09 October, 2022 10:01 AM IST | Mumbai | Mehul Jethva
મુલુંડ કાલિદાસમાં કાળો પડી ગયેલો સ્વિમિંગ-પૂલ.
મુલુંડના કાલિદાસના સ્વિમિંગ-પૂલને ચાલુ રાખવા માટે સુધરાઈએ અત્યાર સુધીમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. આમ છતાં આ વર્ષમાં ત્રીજી વાર સ્વિમિંગ-પૂલ બંધ પડી જતાં આશરે ૫૫૦૦ મેમ્બરો મોટી પરેશાનીમાં મુકાયા છે. સ્વિમિંગ-પૂલનો કારભાર બરાબર ચાલી રહ્યો હતો એ દરમ્યાન અહીંના અધિકારીઓએ સ્વિમિંગ-પૂલનું પાણી બ્લુ કરવા માટે એક કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો જેમાં કૉન્ટ્રૅક્ટરની બેદરકારીથી તમામ પાણી બ્લુને બદલે કાળું પડી જતાં આશરે આઠ દિવસથી સ્વિમિંગ-પૂલ બંધ હાલતમાં છે.
મુંબઈ અનલૉક થયા પછી પણ આશરે દોઢ મહિનો અહીંનો સ્વિમિંગ-પૂલ રિનોવેશન માટે બંધ રખાયો હતો. એ પછી જૂનમાં ફરી એક વાર ટેક્નિકલ કારણસર એ બંધ રખાયો હતો. આશરે ૨૦થી ૨૫ દિવસના કામ બાદ એને ફરી ચાલુ કરવામાં આવ્યો હતો. ગયા મહિનાના અંતમાં સ્વિમિંગ-પૂલમાંના પાણીને બ્લુ કરવા માટે કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો, જેનું કામ કૉન્ટ્રૅક્ટરે ત્રીજી ઑક્ટોબરે કર્યું હતું. જોકે ટેક્નિકલ નૉલેજ વગર અહીંનું કામ હાથ ધરવામાં આવતાં તમામ પાણી બ્લુ થવાને બદલે કાળું પડી ગયું હોવાથી ફરી એક વાર છેલ્લા આઠ દિવસથી સ્વિમિંગ-પૂલ બંધ રાખવામાં આવ્યો છે.
મુલુંડના પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી ક્રીડા સંકુલના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલાં સ્વિમિંગ-પૂલના ફિલ્ટરેશન પ્લાન્ટમાં ટેક્નિકલ પ્રૉબ્લેમ આવતાં એને બંધ રખાયો હતો. હાલમાં પાણી બ્લુ કરવા માટે પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી ક્રીડા સંકુલ તરફથી એક પ્રાઇવેટ કંપનીને ૫૬,૦૦૦ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો, જેણે પોતાનું કામ બેદરકારીથી કરી પાણી બ્લુને બદલે બ્લૅક કરી દીધું હતું. એ કારણસર હાલમાં સ્વિમિંગ-પૂલ બંધ રખાયો છે. હાલમાં કૉન્ટ્રૅક્ટર પોતાનું કામ કરી રહ્યો હોવાથી આવતા ૧૦થી ૧૫ દિવસમાં સ્વિમિંગ-પૂલ ચાલુ થાય એવી શક્યતા છે.’
પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી ક્રીડા સંકુલના સીઈઓ દેવિન્દ્ર જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલમાં ટેક્નિકલ કારણસર સ્વિમિંગ-પૂલ બંધ રાખવામાં આવ્યો છે. આવતા અઠવાડિયામાં ફરી એક વાર સ્વિમિંગ-પૂલ ચાલુ થઈ જશે. જેટલા દિવસ સ્વિમિંગ-પૂલ બંધ રહેશે એટલા દિવસ અહીંના મેમ્બરોને વધારીને મળશે.’
અહીં સ્વિમિંગ કરવા આવતા હર્ષ જોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષોથી હું નિયમિત સ્વિમિંગ માટે આવું છું. અહીંના મૅનેજમેન્ટ તરફથી સ્વિમિંગ-પૂલની જાળવણી બરાબર કરવામાં ન આવતાં એ વારંવાર બંધ થવાની પરેશાની થઈ રહી છે. અમે અહીં સ્વિમિંગ માટે આવીએ ત્યારે અમને એ બંધ હોવાની માહિતી મળતાં સિનિયર સિટિઝનોને મોટી પરેશાની થાય છે. મૅનેજમેન્ટ તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં અમારા જેવા ૫૦૦૦ મેમ્બરો રોજ અહીં ધક્કા ખાઈ રહ્યા છે.’
અહીં સ્વિમિંગ કરવા આવતા નટવર ગાંગાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લાં ૧૮ વર્ષથી હું નિયમિત સ્વિમિંગ કરવા માટે આવું છું. એકાએક આટલા બધા દિવસ સ્વિમિંગ-પૂલ બંધ હોવાથી અમારી ફિટનેસ પર મોટી અસર પડે છે. પૈસા ભર્યા પછી પણ સુવિધાના અભાવે અમારા જેવા લોકો પરેશાન થાય છે. સ્વિમિંગ-પૂલ બંધ હોવાની સાથે અંદર પણ કંઈક પરેશાની છે જેની અમે ફરિયાદ કરી છે, પણ કોઈ જાતની એના પર ઍક્શન લેવામાં આવતી નથી.’