ગયા વર્ષે મૌન સિ​​દ્ધિતપ, આ વર્ષે મૌન શ્રેણીતપ

17 October, 2024 08:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલીનાં ૫૩ વર્ષનાં લીના શાહ પણ કરી રહ્યાં છે મૌન સાથેનું ૧૧૦ દિવસનું તપ

લીના શાહ

બોરીવલીના સત્યાનગરમાં રહેતાં ૫૩ વર્ષનાં લીના શાહે તો નક્કી જ કર્યું છે કે જે પણ તપ કરીશ એ મૌનપૂર્વક જ કરીશ. તેમના પતિ ચેતન શાહે ‘મિડ-ડે’ને કહ્યું, ‘ગયા વર્ષે તેણે ૪૫ દિવસના સિ​દ્ધિતપમાં પણ સંપૂર્ણ મૌન રાખ્યું હતું અને આ વખતે શ્રેણીતપના ૧૧૦ દિવસમાં પણ પૂર્ણ મૌન છે. ફક્ત ઘરમાં કંઈ જોઈતું હોય, લાવવું હોય તો તે મને કે મારા દીકરાને મેસેજ કરે, બાકી લીના આ દિવસોમાં બહારની દુનિયાથી તદ્દન અલિપ્ત રહે છે.’

લીનાબહેન, તેમના પતિ અને તેમનો દીકરો એમ ત્રણ જ વ્યક્તિ ઘરમાં રહે છે. તેમને તપસ્યા હોવા છતાં રસોઈ વગેરે કાર્યો લીનાબહેન કરે છે. ચેતનભાઈ કહે છે, ‘ગયા વર્ષ કરતાં આ વખતનો ગાળો ડબલ હતો અને તપસ્યા અઘરી. બિયાસણાં માટે ગોરેગામ આવવું-જવું પણ ડિફિકલ્ટ રહે, પણ ગુરુકૃપા તેમ જ શાસન દેવીના આશિષથી તે સહજભાવે આ તપ કરી રહી છે. તેનો મૌનનો આજે ૧૦૧મો દિવસ છે અને પચીસ ઑક્ટોબરે તપની પૂર્ણાહુતિ થશે.’

શ્રેણીતપ એટલે શું?

શ્રેણીતપમાં ૮૪ ઉપવાસ (સવારે ૧૦ વાગ્યાથી સૂર્યાસ્ત સુધી ફક્ત ઉકાળેલું પાણી પીવાનું) અને ૨૮ બિયાસણું (ફક્ત બે ટાઇમ બેસીને જમવું) હોય છે. એક ઉપવાસ બાદ એક બિયાસણું પછી બે ઉપવાસ બાદ એક બિયાસણું એમ પહેલી બારી (સ્ટેપ) કરી બીજી બારી શરૂ કરવાની; જેમાં ફરીથી એક ઉપવાસ બાદ એક બિયાસણું પછી બે ઉપવાસ બાદ એક બિયાસણું, પછી ત્રણ ઉપવાસ એક બિયાસણું એમ બીજી બારી પૂર્ણ કરી ત્રીજી બારી શરૂ કરવાની; જેની શરૂઆત એક ઉપવાસથી કરવાની અને અનુક્રમે ચાર ઉપવાસ સુધી વધવાનું. આ રીતે સળંગ છ શ્રેણી સુધી ચઢવાનું. આ પ્રમાણે ૧૧૦ દિવસમાં શ્રેણીતપ પૂર્ણ થાય છે.

jain community borivali mumbai mumbai news