15 December, 2024 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતમાં પગ ગુમાવનાર વિપુલ પંચાલ
વિક્રોલીમાં ગઈ કાલે પરોઢિયે ૪ વાગ્યે થયેલા એક વિચિત્ર અકસ્માતમાં કાંદિવલીના ૪૪ વર્ષના ઇન્ટીરિયર-ડિઝાઇનરે તેનો ડાબો પગ ગુમાવ્યો હતો. કન્સ્ટ્રક્શન-સાઇટ પર પાયા ગાળવા કે બોરવેલ કરવા વપરાતી પાઇલિંગ ડ્રિલિંગ રિગ તેની બાઇક પર પડી હતી અને એ પછી એ લઈ જતી ટ્રક પણ પલટી ખાઈ ગઈ હતી. નસીબજોગે તે બચી ગયો હતો, પણ તેણે પગ ગુમાવવો પડ્યો છે. વિક્રોલી પોલીસે આ સંદર્ભે અકસ્માતનો કેસ નોંધી વધુ કાર્યવાહી કરી છે.
પાઇલિંગ રિગ ઉપાડવા બે હેવી ક્રેન બોલાવવી પડી હતી.
અકસ્માતની આ વિચિત્ર ઘટનાનો ભોગ બન્યા પછી પણ હિંમતવાળા વિપુલ પંચાલે એવી હાલતમાં તેના કઝિન ભાઈ જિગર અને પત્નીને ફોન કરીને જણાવ્યું કે તેનો ઍક્સિડન્ટ થયો છે, જલદી આવો. અકસ્માતની આ ઘટનાની માહિતી આપતાં તેના કઝિન જિગર પંચાલે ‘મિડ-ડે’ને કહ્યું કે ‘નવી મુંબઈના સીવુડ્સમાં આવેલા મૅક્સસ મૉલમાં અમારી ઇન્ટીરિયરની સાઇટ ચાલુ છે. વિપુલ એ સાઇટ પરથી કામ પતાવીને પાછો આવી રહ્યો હતો. સવારે ૪ વાગ્યે તે ઘાટકોપર-ઈસ્ટના પંતનગર બ્રિજ પરથી ઊતર્યા બાદ વિક્રોલી તરફ સહેજ આગળ વધ્યો હતો ત્યારે બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રક-ટ્રેલરમાંથી પાઇલિંગ રિગ તેના પર પડી હતી. તે બચી ગયો, પણ સ્કિડ થવાને કારણે રિગ અને બાઇક વચ્ચે તેનો પગ ફસાયો હતો અને વજન પડવાથી પગ કપાઈ ગયો હતો. પાઇલિંગ રિગ પડ્યા બાદ એ ટ્રેલર પણ પલટી ખાઈ ગયું હતું. આવી પરિસ્થિતિમાં પણ ન ગભરાતાં વિપુલે અમને અને તેની વાઇફને ફોન કરીને જાણ કરી કે તેનો ઍક્સિડન્ટ થયો છે, જલદી પહોંચો. એટલે અમે નીકળી ગયાં હતાં. અમને જણાઈ રહ્યું છે એ મુજબ પાઇલિંગ રિગ લઈ જતું જે ટ્રેલર હતું એનો બેઝ નાનો હતો અને રિગ લાંબી અને વજનદાર હતી એટલે બ્રિજ ઊતરતી વખતે બૅલૅન્સ ગયું અને રિગ પલટી ખાઈ ગઈ હશે. ટ્રેલરની એન્જિન સાથેની કૅબિન છૂટી પડી ગઈ અને પાછળની ટ્રૉલી પણ પલટી ખાઈ ગઈ હતી. નાના બેઝ પર મોટી, લાંબી અને હેવી રિગ કઈ રીતે લઈ જઈ શકાય? અકસ્માત પછી કેટલાક યુવાનો ત્યાં દોડી આવ્યા હતા. તેઓ વિપુલને બાઇક નીચેથી કાઢીને સાયન હૉસ્પિટલ લઈ ગયા હતા. એ પછી અમે તેને પરેલની હૉસ્પિટલમાં ટ્રાન્સફર કર્યો છે.’
હેવી પાઇલિંગ રિગ રનિંગ ટ્રેલર પરથી નીચે રસ્તા પર પટકાઈને બાજુમાંથી પસાર થઈ રહેલી વિપુલ પંચાલની બાઇક પર પડી હતી.
પાઇલિંગ રિગ હટાવવા કલાકોની જહેમત
વિક્રોલીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સૂર્યકાંત નાઈકવાડીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રિગ પડવાથી એ અકસ્માત થયો હતો. અમે ટ્રેલર ચલાવી રહેલા ૫૯ વર્ષના ડ્રાઇવર લાલતાપ્રસાદ ઝુરીને પકડીને તેની સામે કેસ નોંધીને કાર્યવાહી કરી છે. એ અકસ્માતને કારણે કલાકો સુધી ત્યાંનો ટ્રાફિક ખોરવાયો હતો. બ્રિજ પરનો ટ્રાફિક રોકી દેવાયો હતો. એ ટ્રાફિકને નીચેથી જવા દેવાતો હતો. બે મોટી ક્રેન મગાવીને એ પાઇલિંગ રિગ અને ટ્રેલરને ત્યાંથી હટાવવામાં કલાકો લાગ્યા હતા. જોકે એ પહેલાં ઘટનાસ્થળનું વિડિયો-રેકૉર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું.’