25 April, 2023 09:54 AM IST | Mumbai | Priti Khuman Thakur
કાંદિવલીના પ્લેગ્રુપના સીસીટીવી કૅમેરામાં આ ઘટના કેદ થઈ હતી તેની ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટમાં કાંદિવલી-વેસ્ટના એમ. જી. રોડ પર આવેલી પ્લે સ્કૂલમાં બાળકોની મારઝૂડ અને તેમની સાથે ગેરવર્તન કરવાના મામલે અસિસ્ટન્ટ ટીચર ભક્તિ શાહની આગોતરા જામીન (ઍન્ટિસિપેટરી બેઇલ ઍપ્લિકેશન-એબીએ)ની અરજી પણ કોર્ટે ડિસમિસ કરતાં હવે આ મામલે બન્ને ટીચરની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. મલાડમાં રહેતી ૪૦ વર્ષની ભક્તિ શાહે તેનાં ઍડ્વોકેટ અનીતા દ્વિવેદી મારફત એબીએ કરી હતી. ગઈ કાલે આ કેસની સુનાવણી દરમ્યાન અરજદાર અને સરકારી પક્ષની દલીલો સાંભળીને કોર્ટે અવલોકન કર્યું હતું કે બાળકોની મારઝૂડ કરવામાં ભક્તિ શાહ પણ સંકળાયેલી હોવાથી તેની એબીએ મંજૂર ન કરી શકાય.
એ પહેલાં સેશન્સ કોર્ટમાં ટીચર જિનલ છેડા અને ભક્તિ શાહની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી દીધી હતી. એ પછી જિનલ છેડા હાઈ કોર્ટમાં ગઈ હતી, પણ કોર્ટની ફટકાર બાદ તેણે અરજી પાછી ખેંચી લીધી હતી.
મામલો શું હતો?
કાંદિવલીના પ્લેગ્રુપમાં નાનાં ભૂલકાંઓની મારઝૂડ અને તેમની સાથે ગેરવર્તન થતું હોવાનો વિડિયો વાઇરલ થયો એ પછી કાંદિવલીમાં રહેતા એક પેરન્ટની ફરિયાદ બાદ આ મામલાનાં સીસીટીવી કૅમેરા ફુટેજ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં લોકોએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી. કાંદિવલી પોલીસે આ ઘટનાની ફરિયાદ મળતાં બે ટીચર્સ સામે એફઆઇઆર નોંધ્યો હતો.
આ કેસમાં ફરિયાદ કરનાર પેરન્ટ્સના વકીલ મૃણ્મયી ચોકીદારે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘ભક્તિ શાહની અરજી રિજેક્ટ થઈ છે. હવે પોલીસે બન્નેની ધરપકડ કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં જવાની પોલીસ રાહ ન જુએ તો સારું. નાનાં ભૂલકાંઓને વહેલી તકે ન્યાય મળશે એની રાહમાં અમે છીએ.’
પ્લેગ્રુપનાં બાળકોનાં પીડિત પેરન્ટ અંકિતા છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘કોર્ટે બાળકોને ન્યાય આપતો ઑર્ડર આપ્યો છે. આ કેસમાં સરકારી વકીલે પણ ખૂબ સારી દલીલ કરી હતી. કોર્ટથી તો અમને ન્યાય મળ્યો જ છે, પરંતુ હવે પોલીસ ક્યારે ટીચર્સની ધરપકડ કરશે એની અમે રાહમાં છીએ. પોલીસ તરફથી ઍક્શન લેવાશે એવી અમે આશા રાખીએ છીએ.’
પોલીસ શું કહે છે?
આ સંદર્ભે કેસના તપાસ અધિકારી કાંદિવલીના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર દીપક પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જિનલ છેડાના કેસમાં હાઈ કોર્ટમાં આગોતરા જામીનની અરજી પાછી ખેંચવામાં આવી હતી. એ પછી ગઈ કાલે ભક્તિ શાહની અરજી પણ રિજેક્ટ થઈ છે. એટલે બન્ને ટીચરની ધરપકડ કરવામાં આવશે. અમે હાઈ કોર્ટના આદેશની કૉપી મળ્યા બાદ જિનલ છેડાના ઘરે ગયા હતા, પરંતુ જિનલ ઘરે નહોતી. અમે ટૂંક સમયમાં તેની ધરપકડ કરીશું.’