08 June, 2023 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોલીસે દિનેશના મૃતદેહને ખાડામાંથી કાઢીને આરોપીની ધરપકડ કરી હતી
કાંદિવલી-ઈસ્ટની સમતાનગર પોલીસે હત્યાનો એક કેસ ઉકેલ્યો છે જેમાં પત્નીના પ્રેમીએ તેના પતિ અને જિગરી મિત્રની હત્યા કરીને મૃતદેહને મુંબઈ નજીકના ઘોડબંદર રોડ પર આવેલા જંગલના વિસ્તારમાં લઈ જઈને દાટી દીધો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી મૃતદેહને પ્લાસ્ટિકની અનેક થેલીઓમાં અને ત્યાર બાદ મોટી થેલીમાં ભરી ઍક્ટિવા પર મૂકીને ઠેકાણે લગાડવા બિન્દાસ લઈ ગયો હતો.
મુંબઈ પોલીસના ઝોન-૧૨નાં ડીસીપી સ્મિતા પાટીલે જણાવ્યું હતું કે ‘બીજી જૂને સમતાનગર પોલીસચોકીમાં દિનેશ પ્રજાપતિ નામનો યુવક ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને તેના મિત્ર સુરેશ કુમાવત પર શંકા ગઈ હતી. એથી પોલીસે તેની તપાસ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું કે પહેલી જૂને દિનેશ પ્રજાપતિએ આરોપી સુરેશ કુમાવત સાથે બોરીવલી-ઈસ્ટના રાજેન્દ્રનગરમાં તેની પત્ની સાથે પ્રેમસંબંધના વિષય પર વાત કરી હતી. ત્યાર બાદ બન્ને વચ્ચે વાત-વાતમાં ઝઘડો થયો હતો. તેઓ બન્ને એક મિત્રની રૂમમાં ગયા હતા અને ત્યાં આરોપીએ દિનેશના માથા પર હથોડાના વાર કરીને તેની હત્યા કરી હતી. હત્યા બાદ તેના મૃતદેહને છુપાવવા માટે પહેલાં આરોપીએ તેને બ્લુ કલરની પ્લાસ્ટિકની ચારથી પાંચ બૅગમાં પૅક કર્યો હતો. ત્યાર બાદ તે તેના મૃતદેહને એક મોટી કોથળીમાં નાખીને ઍક્ટિવા પર મૂકીને ઘોડબંદર રોડ પર લઈ ગયો હતો અને ત્યાં જંગલમાં એક ખાડામાં દાટી દીધો હતો.’
મૃતદેહ દાટવા પહેલાં આરોપીએ આત્મહત્યા કરી હોવાનું સાબિત કરવા માટે જંગલનો વિડિયો બનાવ્યો અને એ વિડિયો દિનેશના પરિવાર અને સંબંધીઓને મોકલ્યો હતો. એની નીચે એક મેસેજ મોકલ્યો હતો જેમાં લખ્યું હતું, ‘મારી ભૂલો માટે મને માફ કરો. રામ રામ’
પોલીસની પૂછપરછમાં આરોપી સુરેશ કુમાવતે જણાવ્યું હતું કે ‘દિનેશની પત્નીનાં લગ્ન થયાં એ પહેલાંથી તેની સાથે પ્રેમસંબંધ હતો. આ વાતની જાણકારી દિનેશને થઈ ગઈ હતી. અમે બન્ને જૂના મિત્રો હોવાથી દિનેશે પહેલી જૂને મને તેની પત્ની સાથે અફેર ન રાખવાની વાત કરવા માટે બોલાવ્યો હતો. ત્યાં અમારી વચ્ચે ઝઘડો થયો હતો અને એમાં દિનેશને માથાના ભાગમાં ઘા વાગતાં તેનું મોત થયું હતું.’
હત્યાનો ભેદ ઉકેલીને પોલીસે દિનેશની લાશને બહાર કાઢીને તેના પરિવારજનોને સોંપી દીધી હતી. હવે કસ્તુરબા માર્ગ પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ પહેલાં કાંદિવલી પોલીસ સ્ટેશનની હદમાં પ્રેમપ્રકરણને કારણે એક પ્રેમીએ તેની પ્રેમિકાના પતિની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યાર બાદ આ બીજો કિસ્સો બહાર આવ્યો છે.