13 February, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BMCએ અમુક જગ્યાએ કૃત્રિમ તળાવને ઊંડું કરીને ત્યાં મોટી મૂર્તિના વિસર્જનની વ્યવસ્થા કરી હતી.
કાંદિવલીમાં ગઈ કાલે મોડી રાત સુધી ભારેલો અગ્નિ : કાંદિવલીચા શ્રી ગણેશોત્સવ મંડળે માર્વે બીચ તરફ જવા વિસર્જનયાત્રા શરૂ તો કરી, પણ પોલીસે અટકાવી દીધી : કૃત્રિમ તળાવમાં વિસર્જન ન જ કરવા માગતા આ મંડળને BMCએ કાયદાનું પાલન કરવાનું કહ્યું એટલે તેઓ મૂર્તિ પાછી લઈ ગયા : હવે અદાલતના નિર્ણયને પડકારવાનો નિર્ધાર : ચારકોપચા રાજાની મૂર્તિ તો સાતમા દિવસે જ પરવાનગી ન મળી એટલે માર્વેથી પાછી લાવવામાં આવી હતી અને ગઈ કાલે પણ એનું વિસર્જન નહોતું કરવામાં આવ્યું
ગઈ કાલે માઘી ગણેશોત્સવનો છેલ્લો દિવસ હતો એટલે મોટા ભાગનાં ગણેશોત્સવ મંડળોએ સમુદ્ર કે કુદરતી તળાવને બદલે કોર્ટના આદેશાનુસાર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા વિવિધ જગ્યાએ તૈયાર કરેલાં કૃત્રિમ તળાવોમાં બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું હતું. જોકે માઘી ગણેશોત્સવના સાતમા દિવસે અને ગઈ કાલે મોટી મૂર્તિઓને માર્વે કે ગોરાઈ બીચમાં વિસર્જન કરવા ન દેવાતાં કાંદિવલીના ચારકોપચા રાજા અને કાંદિવલીચા શ્રી ગણેશોત્સવ મંડળે મૂર્તિ વિસર્જિત નહોતી કરી. આ મંડળોએ કોર્ટમાં પ્રતિબંધને પડકારવાનો નિર્ણય લીધો છે. તેમણે કોર્ટના નિર્ણય બાદ જ મૂર્તિ વિસર્જિત કરશે એવું કહ્યું છે.
PoPની મૂર્તિ બનાવતા મૂર્તિકાર અને આવી મૂર્તિની સ્થાપના કરનારાં ગણેશોત્સવ મંડળોએ મૂર્તિઓ મુંબઈના વિવિધ બીચ પર લઈ જઈને આંદોલન કરવાની ચીમકી આપી હતી એટલે માઘી ગણેશોત્સવના ગઈ કાલે છેલ્લા દિવસે તમામ બીચ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
આમ છતાં ગણેશોત્સવ મંડળો મોટી મૂર્તિને મંડપમાંથી બહાર કાઢીને સમુદ્રમાં વિસર્જન કરવા માટે નીકળ્યાં હતાં. કાંદિવલીના મહાવીરનગરમાં કદમવાડી મેદાનમાં કાંદિવલીચા શ્રી ગણેશોત્સવ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ PoPની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશોત્સવ મંડળે મોડી સાંજે વિસર્જનયાત્રા શરૂ કરી હતી, પરંતુ ચારેતરફ ભારે પોલીસ-બંદોબસ્ત કરી દેવામાં આવ્યો હતો એટલે મૂર્તિ માર્વે બીચ તરફ આગળ નહોતી જઈ શકી. પોલીસ અને BMCએ કાયદાનું પાલન કરવાનું આ મંડળને કહ્યું હતું એને માન આપીને મંડળ મૂર્તિ પાછી લઈ ગયું હતું.
કાંદિવલીચા શ્રી ગણેશોત્સવ મંડળના સાગર બામલોણીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી મૂર્તિ મોટી છે એટલે એ કૃત્રિમ તળાવમાં વિસર્જિત થવાની શક્યતા નહોતી એટલે અમે વાજતેગાજતે મૂર્તિની વિસર્જનયાત્રા માર્વે બીચ તરફ શરૂ કરી હતી, પણ આગળ નહોતા વધી શક્યા.’
ચારકોપચા રાજા ગણેશોત્સવ મંડળના પદાધિકારી અને આ વિસ્તારનાં ભૂતપૂર્વ નગરસેવિકા સુભદા ગુઢેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે દર વર્ષે માઘી ગણેશોત્સવમાં સાતમા દિવસે મૂર્તિ વિસર્જિત કરીએ છીએ. આથી શુક્રવારે અમે માર્વે બીચમાં મૂર્તિનું વિસર્જન કરવા ગયાં હતાં ત્યારે અમને રોકવામાં આવ્યાં હતાં. આ બાપ્પાની સાથે ભક્તોનું અપમાન છે. અમે એ સમયે આરતી કર્યા બાદ પાણી છાંટીને મૂર્તિ પાછી લાવ્યાં છીએ. કૃત્રિમ તળાવમાં મોટી મૂર્તિ વિસર્જન ન થઈ શકે. બીજું, આવા તળાવમાં પાણી ગંદું હોય છે એટલે બાપ્પાને એ પાણીમાં પધરાવી ન શકાય. અમે પ્રતિબંધને કોર્ટમાં પડકારીશું. કોર્ટનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી મૂર્તિને અમારી પ્રાઇવેટ જગ્યાએ સાચવીને રાખીશું, પણ વિસર્જિત તો નહીં જ કરીએ. આવતા વર્ષ સુધી PoPનો નિર્ણય નહીં થાય તો આ જ મૂર્તિની સ્થાપના કરીશું.’
BMCએ ઊંડાં કૃત્રિમ તળાવ બનાવ્યાં
માઘી ગણેશોત્સવના છેલ્લા દિવસે ગણપતિની PoPથી બનાવવામાં આવેલી મૂર્તિનું વિસર્જન કરવા BMCએ અનેક જગ્યાએ ૩૦ ફુટની લંબાઈ અને પહોળાઈ સાથે ૧૯ ફુટ ઊંડાં કૃત્રિમ તળાવો બનાવ્યાં હતાં. મોટા ભાગનાં ગણેશોત્સવ મંડળોએ આવા તળાવમાં જ મૂર્તિનું વિસર્જન કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.