જપાનની ટૉયોટા કંપની છત્રપતિ સંભાજીનગરમાં કાર બનાવશે- ૨૦,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સામે ૨૦,૦૦૦ લોકોને રોજગાર મળશે

01 August, 2024 09:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટૉયોટા મોટર્સનો કર્ણાટકમાં પ્લાન્ટ હોવા છતાં કંપનીએ મહારાષ્ટ્રની પસંદગી કરી છે એ આનંદની વાત છે.

ગઈ કાલે સવારે મુંબઈમાં સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં ટૉયોટા મોટર્સ કંપની સાથે કરાર કરવામાં આવ્યા હતા.

જપાનની ઑટોમોબાઇલ કંપની ટૉયોટા મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ બાબતની જાહેરાત ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સહિત ઉદ્યોગપ્રધાન ઉદય સામંતની હાજરીમાં મુંબઈમાં કરવામાં આવી હતી અને આ સંબંધી કરાર કરવામાં આવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા કેટલાક મહિના પહેલાં જપાનની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે આ રોકાણ સંબંધે ટૉયોટા કંપની સાથે વાતચીત કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે સોશ્યલ મીડિયા એક્સ પર શૅર કરેલા વિડિયોમાં આ વિશે કહ્યું હતું કે ‘છત્રપતિ સંભાજીનગર માટે આ ખૂબ આનંદની વાત છે. કિર્લોસ્કર ટૉયોટા મોટર્સનું ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ આજે ઔરંગાબાદ ઇન્ડસ્ટ્રિયલ સિટી (AURIC)માં આવ્યું છે. આ પ્રોજેક્ટથી ૮૦૦૦ લોકોને ડાયરેક્ટ અને ૧૨થી ૧૩ હજાર લોકોને અપ્રત્યક્ષ રોજગાર મળશે. આ રોકાણ ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ કાર માટેનું છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં સતત રોકાણ માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટૉયોટા મોટર્સનો કર્ણાટકમાં પ્લાન્ટ હોવા છતાં કંપનીએ મહારાષ્ટ્રની પસંદગી કરી છે એ આનંદની વાત છે. આ રોકાણથી છત્રપતિ સંભાજીનગરમાં વિકાસને વેગ મળશે.’

japan Chhatrapati Sambhaji Nagar mumbai news mumbai maharashtra news devendra fadnavis toyota