11 January, 2023 08:18 AM IST | Mumbai | Rohit Parikh
ગઈ કાલે ઝારખંડમાં ગિરિડીહ જિલ્લામાં આદિવાસીઓએ કાઢેલી રૅલી.
ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં આવેલા જૈનોના સમેતશિખરજી તીર્થને બચાવવા જૈનો તરફથી દેશભરમાં આંદોલન થયા બાદ હવે ત્યાંના સ્થાનિક આદિવાસીઓએ ‘પારસનાથ પર્વત હમારા હૈ; નહીં ચલેગી, નહીં ચલેગી, જૈનો કી દાદાગીરી નહીં ચલેગી’ના નારા સાથે ગઈ કાલથી સમેતશિખરમાં આંદોલનની શરૂઆત કરી હતી. ઝારખંડના આદિવાસી સમુદાયે હવે દાવો કર્યો છે કે આખો પારસનાથ પર્વત અમારો છે. એટલું જ નહીં, હવે ટ્રાઇબલ કમ્યુનિટી કહે છે કે પારસનાથ પર્વત અમારું ધર્મસ્થાન છે. તેમણે પારસનાથ પર્વતને મરાંગ બુરુ સ્થળ જાહેર કરવાની જોરદાર માગણી કરી છે.
કેન્દ્ર સરકારે પાંચમી જાન્યુઆરીએ પારસનાથ પર્વતને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરીને સમેતશિખરજી તીર્થને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે આપેલા નોટિફિકેશનને પાછું લઈ લીધું છે. આ દ્વારા સમેતશિખર તીર્થને પર્યટન અને ઇકો-પર્યટન સાથે સંકળાયેલી બધી જ ગતિવિધિઓને રોકી દીધી છે. આ નિર્ણય કેન્દ્રના પર્યાવરણપ્રધાન ભૂપેન્દ્ર યાદવે લીધા પછી એવું લાગતું હતું કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સમેતશિખરજી તીર્થના વિવાદનો અંત આવી ગયો છે.
રવિવારે ગિરિડીહના વિધાનસભ્ય સુદિવ્યકુમાર સોનુએ પણ આદિવાસી સમુદાય અને જૈન સમુદાય વચ્ચે સમાધાન કરાવ્યું, જેમાં બન્ને પક્ષો એકબીજાની આસ્થાનું સન્માન કરીને પરંપરાથી ચાલી રહેલી પૂજા-અર્ચના કરવા સહમત થયા હતા. જોકે વિવાદ હજી બંધ થયો નથી. હવે ઝારખંડના આદિવાસીઓએ પારસનાથ પર્વતને મરાંગ બુરુ સ્થળ જાહેર કરવાની માગણી શરૂ કરીને સમેતશિખરજી તીર્થમાં વાતાવરણ ડહોળવાની શરૂઆત કરી છે.
એને પરિણામે ગઈ કાલે મધુબનમાં આદિવાસી સમાજ દ્વારા આયોજિત આંદોલનમાં સામેલ થવા માટે અલગ-અલગ જિલ્લામાંથી બીજા આદિવાસીઓ પહોંચ્યા હતા. આંદોલન હિંસક ન બને અને કાયદા-વ્યવસ્થા જળવાઈ રહે એ માટે બે દિવસથી સમેતશિખરજીમાં સરકાર તરફથી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. સોમવારે પોલીસના જવાનોએ મધુબનમાં ફ્લૅગમાર્ચ પણ કરી હતી. સુરક્ષાની દૃષ્ટિથી મધુબન બજારમાં અનેક દુકાનદારોએ તેમની દુકાનો બંધ રાખી હતી. આ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો તેમનાં પારંપરિક હથિયારોની સાથે પારસનાથ પર્વત તરફ આગળ વધ્યા હતા. આદિવાસી સમુદાયે જૈન સમાજ, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિરોધમાં જોરદાર નારાબાજી કરી હતી. આ રૅલીમાં ગેર-આદિવાસી સંગઠનો પણ જોડાયાં હતાં. રૅલીની ગંભીરતા સમજીને પોલીસ પ્રશાસન તરફથી સીસીટીવી કૅમેરા અને ડ્રોન કૅમેરાથી આખી રૅલી પર નજર રાખવામાં આવી હતી. સાંજ સુધી કોઈ અપ્રિય ઘટના બની નહોતી.
