05 April, 2023 03:28 PM IST | Mumbai | Nirali Kalani
પ્લેગ્રુપના CCTV ફુટેજમાં સામે આવેલા દ્રશ્યો
ગત રોજ એટલે કે 4 એપ્રિલના રોજ મુંબઈ(Mumbai)ના કાંદિવલી પ્લેગ્રુપ(Kandivli)માં નાનાં ભૂલકાંઓ સાથે થતી હિંસક વહેવારની ઘટના સામે આવી. જેમાં શિક્ષિકાઓ દ્વારા માસુમ બાળકો સાથે નિર્દય રીતે મારઝૂડ થતી હોવાનું બહાર આવ્યું છે. બાળકોના માતા-પિતાએ આ ઘટના મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. ઘરે બાળકોનું અચાનક બદલાતું વર્તન અને ચિડિયાપણું જોઈ પેરેન્ટ્સે પ્લેગ્રુપના CCTV ફુટેજ તપાસતાં સમગ્ર ઘટના સામે આવી હતી.
કાંદિવલીના એમ. જી. રોડ પર આવેલા `રાયમ્સ ઍન્ડ રમ્બલ્સ પ્લેગ્રુપ`માં અભ્યાસ કરતા આશરે 28 બાળકોના વાલીઓએ આ મામલે અવાજ ઉઠાવ્યો છે. તમામ વાલીઓને પોતાના બાળકો સાથે થતો આ અત્યાચાર અને ગેરવર્તન જોઈ આંચકો લાગ્યો છે. રોષે ભરાયેલા વાલીઓએ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી પ્લેગ્રુપની શિક્ષિકા સામે જરૂરી પગલા લેવાં માગ કરી છે. આ સાથે જ દરેક માતા-પિતાએ અન્ય પેરેન્ટ્સને તેમના બાળકોને રાયમ્સ ઍન્ડ રમ્બલ્સ પ્લેગ્રુપમાં ન મોકલવાની ભલામણ કરી હતી.
પ્લેગ્રુપના CCTV ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે શિક્ષિકાઓ બાળકો સાથે મારઝુડ કરી રહી છે. એક ટીચર તો નાના માસુમ બાળકનો એક હાથ પકડી તેને ઘસડીને ખૂણામાં ફેંકતી જોવા મળે છે. બાળકો જાણે બૉલ હોય તે રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમને ફેંકવામાં આવી રહ્યાં છે. મારપીટ કરવી,ચીંટિયા ભરવા, દરેક પ્રવૃત્તિ માટે તેના પર દબાણ કરી અણધડ જેવું વર્તન સીસીટીવીમાં જોવા મળે છે. આ હિંસક પ્રવૃત્તિ કરતી શિક્ષિકાઓના નામ જિનલ છેડા અને ભક્તિ શાહ છે.
આ પણ વાંચો: પ્લેગ્રુપમાં બાળકો સાથે હિંસક રમત
આ સંદર્ભે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે જિનલ છેડાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આવી હિંસક પ્રવૃત્તિઓ કેટલા સમયથી ચાલી રહી છે? આ મામલે આગામી શું પગલા લેવાશે? એક સ્થાપક તરીકે માલિકની જવાબદારી નથી હોતી કે પ્લેગ્રુપમાં શું ચાલી રહ્યું છે તેની ભાળ લે?આવા અનેક સવાલોના જવાબ મેળવવા પ્લેગ્રુપના સ્થાપક વિરાજનો પણ ફોનના માધ્યમ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નહોતી.
જોકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને સુત્રો પાસેથી માહિતી મળી છે કે વાલીઓની ફરિયાદ બાદ `રાયમ્સ ઍન્ડ રમ્બલ્સ પ્લેગ્રુપ`નાં સ્થાપક વિરાજે એક મેસેજ શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે `ટીચર જિનલ અને ભક્તિ શાહ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. તપાસમાં અમે વાલીઓને સંપૂર્ણ સહકાર આપ્યો છે. કોઈ પણ પ્રકારની ખોટી અફવા ના ફેલાય તે માટે એ મેસેજ શેર કરીએ છીએ. વહેલી તકે રાયમ્સ ઍન્ડ રમ્બલ્સ પ્લેગ્રુપને બંધ કરવામાં આવશે.`
આ પણ વાંચો: Mumbai Airport: 2 મેના રોજ આટલા સમય સુધી બંધ રહેશે એરપોર્ટ, જાણો કારણ
બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે અને હુંફભર્યા માહોલમાં રમી શકે તથા પોતાની જાતને ખોલી શકે તે હેતુસર માતા-પિતા તેઓને પ્લેગ્રુપમાં મોકલતા હોય છે. પરંતુ અહીં તો બાળકોને ગમ્મતના બદલે ગેરવર્ણુક અને હુંફના બદલે મારઝૂડ મળી. આ ઘટના તમામ વાલીઓ અને પ્લેગ્રુપ હાઉસ માટે લાલ બત્તી સમાન છે. વાલીઓએ પોતાના સંતાનો જ્યાં દિવસના ચાર-પાંચ કલાક વિતાવી રહ્યાં છે તે જગ્યા અને ત્યાંનુ વાતાવરણ કેવું છે તે તપાસીને બાળકોનું એડમિશન કરાવવું જોઈએ તો બીજી બાજુ પ્લેગ્રુપ ચલાવતાં માલિકોએ પણ તેમના પ્લેગ્રુપમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની તસ્દી લેવી જોઈએ!