23 December, 2024 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાયરિંગમાં મૃત્યુ પામેલો સેલ્સમૅન દિનેશકુમાર ચૌધરી.
થાણે જિલ્લાના શહાપુરમાં શનિવારે રાત્રે ૧૦.૩૦ વાગ્યે મહાલક્ષ્મી જ્વેલર્સ નામની દુકાનના માલિક અને સેલ્સમૅન દુકાન બંધ કરી રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે લોકોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ૨૫ વર્ષના સેલ્સમૅન દિનેશકુમાર મનારામ ચૌધરીને ગંભીર ઈજા થઈ હતી. તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ગઈ કાલે વહેલી સવારે સેલ્સમૅનનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
થાણે ગ્રામીણના શહાપુરપોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર ઠાકુરે આ ઘટના વિશે કહ્યું હતું કે ‘અહીંના ગોઠેઘર વિસ્તારના પંડિતનાકામાં આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સના માલિક અને સેલ્સમૅન શનિવારે રાત્રે દુકાન બંધ કરી રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે લોકોમાંથી એક જણે ફાયરિંગ કર્યું હતું. એક ગોળી સેલ્સમૅન દિનેશકુમાર ચૌધરીને લાગી હતી. ગંભીર રીતે ઘવાયેલા દિનેશકુમાર ચૌધરીનું બાદમાં મૃત્યુ થયું હતું. સેલ્સમૅનના હાથમાં એક બૅગ હતી એ ફાયરિંગ કરનારાઆએ આંચકી લીધી હતી. આ બૅગમાં મહત્ત્વના ડૉક્યુમેન્ટ્સ હોવાનું મહાલક્ષ્મી જ્વેલર્સના માલિકે કહ્યું છે. ગોળીબાર કર્યા બાદ પલાયન થઈ ગયેલા આરોપીઓની ઓળખ કરવા માટે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસવામાં આવી રહ્યાં છે.’