04 January, 2024 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયંત પાટિલ
મુંબઈ : શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર એકમના વડા જયંત પાટીલે બુધવારે જણાવ્યું હતું કે પાર્ટી લાંબા સમયથી સત્તામાં હતી એટલે જે સિદ્ધાંત પર એનું નિર્માણ કરવામાં આવ્યું હતું એના પર ઓછો ભાર મૂકવામાં આવ્યો હતો, કારણ કે ફોકસ સત્તા પર હતું.
અહમદનગર જિલ્લાના શિર્ડી ખાતે એનસીપીના બે-દિવસીય સંમેલનના પ્રથમ દિવસે પક્ષના કાર્યકરોને સંબોધતાં જયંત પાટીલે કહ્યું હતું કે ‘પાર્ટી સમાજસુધારકો છત્રપતિ શાહુ મહારાજ, મહાત્મા જ્યોતિબા ફુલે અને ડૉ. બી. આર. આંબેડકરના આદર્શો ઉપર દૃઢપણે આધાર રાખે છે. પવારસાહેબે આદર્શો પર આધારિત આ પાર્ટીની રચના કરી હતી, પરંતુ અમે લાંબા સમયથી સત્તામાં હોવાથી આદર્શોને અવગણીને સત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.’ જયંત પાટીલે ૨૦૨૪નું વર્ષ સંઘર્ષનું રહેશે એમ કહીને પક્ષના કાર્યકરોને આ વૈચારિક લડાઈ લડવા વિનંતી કરી હતી.
૧૯૯૯માં શરદ પવાર દ્વારા સ્થાપિત એનસીપી પાર્ટી ૨૦૧૪ સુધી મહારાષ્ટ્રમાં સત્તામાં હતી. પાંચ વર્ષના અંતરાલ પછી પક્ષ ફરીથી ૨૦૧૯માં રાજ્ય સરકારનો ભાગ બન્યો. પાર્ટીના વરિષ્ઠ નેતા અજિત પવાર અને પક્ષના અન્ય આઠ વિધાનસભ્યો એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા પછી એનસીપી ગયા વર્ષે જુલાઈમાં વિભાજિત થઈ હતી.