અઢી મહિના પછી જ અંતરીક્ષ તીર્થમાં પૂજાસેવા થઈ શકશે

01 March, 2023 08:01 AM IST  |  Mumbai | Rohit Parikh

સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ કાયદાકીય અને મૂર્તિના લેપની પ્રક્રિયા પૂરી થતાં આટલો સમય જશે અને પછી એના દરવાજા ખૂલશે : આ તીર્થનું સંચાલન કરી રહેલા અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાને આપ્યો આવો નિર્દેશ

ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ મહારાષ્ટ્રના આકોલા પાસે શિરપુર ગામમાં આવેલા જૈનોના અંતરીક્ષજી પાર્શ્વનાથ તીર્થમાં શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચેના માલિકીના વિવાદને કારણે ૧૯૦૫ની સાલથી અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થને લગાડવામાં આવેલાં તાળાંને ખૂલતાં હજી ૧૦થી ૧૫ દિવસ લાગવાની શક્યતા છે અને ત્યાર બાદ દોઢથી બે મહિના પછી શ્વેતાંબરો અને દિગંબરો ૧૯૦૫ પહેલાંના તેમના સમયના કરાર મુજબ પૂજાસેવાની શરૂઆત કરશે. એકંદરે કાયદાકીય અને મૂર્તિના લેપની પ્રક્રિયા પૂરી થતાં અંદાજે બેથી અઢી મહિનાનો સમય લાગશે એવો નિર્દેશ આ તીર્થનું સંચાલન કરી રહેલા અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાન તરફથી મળ્યો છે. એણે એ પણ સ્પષ્ટતા કરી છે કે હોળાષ્ટક દરમ્યાન એક પણ પ્રક્રિયા શરૂ કરવામાં નહીં આવે.

આ બાબતની માહિતી આપતાં આ સંસ્થાનના સક્રિય કાર્યકર કલ્પેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શિરપુર ગામમાં આવેલા જૈનોના અંતરીક્ષજી તીર્થમાં પ્રાચીન ૪૨ ઇંચની શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિ છે. આ મૂર્તિ માટી અને ગાયના છાણમાંથી બનાવવામાં આવી હતી. આ મૂર્તિની સ્થાપના દેવલોકના દેવ દ્વારા કરવામાં આવી હોવાનું કહેવાય છે, કોઈ મનુષ્ય દ્વારા નહીં. એ જમીનથી સાત આંગળ ઊંચી રહે છે. એ કોઈ પણ આધાર વિના હવામાં જમીનને સ્પર્શ્યા વગર રહે છે. એની નીચેથી કાપડ પસાર થઈ શકે છે. આવી અલૌકિક મૂર્તિની પૂજાસેવા બે સંપ્રદાયોના વિવાદને કારણે ૪૦થી ૪૫ વર્ષથી કોર્ટના આદેશથી બંધ કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટે ૨૨ ફેબ્રુઆરીએ આ વિવાદમાં વચગાળાનો આદેશ શ્વેતાંબર સંપ્રદાયની તરફેણમાં આપ્યો હતો.’

આ આદેશને પગલે શ્વેતાંબર જૈન સમાજમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું હતું. આ સંદર્ભમાં આ સંસ્થાનના ટ્રસ્ટી મુકેશ ગોરડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના આદેશની લેખિત કૉપી અમારા હાથમાં સોમવારે સાંજના આવી હતી. ત્યાં સુધી અમે અંતરીક્ષ તીર્થમાં અન્ય કાયદાકીય પ્રક્રિયા કરવા અસમર્થ હતા. જોકે હવે અમારા હાથમાં સુપ્રીમ કોર્ટના આદેશની કૉપી આવી ગઈ હોવાથી અમે લોકલ ઑથોરિટી પાસેથી આદેશના આધારે ૧૯૦૫થી બંધ પડેલાં દ્વારને ખોલવાની પરવાનગી લઈને કોર્ટના આદેશમાં શ્વેતાંબરોને તીર્થની વ્યવસ્થાની સાથે ભગવાનની મૂર્તિના લેપની પરવાનગી આપવામાં આવી છે એ પ્રક્રિયાની શરૂઆત કરીશું. પરવાનગી લેવામાં અને લેપની પ્રક્રિયા પૂરી કરતાં અંદાજે અમને અઢી મહિના જેટલો સમય લાગી જશે. ત્યાર બાદ જાહેર જનતા માટે પાર્શ્વનાથ દાદાનાં દર્શન અને પૂજા માટે દ્વાર ખોલવામાં આવશે.’

અમે જ્યારે દર્શન અને પૂજા માટે દ્વાર ખોલીશું એ પહેલાં સમગ્ર જૈન સમાજમાં આ બાબતની જાણકારી આપીશું એમ જણાવીને મુકેશ ગોરડિયાએ કહ્યું હતું કે ‘આખી પ્રક્રિયા બાબતમાં કોઈ પણ ગેરસમજ ઊભી કરશો નહીં તેમ જ કોઈ પણ પ્રકારની જલ્દબાજી કરવામાં ન આવે એવી શ્વેતાંબર જૈન સમાજના ભાવિકોને નમ્ર વિનંતી કરીએ છે.’ 

mumbai mumbai news maharashtra rohit parikh