ફિલ્મસ્ટાર જિતેન્દ્રની ઑફિસમાં કામ કરતી મહિલાના દાગીના ઑફિસમાંથી જ ચોરાયા

01 April, 2023 09:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રોગ્રામમાં જવાનું હોવાથી તેણે ૩.૬૦ લાખ રૂપિયાના દાગીના ઑફિસના લૉકરમાં રાખ્યા હતા, પણ બીજા દિવસે લૉકર તપાસ્યું ત્યારે દાગીના નહોતા

જીતેન્દ્ર


મુંબઈ : જુહુમાં રહેતા સુપરસ્ટાર જિતેન્દ્રની ઑફિસમાં કામ કરતી મહિલાને પ્રોગ્રામમાં જવાનું હોવાથી તેણે પોતાના ૩.૬૦ લાખ રૂપિયાના દાગીના ઑફિસના લૉકરમાં રાખ્યા હતા. બીજા દિવસે સવારે તેણે લૉકર તપાસ્યું ત્યારે તેના દાગીના ચોરી થઈ ગયા હોવાની માહિતી મળી હતી. જુહુ પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
ડોમ્બિવલી-વેસ્ટમાં વિષ્ણુનગર વિસ્તારની એક સોસાયટીમાં રહેતાં અને જુહુના એન. એસ. રોડ પર રહેતા સુપરસ્ટાર જિતેન્દ્રનાં લીગલ ઍડ્વાઇઝર તરીકે કામ કરતાં ૪૯ વર્ષનાં મનીષા પોલાડિયાએ કરેલી ફરિયાદ અનુસાર રવિવારે તેમને ફૅમિલી પ્રોગ્રામમાં જવાનું હોવાથી સાડી અને દાગીના સાથે દોઢ લાખ રૂપિયા તેમણે ઑફિસના લૉકરમાં રાખી એને લૉક કરીને એની ચાવી ઑફિસના ડ્રૉઅરમાં રાખી હતી. ગઈ કાલે સવારે તેઓ ઑફિસમાં આવી રહ્યાં હતાં ત્યારે તેમની ઑફિસમાં કામ કરતા જ્ઞાનેશ્વર મુળેએ ફોન કરીને કહ્યું કે ઑફિસમાં તમામ વસ્તુઓ અસ્તવ્યસ્ત પડી છે. ઑફિસે પહોંચીને કપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેમણે રાખેલા તમામ દાગીના સહિત ૩.૬૦ લાખ રૂપિયાની માલમતાની ચોરી થઈ છે. કોઈ ચોરે બારીમાંથી ઑફિસમાં પ્રવેશીને ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળતાં તેમણે જુહુ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.
જુહુ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અજિત વર્તકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ અમે નોંધી છે. ફરિયાદી જિતેન્દ્રને ત્યાં લીગલ ઍડ્વાઇઝર તરીકે કામ કરે છે અને તેના દાગીના ચોરી થયા છે. આ કેસમાં હાલ કોઈની ધરપકડ થઈ નથી.’ 

mumbai news jeetendra juhu