કાંદિવલીનો કેટરર છે ઠન ઠન ગોપાલ

13 February, 2024 07:08 AM IST  |  Mumbai | Shirish Vaktania, Samiullah Khan

હિતેશ રાઠોડના બૅન્ક-અકાઉન્ટમાંથી લાખો રૂપિયા ક્યાં પગ કરી ગયા એ રહસ્ય ઘેરું બની રહ્યું છે

જાણીતા કેટરર હિતેશ રાઠોડ

જાણીતા કેટરર હિતેશ રાઠોડના બૅન્ક-અકાઉન્ટમાં એકેય રૂપિયો નથી, એમ કાંદિવલી પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે. એટલે તેના ખાતામાંથી લાખો રૂપિયા ક્યાં પગ કરી ગયા એ વિશે રહસ્ય ઘેરું બની રહ્યું છે.

કેટરિંગના કામ માટે તેને ૬૯ લાખ રૂપિયા મળ્યા હતા અને તેણે પોલીસને જણાવ્યું  હતું કે ગુમ થયો એ પહેલાં તેણે કરજની રકમ ચૂકવી દીધી હતી. શહેર છોડી ગયા બાદ માફી માગવા તે મંદિરમાં દર્શન કરવા ગયો હતો. જોકે પોલીસને તેની વાતો વિશે શંકા છે.

રાઠોડે કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં ૨૫ વર્ષ સુધી કેટરિંગનો બિઝનેસ ચલાવ્યો હતો. તેણે ૧૧ ડિસેમ્બરે એક ચિઠ્ઠી લખીને કરજનો એકરાર કર્યો હતો અને જેમની પાસેથી પૈસા લીધા હતા તેમને પોતે આ રકમ ચૂકવવા અસમર્થ હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેણે ફોન બંધ કરી દીધો હતો અને ૧૨ ડિસેમ્બરે જામનગર ચાલ્યો ગયો હતો.

કોઈ ચમત્કાર સર્જાય એવી આશામાં ૧૪ ડિસેમ્બરે તે સારંગપુર પહોંચ્યો હતો અને કષ્ટભંજન હનુમાનજીનાં દર્શન કર્યાં હતાં. સાપુતારામાં તે ૧૫ ડિસેમ્બરે ગયો હતો અને ત્યાં ઘણાં મંદિરોમાં દર્શન કર્યાં હતાં. રાઠોડને તેની સામે થયેલા એફઆઇઆરનો ખ્યાલ આવી ગયો હતો એથી દિવસ દરમ્યાન તે મીરા રોડના ફ્લૅટમાં જતો હતો અને રાતે અન્ય સ્થળે સૂઈ જતો હતો. રાત દરમ્યાન તે રહેવાનાં સ્થળ બદલતો હતો.

ગયા સપ્તાહે કાંદિવલી પોલીસ-સ્ટેશનના નવા ઇન્ચાર્જને પરિણામે રાઠોડની ધરપકડ થઈ હતી.

mumbai news mumbai mumbai crime news mumbai police kandivli