20 February, 2024 06:54 AM IST | Mumbai | Rohit Parikh
પૂજ્ય સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબ અને વિહાર સેવિકા લતા ઓસવાલ.
ધર્માવિજયજી મહારાજસાહેબ ડહેલાવાલાના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમપૂજ્ય વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજાનાં આજ્ઞાનુવર્તી પૂજ્ય સાધ્વી ચારિત્રપૂર્ણાશ્રીજીનાં શિષ્યા પૂજ્ય સાધ્વીજી મુક્તિપૂર્ણાશ્રીજીનાં શિષ્યા ૫૩ વર્ષનાં મૂળ રાજસ્થાનના માલવાડા ગામનાં પૂજ્ય સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબ ગઈ કાલે સવારે કર્જતથી નેરળ તરફ વિહાર કરીને જઈ રહ્યાં હતાં ત્યારે પાછળથી તેમને અજાણ્યા આઇશર દૂધના ટેમ્પોએ ટક્કર મારીને તેમના માથા અને ગળાના ભાગને ટાયર નીચે કચડી નાખતાં સવારે ૫.૪૦ વાગ્યે ઘટનાસ્થળે જ કાળધર્મ પામ્યાં હતાં. તેમનો દીક્ષાપર્યાય ૩૦ વર્ષનો હતો. ટેમ્પોની ટક્કર એટલી બધી જોરદાર હતી કે આ અકસ્માતમાં તેમની સાથે વિહાર કરી રહેલાં કર્જતના વિહાર ગ્રુપનાં ૪૫ વર્ષનાં મૂળ રાજસ્થાનના હિંગવાડ ગામનાં લતા સંદીપ ઓસવાલને પણ માથામાં ગંભીર ઈજા થવાથી એ જ સમયે તેમની સાથે અવસાન પામ્યાં હતાં. તેમની સાથે વિહાર કરી રહેલાં બીજા કર્જતના વિહાર ગ્રુપનાં જ ૫૦ વર્ષનાં મૂળ રાજસ્થાનના ફતાપુરા ગામનાં દિવાળીબહેન સંજય ઓસવાલને માથામાં અને નાના મગજ પર ગંભીર ઈજા થવાથી પનવેલની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. ત્યાં તેઓ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. આ બનાવથી રાજસ્થાન ઓસવાળ જૈન સમાજ સહિત સમગ્ર જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી. એટલું જ નહીં, આ દુર્ઘટનાથી શોકગ્રસ્ત અને ગુસ્સે ભરાયેલા કર્જતના રહેવાસીઓએ ગઈ કાલે સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. કર્જત પોલીસે સાંજના ચાર વાગ્યે ડ્રાઇવર રામશંકર છોટેલાલ સેનની ધરપકડ કર્યા બાદ જ સાંજે પાંચ વાગ્યે સાધ્વીજીના કર્જતમાં જ કર્જત જૈન સંઘના નેજા હેઠળ સેંકડો અનુયાયીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ધરપકડ પહેલાં પોલીસે નવી મુંબઈના તુર્ભેમાંથી આઇશર ટેમ્પો જપ્ત કર્યો હતો. જિનશાસનના ઇતિહાસમાં કદાચ પ્રથમ વાર અકસ્માતમાં સાધ્વીજીનો ગળા અને માથાનો ભાગ સાવ જ છૂંદાઈ ગયો હોવાથી ચહેરાના ભાગની જગ્યાએ સાધ્વીજીનો ફોટો મૂકીને તેમની પાલખીયાત્રા કાઢવામાં આવી હતી.
બનાવ શું બન્યો હતો?
સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબની સાથે કર્જતથી વિહાર કરી રહેલાં ૪૯ વર્ષનાં રમીલા ઓસવાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે પાંચ વાગ્યે સાહેબ સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજ અને અન્ય સાથે અમે નેરળ જઈ રહ્યાં હતાં. અમારી સાથે કર્જતના વિહાર ગ્રુપનાં લતાબહેન અને દિવાળીબહેન સહિત અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ હતાં. અમે કર્જત ફાટાના રસ્તે જઈ રહ્યાં હતાં. અમે બે બહેનો થોડી પાછળ ચાલી રહી હતી. ત્યાં જ અમને અંદાજે પ.પ૦ વાગ્યે રસ્તામાં સાહેબ સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજનો કચડાયેલો દેહ તથા લતાબહેનના નાક અને કાનમાંથી લોહી નીતરતો દેહ જોવા મળ્યો હતો. લતાબહેન સહેજ પણ હલનચલન કરતાં નહોતાં. તેમની નજીકમાં જ દિવાળીબહેન બેશુદ્ધ હાલતમાં માથામાં લોહીલુહાણ સાથે રસ્તા પર પડેલાં હતાં. આ જોઈને અમારા શરીરમાંથી ધ્રુજારી છૂટી ગઈ હતી. અમને મહારાજસાહેબ અને શ્રાવિકાઓ સાથે કોઈ અજાણ્યા વાહનને કારણે મોટો અકસ્માત બની ગયો હોવાનો અણસાર આવી ગયો હતો. અમે તરત જ અમારી સાથે વિહાર કરી રહેલાં અન્ય શ્રાવક-શ્રાવિકાઓનો સંપર્ક કરીને તેમને આ ઘટનાની જાણ કરી સાધ્વીજી અને અન્ય બે બહેનોને નજીકની હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં અને પોલીસમાં અકસ્માતની ફરિયાદ કરી હતી.’
પોલીસના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ
આ અકસ્માતની ગંભીરતાથી તપાસ થવી જોઈએ અને ગમે એવી રીતે સાધ્વીજી અને અન્ય શ્રાવિકાનાં મૃત્યુ માટે જવાબદાર ડ્રાઇવરની ધરપકડ થવી જોઈએ એવી માગણી કરતો મને ઇન્દોર પાસેના નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થમાં હાલમાં બિરાજમાન આચાર્ય અભયદેવસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય મોક્ષરત્નસૂરીજી મહારાજસાહેબનો ફોન આવ્યો હતો એમ જણાવતાં જિનશાસન રક્ષાર્થ સમિતિ, જોધપુરના અધ્યક્ષ કલ્પેશ સંઘવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં તરત જ રાયગડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સોમનાથ ઘારગે સાથે વાતચીત કરી હતી. તેમને મેં છેલ્લા બે મહિનામાં સાધુઓના થયેલા અકસ્માતોની વિગતવાર માહિતી આપીને હત્યાની આશંકા દર્શાવી હતી. એની સામે તેમણે મને કહ્યું હતું કે મેં અકસ્માતની મને ફરિયાદ મળતાં જ પોલીસની અલગ-અલગ પાંચ ટીમને ટેમ્પો અને ડ્રાઇવરને પકડવા માટે આ કામે લગાડી દીધી છે. અમે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે ડ્રાઇવર સામે હત્યાનો કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.’
કર્જત સ્વૈચ્છિક બંધ
જૈન સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબના અકસ્માતના સમાચાર મળતાં જ કર્જતના રહેવાસીઓમાં આક્રોશ ફેલાયો હતો તેમ જ રહેવાસીઓ દ્વારા કર્જતમાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો હતો. ત્યાંના જૈન સમાજે જ્યાં સુધી ટેમ્પોના ડ્રાઇવરની ધરપકડ ન થાય અને તેની સામે હત્યાનો ગુનો નોંધીને કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી સાધ્વીજીના અંતિમ સંસ્કાર નહીં કરવામાં આવે એવી આક્રોશભરી ધમકી આપી હતી. આ ઉપરાંત સનાતન ધર્મના લોકોને કડક કાર્યવાહીની માગણી સાથે આગળ આવવાની અને મહારાષ્ટ્રના પોલીસવડા અને મુખ્ય પ્રધાન સુધી આ વાતને પહોંચાડીને પૂજ્ય સંતોના રક્ષણ માટે હાકલ કરી હતી. સાધ્વીજી અકસ્માતમાં કાળધર્મ પામ્યાં હોવાના સમાચાર પ્રસરતાં જ ભાઈંદર અને મહારાષ્ટ્રનાં અલગ-અલગ ગામોમાંથી જૈન સમાજના આગેવાનો કર્જતમાં જમા થઈ ગયા હતા.
