મુલુંડના કચ્છી વેપારીનું વતન નાની તુંબડીમાં ભત્રીજી મહારાજસાહેબના સાંનિધ્યમાં ઉપાશ્રયમાં જ અવસાન

04 September, 2024 11:37 AM IST  |  Mumbai | Rohit Parikh

સોમવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ સાધ્વીજી સાથે વાતચીત કરતા બેઠા હતા ત્યારે ઉપરાઉપરી ત્રણ હિચકી આવી અને ત્યાં જ ઢળી પડ્યા

સોમવારે સવારે પત્ની જયશ્રીબહેન સાથે કલ્પસૂત્ર ઘરે લઈ જઈ રહેલા જયંતીલાલ સાવલા.

કચ્છમાં ચાતુર્માસ કરવા ગયેલા મુલુંડના ઇલેક્ટ્રૉનિક આઇટમોના કચ્છી વેપારી જયંતીલાલ સાવલાનું નાની તુંબડી ગામમાં તેમનાં ભત્રીજી મહારાજસાહેબના સાંનિધ્યમાં ઉપાશ્રયમાં જ મૃત્યુ થતાં કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજમાં શોક ફેલાઈ ગયો હતો. ૬૮ વર્ષના જયંતીલાલ સાવલા તુંબડી તેમનાં ભત્રીજી મહારાજસાહેબને ચાતુર્માસ કરાવવા ગયા હતા.

જયંતીલાલ સાવલા છેલ્લાં ૧૪ વર્ષથી અચલગચ્છાધિપતિ આચાર્ય કલાપ્રભસાગરસૂરીશ્વરજી સમુદાયનાં સાધ્વીજી અને તેમનાં ભત્રીજી મહારાજસાહેબ પરમ પૂજ્ય શ્રી જયપદ્મગુણાશ્રીજી મહારાજસાહેબના તુંબડીમાં ચાતુર્માસ કરાવવા ઇચ્છતા હતા. આ વખતે તેમને સંયમ સુવર્ણ વર્ષ (સાધ્વીજી મહારાજસાહેબની દીક્ષાનાં ૫૦ વર્ષ) ચાતુર્માસનો લાભ મળી જતાં તેઓ ખૂબ જ ઉત્સાહમાં હતા એવી માહિતી આપતાં જયંતીલાલ સાવલાના પુત્ર ટેકિન સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પા વર્ષોથી LEDના બિઝનેસમાં છે. તેમણે ૧૯૯૬માં કચ્છમાં ૭૨ જિનાલયના પ્રતિષ્ઠા મહોત્સવમાં ૧૦૦ LED સ્ક્રીન બેસાડવાનો લાભ લીધો હતો. ત્યારથી જ્યારે પણ કચ્છમાં કોઈ પણ જૈન દેરાસરનો પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે પપ્પા ત્યાં LED સ્ક્રીન બેસાડવાનો લાભ લેતા હતા. આ પછી તેમના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું હતું. તેમણે મુંબઈ અને કચ્છમાં બધા ધાર્મિક પ્રસંગોમાં તન, મન અને ધનથી લાભ લીધો હતો.’

આ ચાતુર્માસ પ્રસંગની માહિતી આપતાં ટેકિન સાવલાએ કહ્યું હતું કે ‘જ્યારથી તેમને તેમનાં ભત્રીજી મહારાજસાહેબનો ચાતુર્માસ કરાવવાનો લાભ મળ્યો હતો ત્યારથી તે ખૂબ જ ઉત્સાહમાં આવી ગયા હતા. મુંબઈથી તેમનો બિઝનેસ છોડીને તેઓ જુલાઈ મહિનામાં તુંબડી આવી ગયા હતા. અહીં મહારાજસાહેબ માટેના ડોમથી લઈને ડેકોરેશન અને અન્ય વ્યવસ્થાઓ પપ્પાએ જાતે સંભાળી લીધી હતી. તેમના ઉત્સાહને કારણે જ સાધ્વીજી મહારાજસાહેબના ચાતુર્માસ-પ્રવેશ દરમ્યાન પહેલી વાર તુંબડી ગામમાં ૨૨૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી.’

સોમવારે જયંતીલાલ સાવલાના મૃત્યુની માહિતી આપતાં ટેકિને  કહ્યું હતું કે ‘પર્યુષણ પર્વ દરમ્યાન અમારા ગ્રંથ કલ્પસૂત્રનું સાધુસંતો વાંચન કરે છે. આ ગ્રંથને સાધ્વીજી મહારાજસાહેબને વહોરાવવાનો અને ઘરે લઈ જઈને જાગરણ કરાવવાનો લાભ અમે લીધો હતો. પપ્પા સવારે આ લાભ મળવાથી વધુ ખુશખુશાલ હતા. તેમણે રાતના અહીંના જૈન દેરાસરમાં નેમિનાથ ભગવાનની આરતીનો લાભ પણ લીધો હતો. એના માટે પણ તેઓ બપોરથી તૈયારીમાં વ્યસ્ત હતા. સાંજના ચાર વાગ્યાની આસપાસ સાધ્વીજી મહારાજસાહેબ સાથે વાતચીત કરતા બેઠા હતા ત્યારે પપ્પાને પહેલી હિચકી આવી હતી. સાધ્વીજી મહારાજસાહેબને થયું કે પપ્પા મસ્તીના મૂડમાં છે, પણ બીજી જ પળે પપ્પાને બીજી અને ત્રીજી હિચકી આવી હતી અને તે સાધ્વીજી મહારાજસાહેબના સાંનિધ્યમાં જ ઢળી પડ્યા હતા. તરત જ તેમને ભુજની હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.’

જયંતીલાલ સાવલા નવ ભાઈબહેનોમાં સૌથી નાના હતા. તેમના પરિવારમાં પત્ની, ત્રણ દીકરીઓ અને એક પુત્ર છે. તેઓ ડિલાઇલ રોડ પર રહેતા હતા.

mumbai news mumbai kutch kutchi community jain community mulund gujaratis of mumbai gujarati community news