02 May, 2023 12:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાંદિવલી-વેસ્ટના એમ. જી. રોડ પર આવેલી પ્રી-સ્કૂલના કેસમાં બૉમ્બે હાઈ કોર્ટના ઍડ્વોકેટ આશિષ રાય દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય માનવાધિકાર આયોગ સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદમાં માસૂમ બાળકો સાથે થઈ રહેલા અત્યાચાર પર જોર મૂકવામાં આવ્યું છે અને રાજ્ય સરકાર તેમ જ રાજ્યની શિક્ષણ-વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. સ્કૂલોમાં બાળકોને માર મારવાની ઘટનાની નોંધ લઈને મહારાષ્ટ્ર રાજ્ય માનવાધિકાર આયોગ સામે ચાલીને આ બાબતે કોઈ પગલાં લે એવી માગણી આશિષ રાયે કરી છે, જેથી ભવિષ્યમાં કાંદિવલી પ્રી-સ્કૂલના બનાવ જેવા કિસ્સા ફરી ન બને એવી આશા રાખી શકાય.
આ માગણી વિશે વાત કરતાં આશિષ રાયે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કાંદિવલી પ્રી-સ્કૂલમાં ૨૫ જેટલાં બાળકોને માર મારવા, તેમને ત્રાસ આપવા અને ધમકાવવાના કેસમાં સુઓ મોટો કૉગ્નિઝન્સ લઈને પગલાં લેવાની વિનંતી કરવામાં આવી છે. ફરિયાદીએ માનવ અધિકાર પંચની વિશેષ તપાસ ટીમ બનાવવાની માગ કરી છે. આ સાથે પ્રી-સ્કૂલ સંસ્થાઓમાં ભણતાં બાળકોની સુરક્ષા માટે રાજ્યના શૈક્ષણિક અધિકારીઓને યોગ્ય પ્લાન અને રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપવાની માગ કરવામાં આવી છે.’
ફરિયાદી આશિષ રાયે રાજ્ય પોલીસ વિભાગને વહેલી તકે યોગ્ય પગલાં લેવા અને મહારાષ્ટ્ર રાજ્ય માનવાધિકાર પંચને વિગતવાર પગલાં લેવાનો અહેવાલ સુપરત કરવા માટે નિર્દેશ આપવા કહ્યું છે.