ઘાટકોપરની ગુજરાતી મ​હિલા મલાડના દેરાસરમાં દર્શન કરવા ગઈ અને તેની એક લાખ રૂ​પિયાના દાગીનાવાળી બૅગ ચોરાઈ

06 February, 2024 07:41 AM IST  |  Mumbai | Mehul Jethva

ઘાટકોપરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વેપારી રવિવારે સવારે પરિવાર સાથે મલાડમાં સ્ટેશન રોડસ્થિત જૈન દેરાસરમાં દર્શન કરવા ગયા હતા

પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપરમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વેપારી રવિવારે સવારે પરિવાર સાથે મલાડમાં સ્ટેશન રોડસ્થિત જૈન દેરાસરમાં દર્શન કરવા ગયા હતા. એ દરમ્યાન તેમની પત્નીએ ભગવાનનાં દર્શન યોગ્ય રીતે કરવા માટે પોતાની બૅગ સાઇડમાં મૂકી હતી. ત્યારે અજાણ્યા ચોરે તેમની બૅગની ચોરી કરી હતી. એમાં આશરે એક લાખ રૂપિયાના દાગીના અને ૫૦૦૦ રૂપિયા જેવી રોકડ રકમ હતી. મલાડ પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ઘાટકોપરમાં એલબીએસ માર્ગ પર ગંગાવાડી વિસ્તારની એક સોસાયટીમાં રહેતા અને સાંતાક્રુઝમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા ૩૩ વર્ષના કેતન પટેલે કરેલી ફરિયાદ અનુસાર રવિવાર, ચોથી ફેબ્રુઆરીએ સવારે સાડાદસ વાગ્યે તેઓ પત્ની ફોરમ અને પુત્રો સાથે મલાડના સ્ટેશન રોડ પર જૈન દેરાસરમાં દર્શન કરવા માટે ગયા હતા. એ દરમ્યાન તેમની પત્નીએ દેરાસરમાં પૂજારૂમની સામે સફેદ ટેબલ પર પોતાના હાથમાં રહેલી લીલા રંગની બૅગ મૂકી હતી. એમાં સોનાની બુટ્ટીઓની એક જોડી અને સોનાની વીંટી સહિત ૫૦૦૦ રૂપિયાની રોકડ રાખવામાં આવી હતી. પૂજા કર્યા બાદ ટેબલ પર મૂકેલી બૅગ લેવા જતાં એ મળી નહોતી. ત્યાર બાદ દેરાસરમાં બૅગની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ એ ક્યાંય મળી આવી નહોતી. અંતે એ બૅગ ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવતાં આ ઘટનાની ફરિયાદ મલાડ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી.

મલાડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ઘટનાની ફરિયાદ નોંધીને સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. હાલમાં કોઈની ધરપકડ આ કેસમાં કરવામાં આવી નથી.’ 

mumbai news mumbai malad gujarati community news gujaratis of mumbai Crime News mumbai crime news