28 March, 2019 08:38 AM IST | મુંબઈ | જયેશ શાહ
ઉપેન્દ્ર દોશી
મુંબઈના માત્ર વિકાસમાં જ નહીં, રાજકારણમાં પણ ગુજરાતીઓનું મોટું યોગદાન છે. આ સમુદાયની અવગણના કરવાનું કોઈને પોસાય નહીં છતાં મોટા રાજકીય પક્ષો સતત તેમની ઉપેક્ષા કરતા આવ્યા છે. આ વખતની લોકસભાની ચૂંટણીની જ વાત લો. અત્યાર સુધીમાં એકેય મોટા રાજકીય પક્ષે ગુજરાતીને ટિકિટ નથી આપી.
રાજુલ પટેલ
શહેરની છ લોકસભા સીટ પર BJP, શિવસેના, કૉંગ્રેસ અને NCP સહિત તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. BJPએ એક ઉમેદવારની જાહેરાત કરવાની હજી બાકી છે, પરંતુ રાજકીય પક્ષોએ હજી સુધી એક પણ ગુજરાતીને ટિકિટ ન આપતાં ગુજરાતી સમુદાયમાં જબરદસ્ત આક્રોશ ફેલાયો છે. શહેરના કુલ મતદારોમાં ૧૮ ટકા ગુજરાતી છે અને અમુક લોકસભા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગુજરાતી મતદારો રહે છે. આવા વિસ્તારોમાં દહિસર, બોરીવલી, કાંદિવલી, મલાડ, ગોરેગામ, વિલે પાર્લે, મલબાર હિલ, મુલુંડ, ઘાટકોપર અને વિક્રોલી સહિત અનેક વિસ્તારોમાં ગુજરાતીઓનું પ્રભુત્વ છે. આમ છતાં, ગુજરાતી સંસદસભ્ય તરીકે કોઈને ટિકિટ નહીં મળતાં શહેરના ગુજરાતીઓ શું વિચારી રહ્યા છે એ વિશે ‘મિડ-ડે’એ ગુજરાતી રાજકીય નેતાઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતી મતદારોના ટેકાથી ગુજરાતીઓના નામે હોદ્દા લઈને બની બેઠેલા આગેવાનો મત મેળવીને ગુજરાતીઓની ઉપેક્ષા કરી રહ્યાનો અહેસાસ થઈ રહ્યો છે. જો એક પણ રાજકીય પક્ષ ગુજરાતી ઉમેદવાર જાહેર નહીં કરે તો આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતીઓનો મૂડ શું હશે એ આગામી સમયમાં જોવા મળશે.
આગામી લોકસભાની ચૂ઼ટણીમાં BJPએ પૂનમ મહાજન અને ગોપાલ શેટ્ટી તથા શિવસેનાએ અરવિંદ સાવંત, રાઉલ શેવાળે તેમ જ ગજાનન કીર્તિકર; કૉંગ્રેસે એકનાથ ગાયકવાડ, સંજય નિરુપમ, મિલિન્દ દેવરા અને પ્રિયા દત્ત તેમ જ NCPએ સંજય દિના પાટીલની સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે, જ્યારે કૉંગ્રેસે ઉત્તર મુંબઈની સીટ પર ઉર્મિલા માતોન્ડકરના નામનો નિર્ણય લઈ લીધો છે. એ જોતાં એક માત્ર ઈશાન મુંબઈની સીટ પર BJPએ પોતાનો સત્તાવાર ઉમેદવાર જાહેર કરવાનો બાકી છે. એ સંજોગોમાં ઈશાન મુંબઈના હાલના ગુજરાતી સાંસદ કિરીટ સોમૈયાને જાહેર કરે છે કે અન્ય કોઈ ગુજરાતી ઉમેદવાર પર કળશ ઢોળાશે. જો શિવસેનાના વિરોધને લીધે સોમૈયાને ટિકિટ ન અપાય અને અન્ય કોઈ બિનગુજરાતીને ટિકિટ અપાય તો સમગ્ર મુંબઈમાંથી ગુજરાતી સંસદસભ્યનો છેદ ઊડી જશે. આગામી લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં BJP-શિવસેના મહાયુતિ અને કૉંગ્રેસ-NCP મહાગઠબંધનના પક્ષો મળીને ચૂંટણી લડવાના છે ત્યારે ગુજરાતી મતદારો મતદાન મથકમાં નિરુત્સાહ બતાવે તો BJP-શિવસેના મહાયુતિના ઉમેદવારોને નુકસાન સહન કરવાનું આવી શકે.
BJPના ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગરે આગામી લોકસભાની ચૂંટણીમાં શહેરમાં ગુજરાતી ઉમેદવાર વિશે પોતાનો મત વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતી, શહેરમાં ગુજરાતી વિધાનસભ્ય તરીકે હું અને પ્રકાશ મહેતા તેમ જ અમારી પાર્ટીમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ૨૭ નગરસેવકો ગુજરાતી છે. એથી ગુજરાતીઓને અન્યાય થયો હોય એવું હાલના તબક્કે કહી શકાય નહીં, જ્યારે ઈશાન મુંબઈની સીટ પર પાર્ટીએ કોઈ નિર્ણય કર્યો ન હોય એવા સંજોગોમાં ગુજરાતીઓને અન્યાય થયો હોય એવું કહેવું એ અસ્થાને છે.’
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના શિવસેનાનાં ગુજરાતી નગરસેવિકા રાજુલબહેન પટેલે પોતાનો મત વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે શહેરમાં ગુજરાતીઓની વાત સાંભળવા માટે એક ગુજરાતી સંસદસભ્ય હોવો જરૂરી છે.
આ પણ વાંચો : મુંબઈ: રેલવે-સ્ટેશનો પર લીંબુ-શરબત વેચવા પર પ્રતિબંધ
શહેર કૉંગ્રેસના ગુજરાતી સેલના અધ્યક્ષ ઉપેન્દ્ર દોશીએ ગુજરાતીઓને લોકસભામાં ઉમેદવારીની તક આપવી જોઈએ એ વિશે પોતાનો મત વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક જમાનો હતો મુંબઈમાં કૉંગ્રેસના સંસદસભ્યો, વિધાનસભ્યો અને નગરસેવકો પાર્ટીમાં મોટા પ્રમાણમાં હતા જેમાં રજની પટેલ, અનુપચંદભાઈ શાહ, એમ.આર. વ્યાસ, ભાનુશંકર યાજ્ઞિક, પ્રેમીલાબહેન યાજ્ઞિક, ચન્દ્રકાંત ગોસલિયા, ડૉ. કૈલાશ, જગેશ દેસાઈ અને પી. યુ. મહેતા જેવા અનેક આગેવાનોનું શહેર કૉંગ્રેસ પાર્ટીમાં પ્રભુત્વ હતું અને તેઓ ચૂંટાઈ આવતા હતા, પરંતુ છેલ્લાં પંદર વર્ષથી મુંબઈમાં કૉંગ્રેસની અંદર ગુજરાતીઓને અન્યાય થયો. એના પરિણામે ગુજરાતી આગેવાનો કૉંગ્રેસથી વિમુખ થઈ ગયા, પરંતુ અમારી પાર્ટીએ એક ગુજરાતી ઉમેદવારને ટિકિટ આપી હોત તો સમગ્ર ગુજરાતીઓમાં એક સારો સંદેશો પહોંચી શકત, પરંતુ કોઈ પણ પાર્ટીએ ઉમેદવાર જાહેર ન કરીને ખરેખર ગુજરાતીઓને અન્યાય કરવામાં આવ્યો છે.’