13 September, 2024 04:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હાઇવેના બ્લૅક-સ્પૉટ પર બનાવવામાં આવેલો બ્રિજ ખુલ્લો મૂક્યો એના બીજા જ દિવસે ખાડા પડી ગયા
આશરે છ વર્ષની પ્રતીક્ષા બાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદિવલી-ઈસ્ટના આકુર્લી રોડ પર સૌથી વધારે અકસ્માત નોંધાતા હતા એ બ્લૅક-સ્પૉટ પર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ બ્રિજ બાંધ્યો હતો અને એ ખુલ્લો મૂકવામાં આવ્યાના થોડા કલાક બાદ મંગળવારે રાત્રે પડેલા મુશળધાર વરસાદના પગલે આ આખા નવનિર્મિત બ્રિજને નુકસાન પહોંચ્યું હતું અને એના પર ઠેર-ઠેર ખાડા પડી ગયા હતા.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના આ કિલર સ્પૉટ પર થતા અકસ્માતોમાં ૬થી ૭ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૨૦થી વધારે લોકો ઘાયલ થયા છે. ડિવાઇડર અને પેવર બ્લૉક્સ વચ્ચે રોડ લેવલ સરખું ન હોવાથી આ ખરાબ ડિઝાઇનને કારણે અહીં વારંવાર અકસ્માત થતા હતા.
આ સ્પૉટ પર બ્રિજ બાંધવાને કારણે ટ્રાફિકને વાળવામાં આવતો હતો અને એથી જોગેશ્વરી-ગોરેગામ સુધી ૩થી ૪ કિલોમીટર લાંબો જૅમ લાગતો હતો અને વાહનો બમ્પર-ટુ-બમ્પર ઊભાં રહી જતાં હતાં. જોકે બ્રિજ પર ખાડા પડી ગયા હોવાથી એ મોટરિસ્ટો માટે વધારે જોખમી બની ગયો છે.
મંગળવારે રાત્રે આ બ્રિજનું ઉદ્ઘાટન થયું હતું, પણ થોડા જ કલાકોમાં ભારે વરસાદથી બ્રિજ પરના રોડને પારાવાર નુકસાન થયું હતું અને ખાડા પડી ગયા હતા. MMRDAએ બ્રિજના બાંધકામની શરૂઆત ૨૦૧૯માં કરી હતી. જોકે ગઈ કાલે આ ખાડાઓને પૂરી કાઢવામાં આવ્યા હતા.
૭૦ બ્લૅક-સ્પૉટ હટાવાયાં
MMRDAએ મુંબઈ શહેરમાં ૨૦૧૬-૧૭માં ૭૦ બ્લૅક-સ્પૉટ હોવાનું શોધી કાઢ્યું હતું. આ વર્ષો દરમ્યાન આ તમામ બ્લૅક-સ્પૉટ હટાવી દેવામાં આવ્યાં હતાં અને આકુર્લી રોડ છેલ્લું બ્લૅક-સ્પૉટ હતું જ્યાં છ વર્ષ સુધી બ્રિજ બાંધવાની કામગીરી ચાલી હતી. ગૅસ પાઇપલાઈન અને બે અન્ડરગ્રાઉન્ડ સબવેના કારણે આ બ્રિજ બાંધવાની કામગીરીને વિલંબ થયો હતો.