જેઠાણીએ માર મારીને દેરાણીનો કર્યો ગર્ભપાત

05 February, 2023 10:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુર્લામાં મોટી ભાભીએ બાળકો રાખવાની વાતમાં રોષે ભરાઈને બાવીસ વર્ષની નવ અઠવાડિયાંની પ્રેગ્નન્ટ દેરાણીને રસ્તામાં મારી

પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)


મુંબઈ ઃ કુર્લામાં રહેતી જેઠાણીએ બાળકોને રાખવાની વાત પરથી રોષે ભરાઈ તેની બાવીસ વર્ષની દેરાણીને જોરદાર માર માર્યો હતો, જેમાં એકાએક દેરાણીના પેટ પર માર લાગતાં તેનો ગર્ભપાત થયો હતો. એ પછી આ ઘટનાની માહિતી વાકોલા પોલીસ સ્ટેશનને મળતાં જેઠાણી વિરુદ્ધમાં ગર્ભપાત સંબંધિત ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે હજી સુધી જેઠાણીની ધરપકડ થઈ નથી.
કુર્લાના હવાલા પુલ નજીક એક સોસાયટીમાં રહેતી બાવીસ વર્ષની નિકિતા વિજય જિલાએ કરેલી ફરિયાદ અનુસાર પહેલી ફેબ્રુઆરીએ તેના ઘરે જેઠાણી રેણુકા ચંદ્રકાંત જિલા પોતાનાં બે બાળકોને મૂકવા માટે આવી હતી. જોકે નિકિતા નવ અઠવાડિયાંની પ્રેગ્નન્ટ હોવાથી તેણે બાળકોને રાખવા માટે રેણુકાને ના પાડી હતી. આમ છતાં રેણુકા પોતાનાં બાળકો ત્યાં મૂકીને ગઈ હતી. એ પછી ત્રીજી ફેબ્રુઆરીએ સાંજે નિકિતા તેના પતિ વિજય સાથે કાલિના નજીક પોતાની માતાના ઘરે જઈ રહી હતી ત્યારે જેઠાણી રેણુકા રસ્તામાં તેને મળી હતી. રેણુકા સાથે લક્ષ્મી પવાર નામની એક મહિલા પણ સાથે હતી જેણે નિકિતા સાથે બાળકોને રાખવાનો કેમ ઇનકાર કર્યો એ વાત પરથી ઝઘડો ચાલુ કર્યો હતો અને વાત મારઝૂડ પર પહોંચી હતી. અમાં નિકિતાના પેટ પર માર લાગતાં તેને દુખાવો ઊપડતાં વી. એન. દેસાઈ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ડૉક્ટરે તેનો ગર્ભપાત થયો હોવાની માહિતી આપી હતી. આ ઘટનાની જાણ વાકોલા પોલીસને થતાં એણે રેણુકા અને લક્ષ્મી સામે ફરિયાદ નોંધી હતી.
વાકોલા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રદીપ મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. ડૉક્ટરના રિપોર્ટ અને અન્ય જરૂરી માહિતીના આધારે તપાસ કરવામાં આવી રહી છે. જોકે હજી સુધી કોઈની ધરપકડ થઈ નથી.’ 

mumbai news kurla