પૂજ્ય સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબની પાલખીયાત્રા.
ડ્રાઇવરની ૧૦ કલાકમાં ધરપકડ
અમે સાધ્વીજી મહારાજસાહેબ અને તેમના સેવકોને બેરહેમીથી કચડીને ભાગી જનાર ડ્રાઇવર પર બેદરકારીથી ડ્રાઇવ કરીને બે હત્યા કરવાનો ગુનો નોંધ્યો છે. આ જાણકારી આપતાં રાયગડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સોમનાથ ઘારગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે જૈન સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબ અને એક મહિલાનું રોડ-અકસ્માતમાં મોત નિપજાવનાર તેમ જ અન્યને ગંભીર ઈજા પહોંચાડનાર ટેમ્પો ડ્રાઇવર સામે અમે ગુનો નોંધ્યો છે. તેની ધરપકડ કરવા પોલીસની પાંચ ટીમે સીસીટીવી ફુટેજની મદદ લઈને તપાસ કરતાં અમને નવી મુંબઈના તુર્ભેથી ટેમ્પો જપ્ત કર્યો હતો. એના થોડા જ સમયમાં અમે ટેમ્પોના ડ્રાઇવર રામશંકર છોટેલાલ સેનની પણ ધરપકડ કરી લીધી હતી.’
ગચ્છાધિપતિનો આઘાતભર્યો સંદેશ
ધર્માવિજયજી મહારાજસાહેબ ડહેલાવાલાના સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ સાધ્વીજી અને અન્ય શ્રાવિકાઓના રોડ-અકસ્માત સામે આઘાત વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સાધ્વીજી મૌલિકપૂર્ણાશ્રીજી મહારાજસાહેબ અને શ્રાવિકાઓના અકસ્માતના ફોટો જોઈ શકાય એવા નહોતા. એ અકસ્માત ગંભીર જ નહીં, ખૂબ અરેરાટીભર્યો છે. જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો જિનશાસનની અલભ્ય સંપત્તિ છે. અલ્પસંખ્યામાં પણ ઊર્જા અને તેજ ભરેલું છે. તેમનું તપ-ત્યાગ શાસનની ગૌરવતાનો અનુભવ કરાવે છે. આજે પણ તેમની શાન-બાન અને આન ટકી રહી છે, જેને કારણે પ્રત્યેક સ્થળે, પ્રત્યેક સમયે તેમની પ્રભાવકતા દેખાઈ રહી છે. એટલે તેમની સુરક્ષા માટે જૈન સંઘો, આચાર્ય ભગવંતો અને સમાજે ઉપેક્ષા છોડીને માનસિકતા તૈયાર કરવાની તાતી જરૂર છે તેમ જ એ માટે સુયોજિત ઍક્શન પ્લાન કરવાની જરૂર છે.’
સાધ્વીજી કાળધર્મ પામ્યાં હોવાના સમાચાર ફેલાતાં કર્જત બંધ રાખવામાં આવ્યું હતું.
ગુનાની ગંભીરતાથી તપાસ કરો
તમારી પોલીસે સાધ્વીજી અને એક શ્રાવિકાનો પ્રાણ લેનાર તથા અન્ય શ્રાવિકાને મૃત્યુના મુખ સુધી પહોંચાડનાર ટેમ્પો ડ્રાઇવરની દસ કલાકમાં જ ધરપકડ કરવા માટે જૈન સમાજ તમારો અને કર્જત પોલીસનો આભાર માને છે એવો રાયગડના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સોમનાથ ઘારગેને આચાર્ય મોક્ષરત્નસૂરીજી મહારાજસાહેબે મેસેજ મોકલ્યો હતો અને તેમને કહ્યું હતું કે ‘આ ડ્રાઇવર પર કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. પોલીસ આખા મામલાની ગંભીરતાથી તપાસ કરીને આ અકસ્માતમાં કોનો-કોનો હાથ છે અને પડદા પાછળ કોણ છે એની તમે તપાસ કરે એવી અમારા ગુરુ અને જૈન સમાજની માગણી છે.’