇબ્રેરી પણ બનાવી છે. અમે આજના જનરેશનનાં બાળકો જે મોટા ભાગે ટીવી કે પછી મોબાઇલમાં જ રચ્યાપચ્યા રહે છે તેમને એનાથી બહાર લાવી પ્રકૃતિ સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે ટેરેસ પર ફૂલ-છોડ અને ફળોનાં ઝાડ વાવ્યાં છે. એને સોસાયટીનાં બાળકોના હાથે રોપાવી એનાં કુંડાંઓને બાળકોનાં જ નામ આપી દીધાં અને બાળકોને એ ફૂલ-ઝાડ ઉછેરવા કહ્યું. એમાં શું થાય છે? કેટલાં નવાં પાન, ફૂલ આવ્યાં? ફળ લાગ્યાં? જેવી બાબતોની તેમનામાં જિજ્ઞાસા પણ રહે અને સાથે તે એની સાથે કનેક્ટ પણ થાય. તે બાળકનું નામ જ્યારે એ છોડ કે ઝાડ સાથે સકંળાયેલું હશે ત્યારે એ તેને પોતીકું લાગશે અને એની કાળજી લેશે.’ 

 સંદીપ દરપેલએ વધુમાં કહ્યું હતું કે ‘ફૂલ તો સરસ ઊગી જ રહ્યાં છે, પણ અઢી–ત્રણ ફૂટ ઊંચા ચીકુના ઝાડને ૧૫-૨૦ જેટલાં ચીકુ પણ આવ્યાં છે. અમે પેરુ પણ વાવ્યાં છે. ટેરેસમાં ગાર્ડન બનાવીએ તો કેટલાક લિમિટેશન તો રહેવાના જ. આ ઝાડ મોટાં થાય તો એ કઈ રીતે વધશે? એનાં મૂળિયાં વધવા કેટલી જગ્યા જોઈએ? એ બધું જ થોડું અઘરું હતું, પણ અમે એનો પણ તોડ કાઢ્યો. અમે એ વૃક્ષોને બોન્સાઈ વૃક્ષો બનાવીશું. અમે એ માટે ખાસ કન્સલ્ટન્ટની સલાહ પણ લઈ રહ્યા છીએ. એટલું જ નહીં, બાળકોને પણ એ વિશે એ વખતે હાજર રહે એ રીતે એનું આયોજન કરીએ છીએ. બીજું, બાળકોમાં રીડિંગનો રસ જાગે એ માટે ટેરેસ પર એ ફૂલ-ઝાડના સાંનિધ્યમાં લાઇબ્રેરી પણ બનાવી છે. બાળકો એ વાર્તાઓ વાંચે. એટલું જ નહીં, પોતાની ઇમેજિનેશન લગાડી એ વિઝ્યુઅલાઇઝ કરતા થાય એ મહત્ત્વનું છે. આમ કરવાથી તેમની આંતરિક શક્તિઓ પણ ખીલે અને નાનપણમાં પ્રકૃતિ સાથે જોડાયા હોય તો મોટા થતાં પણ એમાં રસ લે એવો અમારો ઉદ્દેશ છે.’ 

kanjurmarg environment mumbai mumbai news bakulesh trivedi