06 January, 2023 07:43 PM IST | Uttarakhand | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય પીટીઆઈ
ઉત્તરાખંડના (Uttarakhand) શહેર જોશીમઠ(Joshimath)ની દીવાલો પડી રહી છે. જમીન ધસાઈ રહી છે. ઘરની ભીંતો તોડીને પાણી વહી રહ્યું છે. બદરીનાથ (Badrinath) ધામથી માત્ર પચાસ કિલોમીટર દૂર જોશીમઠમાં ચોંકાવનારું દ્રશ્ય છે. અનેક વિસ્તારોમાં લેન્ડસ્લાઈડ અને પડતી ભીંતોને કારણે લોકો દહેશતમાં જીવવા માટે મજબૂર છે. જે પોતાના ઘરમાં રહે છે, તેમને આખી રાત ઊંઘ નથી આવી રહી. જેમના ઘરોમાં તિરાડો પડી ગઈ છે અથવા જમીનનો ભાગ ધસી પડ્યો છે, તે લોકો ઘર છોડીને નાસી છૂટ્યા છે.
આને લઈને શુક્રવારે મુખ્યમંત્રી પુષ્કર ધામીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. જેમાં અધિકારીઓને કડક નિર્દેશ આપવામાં આવ્યા. માહિતી પ્રમાણે સીએમે કહ્યું કે તત્કાલ સુરક્ષિત સ્થાને એક મોટું અસ્થાઈ પુનર્વાસ કેન્દ્ર બનાવવામાં આવે. જોશીમઠમાં સેક્ટર અને ઝૉનલ વૉર યોજના બનાવવામાં આવે. તત્કાલ ડેન્જર ઝોનને ખાલી કરાવવામાં આવે અને ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ એક્ટિવેટ કરવામાં આવે. જેના પછી અધિકારી કાર્યવાહીમાં જોડાઈ ગયા.
6 મહિના સુધી સરકાર આપશે ભાડું
બેઠક બાદ જોશીમઠ ક્ષેત્રના પ્રભાવિતો માટે જિલ્લા પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના નિર્દેશ પર પ્રશાસને 7 મહિના સુધી પ્રભાવિત પરિવારોને ભાડુ આપવાની જાહેરાત કરી છે. અધિકારીઓ પ્રમાણે જે લોકોના ઘર ડેન્જર ઝૉનમાં છે અથવા રહેવા લાયક નથી, તેમને આવતા 6 મહિના સુધી ભાડાંના મકાનમાં રહેવા માટે રૂપિયા 4000 દર મહિને પરિવારને મદદ આપવામાં આવશે. આ મદદ મુખ્યમંત્રી રાહત કોષમાંથી આપવામાં આવશે.
500થી વધારે મકાનોમાં આવી તિરાડ
અત્યાર સુધી 500થી વધારે ઘરોમાં તિરાડ પડી ચૂકી છે. અનેક પરિવારોને ખસેડી દેવાયા છે. તો અનેક લોકો પોતે જ ઘર છોડીને ચાલ્યા ગયા છે. આખું શહેર ભયમાં છે. તો સ્પેશિયલ ટીમ ઘટનાની તપાસ કરી રહી છે અને એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ સુરક્ષા બળને અલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ કરવા પહોંચી ભૂગર્ભીય ટીમ અને ડિઝાસ્ટર મેનેજર ટીમે જણાવ્યું કે પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે નિરીક્ષણ કરી રહી છે. અત્યાર સુધી 50થી વધારે પરિવારો શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. સરકારની પહેલી પ્રાથમિકતા લોકોને સુરક્ષિત સ્થળે રાખવાની છે. જેને લઈને પ્રશાસન દરેક શક્ય પ્રયત્ન કરી રહ્યું છે. લોકોને શિફ્ટ કરી લેવામાં આવ્યા છે.
અટકાવવામાં આવ્યું એનટીપીસી પાવર પ્રૉજેક્ટનું કામ
એનટીપીસી પાવર પ્રૉજેક્ટની ટનલની અંદરનું કામ પણ સંપૂર્ણ રીતે અટકાવી દેવામાં આવ્યું છે. સમસ્યાને જોતાં જિલ્લા પ્રશાસને બીઆરઓ હેઠળ નિર્મિત હેલંગ બાયપાસ નિર્માણ કાર્ય, એનટીપીસીના તપોવન વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજના હેઠળ નિર્માણ કાર્ય તેમજ નગરપાલિકા ક્ષેત્ર હેઠળના નિર્માણ કાર્યો પર પણ આગામી આદેશો સુધી તત્કાલ પ્રભાવે રોક મૂકી દેવામાં આવી છે. સાથે જ જોશીમઠ ઔલી રોપવેનું સંચાલન પણ આગામી આદેશ સુધી અટકાવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રાતોરાત ૫૦,૦૦૦ લોકોને ખદેડીને બેઘર ન કરી શકાય
રિપૉર્ટમાં પહેલા જ જણાવી દેવાઈ હતી ધસારાની શક્યતા
જોશીમઠ પર પેદા થયેલ સંકટ સામાન્ય નથી. ભૂગર્ભીય રીતે આ શહેર ખૂબ જ સંવેદનશીલ છે અને સિસ્મિક ઝૉન 5ની અંદર આવે છે. આ શહેરમાં થતાં સ્ખલનની શક્યતા પહેલા જ પેદા થઈ ગઈ હતી અને સરકારની સ્પેશિયલ ટીમે એક રિપૉર્ટ પણ બનાવ્યો હતો. તે રિપૉર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જોશીમઠમાં આડેધડ બાંધકામ, પાણીનો પ્રવાહ, ઉપરની જમીનનું ધોવાણ અને અન્ય ઘણા કારણોસર પાણીના વહેણનો કુદરતી પ્રવાહ અવરોધાયો છે. આ ભૂસ્તરશાસ્ત્રીય રીતે સંવેદનશીલ શહેર પૂર્વ પશ્ચિમ તરફ ચાલતા એક પટ્ટા પર આવેલું છે. વિષ્ણુપ્રયાગની દક્ષિણ પશ્ચિમમાં, શહેરની નીચે, ધૌલીગંગા અને અલકનંદા નદીઓનો સંગમ છે. આવી સ્થિતિમાં આ ભૂસ્ખલન માટે નદીના કારણે થતું ધોવાણ પણ જવાબદાર છે. તે પછી સરકારે આયોજન કર્યું છે કે જોશીમઠમાં થતાં ભૂસ્ખલનને રોકવા માટે અસ્થાયી સુરક્ષા કાર્યો કરવામાં આવશે.