04 January, 2023 10:13 AM IST | Mumbai | Rohit Parikh
ગઈ કાલે જૈનોનાં શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી સમેતશિખરજી તીર્થની રક્ષાર્થે યોજાયેલી મહારૅલીમાં ૩૫ દિવસની દીકરી તેના પિતા સાથે.
જે તીર્થના સ્પર્શમાત્રથી અનંત જીવો મોક્ષગતિને પામ્યા છે એ તીર્થનો સ્પર્શ કરવા મારું બાળક જાય એ પહેલાં તે નાની ઉંમરમાં જ એની રક્ષા માટે યોગદાન આપે એ ભાવથી ગઈ કાલે મુલુંડમાં શ્રી શત્રુંજય મહાતીર્થ અને શ્રી સમેતશિખરજી મહાતીર્થની રક્ષા માટે યોજાયેલી મહારૅલીમાં પોતાની ૩૫ દિવસની દીકરીને ગોદમાં લઈને સંગીતકાર ભાવિક શાહ જોડાયા હતા. આ દીકરી ગઈ કાલની રૅલીનું આકર્ષણ બની ગઈ હતી.
જૈનોના ગુજરાતના ભાવનગર પાસે આવેલા શ્રી શત્રુંજય તીર્થ અને ઝારખંડમાં આવેલા શ્રી સમેતશિખર તીર્થની રક્ષાની માગણી કરતી મુંબઈમાં પાંચ લાખથી વધુ જૈનોની મહારૅલી રવિવારના સાઉથ મુંબઈ, બોરીવલી, ઘાટકોપર અને નજીકનાં ઉપનગરોમાં યોજાયા બાદ ગઈ કાલે મુલુંડમાં ૧૦,૦૦૦થી વધુ જૈનોની એક મહારૅલી યોજાઈ હતી, જેમાં ૩૫ દિવસની દીકરી અને તેના પિતાની સાથે ૧૦,૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. આ રૅલી સર્વોદયનગરથી શરૂ થઈને મુલુંડના રાજમાર્ગો પર ફરીને કાલિદાસ હૉલના પરિસરમાં ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી.
જૈન માતા-પિતાના હંમેશાં અરમાન હોય છે કે તેમનાં જન્મેલાં સંતાનો પહેલાં ભાવનગર પાસે આવેલા પાલિતાણા-શ્રી શત્રુંજય તીર્થનો સ્પર્શ કરે એમ જણાવીને ભાવિક શાહે કહ્યું હતું કે ‘અમારાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે જીવ શ્રી શત્રુંજય તીર્થનો સ્પર્શ કરે એ ભવ્ય જીવ હોય. એટલે કે એ જીવ ચોક્કસ મોક્ષગતિને પામે છે. આથી દરેક માતા-પિતા તેમના બાળકને જન્મ પછી શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા લઈ જાય છે. મારી દીકરી તો હજી ૩૫ દિવસની જ હોવાથી અને હજી તેનું નામકરણ પણ થયું નથી એટલે તેને અમે શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા કે તેનો સ્પર્શ કરવા પણ જઈ શક્યા નથી.’
જો તીર્થ જ નહીં રહે, શ્રી શત્રુંજય તીર્થ જ નહીં રહે તો મારી દીકરી એ તીર્થનો સ્પર્શ કેવી રીતે કરશે એમ જણાવીને વધુમાં ભાવિક શાહે કહ્યું હતું કે ‘જે રીતે ગિરિરાજ પર અત્યારે અસામાજિક તત્ત્વો આક્રમણ/અતિક્રમણ કરી રહ્યાં છે એ જોતાં મને મનમાં વિચાર આવ્યો કે મારી પુત્રીને પહેલાં આ ગિરિરાજ તીર્થની રક્ષા કરતાં શીખવું. તીર્થની રક્ષા કેવી રીતે કરવી, એના માટે કેવી રીતે લડત લડવી એ શીખવાડી પછી તેને સ્પર્શ કરાવું. જો તીર્થ હશે તો જ તેનો સ્પર્શ થશે. જો તીર્થ હશે તો જ મારી પુત્રી અમારા તીર્થમાં બિરાજમાન તીર્થંકરોની પૂજા પણ કરી શકશે. આ સંકલન નાખવા માટે ગઈ કાલે હું મારી ૩૫ દિવસની પુત્રીને મુલુંડમાં યોજાયેલી તીર્થરક્ષાની મહારૅલીમાં લઈને ગયો હતો. મારી પુત્રી મોટી થશે અને શ્રી શત્રુંજય તીર્થની યાત્રા પર જશે ત્યારે તેને યાદ આવશે અને ગર્વ થશે કે આ તીર્થનો સ્પર્શ કરતાં પહેલાં હું એની રક્ષા માટેની રૅલીમાં જોડાઈ હતી.’