રૅલી મધુબન ફુટબૉલ મેદાનથી નીકળીને બજારોમાંથી પસાર થઈને પારસનાથ પર્વત સુધી ગઈ હતી, જ્યાં કેન્દ્ર સરકાર અને ઝારખંડ સરકારનાં પૂતળાં બાળવામાં આવ્યાં હતાં. બન્ને સરકારો પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે બન્ને સરકારો આદિવાસીઓની ઉપેક્ષા કરી રહી છે. સદીઓ પહેલાં પારસનાથ ક્ષેત્રમાં આદિવાસીઓના ધર્મગુરુ મરાંગ બુરુનું આ સ્થળ છે, જેનો ઉલ્લેખ ૧૯૫૬ના બિહાર-હજારીબાગ ગૅઝેટમાં અંકિત છે.
ઝારખંડ મુક્તિ મોરચાના વિધાનસભ્ય લૉબિન હૅબ્રમે કહ્યું હતું છે કે ‘પારસનાથમાં સદીઓથી આદિવાસીઓ રહેતા આવ્યા છે. આજે આ આદિવાસીઓને પારસનાથ પર્વતના ૧૦ કિલોમીટરના અંતરમાં ૧૫ જાન્યુઆરીના ટુસુના તહેવારના દિવસે બલિ ચડાવતા રોકવામાં આવી રહ્યા છે. જંગલમાંથી લાકડું કાપવા પણ આપતા નથી. આદિવાસીઓ કહે છે કે જમીન અમારી છે, પર્વત અમારો છે. અમે બધા જ ધર્મોનું સન્માન કરીએ છીએ, પરંતુ આસ્થાના નામ પર અહીં બીજા કોઈને કબજો કરવા નહીં આપીએ.’
આદિવાસીઓ જૈન સમાજથી કેમ વિરોધમાં છે?
સમેતશિખરજી તીર્થના સ્થાનિક રહેવાસીએ આ બાબતની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરાંગ બુરુ સાંવતા સુસાર બૈસીના જિલ્લા ઉપાધ્યક્ષ બુધન હૅબ્રમના કહેવા પ્રમાણે પારસનાથથી સમેતશિખરજીના ચાર કિલોમીટર પહેલાં જાહેરધાન છે. જાહેરધાન આદિવાસીઓનું પૂજાસ્થળ છે. અહીં આદિવાસીઓ પૂજા દરમ્યાન પશુબલિ ચડાવે છે. પ્રસાદના રૂપમાં શરાબ પણ ચડાવવામાં આવે છે. સમેતશિખરજીની તળેટીના ૫૮ કિલોમીટરના અંતરમાં જૈનોનું પરિક્રમા સ્થળ છે, જેમાં આદિવાસીઓનાં ગામો આવેલાં છે. હવે જ્યારે ત્યાં માંસ અને મદિરા પર પ્રતિબંધ લાગ્યો તો એની હદમાં આવાં બધાં ગામો આવે છે. આદિવાસીઓને ચિંતા છે કે આના કારણે હવે તેમના પારંપરિક તહેવારો જેવા કે સેંદરા અને સોહરાય હવે તેઓ ઊજવી શકશે નહીં. તેઓ હવે જાહેરમાં પૂજા-અર્ચના કરતી વખતે પશુબલિ નહીં ચડાવી શકે. જ્યારે જૈન સાધુસંતો કહે છે કે અમારો વિરોધ પૂજાપાઠ સામે છે જ નહીં, અમારો વિરોધ અમારા પવિત્ર તીર્થ પર પશુબિલ ચડાવવામાં આવે છે એની સામે છે.