28 November, 2022 10:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાલાસોપારાની આ દુકાને ગ્રાહક બનીને આવેલા લૂંટારાઓ લૂંટ ચલાવી હતી
નાલાસોપારા-વેસ્ટમાં એક અજાણી વ્યક્તિ દ્વારા નકલી બંદૂકની અણીએ જ્વેલર્સની દુકાનમાં લૂંટ ચલાવીને ૧૫ તોલાના દાગીના લઈને શનિવારે ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ લૂંટ થતાં ફરી જ્વેલર્સમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વેસ્ટમાં આવેલા પાટણકર વિસ્તારમાં નેકલેસ જ્વેલર્સ નામની દુકાન છે. આ દુકાનમાં શનિવારે ૨૫ વર્ષનો યુવક ગ્રાહક બનીને આવ્યો હતો. તેણે દુકાનદારને કહ્યું કે તે સોનાના સિક્કા ખરીદવા માગે છે. દુકાનમાલિકે કહ્યું કે તે સોનાના સિક્કા વેચતો નથી. આ વખતે તેણે મારી બહેનને પણ સોનાના દાગીના ખરીદી કરવાના છે. એથી મને અન્ય સોનાના દાગીના દેખાડો એવુંબધું બોલીને દુકાનદારને તેણે વાતોમાં વ્યસ્ત રાખ્યો હતો. દુકાનદાર દાગીના દેખાડવામાં વ્યસ્ત હતો ત્યારે તેણે પોતાના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢીને દુકાનદારને લૂંટવાનું શરૂ કર્યું હતું, પરંતુ જ્યારે દુકાનદારને ધ્યાનમાં આવ્યું કે એના હાથમાં રહેલી પિસ્તોલ નકલી છે તો તેણે તેની સામે વિરોધ કર્યો હતો. એથી બન્ને વચ્ચે ઝપાઝપી થવા લાગી અને ચોર દુકાનદારને ધક્કો મારીને દુકાનની બહાર ભાગી જવામાં સફળ રહ્યો હતો. જોકે ભાગતી વખતે તે ૧૫ તોલા સોનાના દાગીના લૂંટી લઈને ભાગ્યો હોવાનું દુકાનદારે પોલીસને ફરિયાદમાં જણાવ્યું હતું.
આ લૂંટ વિશે માહિતી આપતાં નાલાસોપારા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર વિલાસ સુપેએ જણાવ્યું કે ‘લૂંટારુ વ્યક્તિ મોઢા પર માસ્ક પહેરીને આવ્યો હતો. તેણે તેની બહેન આવશે એમ કહીને અડધો કલાકથી વધુ સમય દુકાનમાં વિતાવ્યો હતો, જ્યારે તેણે જોયું કે દુકાનમાં દુકાનમાલિક સિવાય બીજું કોઈ નથી તો તેણે એનો લાભ ઉપાડ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી સીસીટીવી ફુટેજ મેળવીને આરોપીની શોધખોળ હાથ ધરી છે.’