15 July, 2024 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુગેન્દ્ર પવાર, જય પવાર
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની બારામતી બેઠક પર પહેલી વખત પવાર પરિવારનાં નણંદ-ભાભી સામસામે મેદાનમાં ઊતર્યાં હતાં એટલે બારામતી દેશની હૉટ બેઠક બની ગઈ હતી.
લોકસભાની ચૂંટણીમાં કાકા શરદ પવારનો હાથ ઉપર રહેતાં સુપ્રિયા સુળે સતત ચોથી વખત ચૂંટાઈ આવ્યાં હતાં, જ્યારે અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારનો પરાજય થયો હતો. હવે ત્રણેક મહિનામાં યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને બારામતીના વિધાનસભ્ય અજિત પવાર અહીંથી ચૂંટણી ન લડે એવી અટકળ તેમના જૂના ભાષણના આધારે લગાવાઈ રહી છે. જો આવું થાય તો અજિત પવાર બારામતીમાં તેમના પુત્ર જયને તો શરદ પવાર અજિત પવારના ભાઈ શ્રીનિવાસના પુત્ર યુગેન્દ્રને ઉતારી શકે છે. આથી વિધાનસભાની ચૂંટણીમાં બારામતી ફરી ચર્ચામાં રહેવાની શક્યતા છે.
લોકસભાની ચૂંટણીના પ્રચારની સભામાં અજિત પવારે ૧૬ ફેબ્રુઆરીએ બારામતીમાં કરેલા ભાષણમાં કહ્યું હતું કે ‘લોકસભામાં બારામતીમાંથી આપણા વિચાર સાથે સંમત થનારા સંસદસભ્ય નહીં ચૂંટાય તો હું બારામતી વિધાનસભાની ચૂંટણી નહીં લડું. તમે જો મને સાથ નહીં આપો તો મારો બારામતીમાંથી ચૂંટણી લડવાનો કોઈ અર્થ નહીં રહે. હું ચૂંટણી નહીં લડું.’ અજિત પવારનું આ ભાષણ અત્યારે વાઇરલ થઈ રહ્યું છે.
બારામતીમાં ગઈ કાલે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીની જન સન્માન રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં સામેલ થનારા અજિત પવારના સમર્થકોએ જોકે આ વિશે કહ્યું હતું કે ‘આ માત્ર ચર્ચા છે. બારામતી એટલે અજિત પવાર એવી ઓળખ છે. આથી અજિત પવાર બારામતીની ચૂંટણી ન લડવાનો નિર્ણય લે એવું નથી લાગતું.’
બારામતીની રૅલીમાં અજિત પવારે કહ્યું… જીવમાં જીવ છે ત્યાં સુધી બંધારણને આંચ નહીં આવવા દઉં
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની ગઈ કાલે બારામતીમાં જન સન્માન રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પક્ષના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીની પ્રચારસભામાં અમે વિકાસ પર બોલતા હતા તો વિરોધીઓ ખોટો પ્રચાર કરી રહ્યા હતા. એ સમયે રાજ્યમાં જુદું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ તેમણે કર્યો. ભારતના બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અમે મુંબઈની ઇન્દુ મિલમાં સ્મારક બનાવી રહ્યા છીએ. બંધારણ દિવસની ઉજવણી કરીએ છીએ. વિરોધીઓએ ૪૦૦ બેઠક અમે જીતીશું તો બંધારણમાં ફેરફાર કરવામાં આવશે એવો ખોટો પ્રચાર કર્યો હતો. કોઈ પણ પરિસ્થિતિમાં અમારા શરીરમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી બંધારણને આંચ નહીં આવવા દઈએ. ચંદ્ર અને સૂર્ય છે ત્યાં સુધી બંધારણ કાયમ રહેશે. હું જે કહું છું એ કરું છું. કોઈ ગેરસમજ ફેલાવે તો કહેજો કે અમને મહાયુતિમાં વિશ્વાસ છે. શનિવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યો હતો ત્યારે તેમણે ખેડૂત, ગરીબ અને મહિલાઓ માટેની યોજનામાં સહયોગ કરવાનું કહ્યું હતું.’