18 December, 2024 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાએ પ્રસિદ્ધ કરેલા આંકડા મુજબ રોજ ૬૧ લોકોને કૂતરા કરડવાના બનાવે બને છે. આ બનાવોથી સફાળી જાગેલી મહાનગરપાલિકાએ છેલ્લા દસ મહિના એટલે કે જાન્યુઆરીથી ઑક્ટોબરની વચ્ચે ૧૨,૪૦૬ રખડતા કૂતરાની નસબંધી કરી હતી. આ જ સમયગાળામાં કલ્યાણ-ડોમ્બિવલીમાં ૧૮,૭૦૫ ડૉગી લોકોને કરડ્યા છે. મહાનગરપાલિકાએ કૂતરા કરડવાના બનાવ પછી લોકોને પણ હડકવાવિરોધી રસી લેવાની અપીલ કરી છે.
કલ્યાણમાં ગયા અઠવાડિયે એક યુવકનું કૂતરું કરડવાથી મોત થવાથી કલ્યાણ-ડોમ્બિવલીની રખડતા કૂતરાની સમસ્યા સામે આવી છે. કલ્યાણના ૨૮ વર્ષના આ યુવાને કૂતરું કરડ્યા પછી હડકવાની રસી લીધી નહોતી. આ સમયમાં જ ટિટવાલામાં એક મહિલા પર રસ્તામાં રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો, જ્યારે કલ્યાણમાં આઠ વર્ષના એક બાળકને કૂતરું કરડ્યું હતું. કલ્યાણના યુવકના મોતને પગલે કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનના આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે જો કોઈને રખડતું કૂતરું કરડે તો તે વ્યક્તિએ તાત્કાલિક કોઈ પણ મોટી હૉસ્પિટલમાં હડકવાવિરોધી રસી લેવી જોઈએ.