જ્વેલરની અરેસ્ટ અમેરિકામાં, ધ્રુજારો ભારતની હીરાબજારમાં

01 March, 2024 09:32 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

અમેરિકામાં સ્થાયી થયેલા મૂળ બનાસકાંઠાના જૈન વેપારી સામે હજારો કરોડ રૂપિયાની કસ્ટમ્સની ચોરી કરવાની સાથે ગેરકાયદે મની ટ્રાન્સફર કરવાનો મામલો નોંધવામાં આવ્યો: મુંબઈના આ ગુજરાતી જ્વેલરની ધરપકડને પગલે મુંબઈ-સુરતની ડાયમન્ડ માર્કેટમાં ભારે ઉચાટ

મુંબઈની કેસી કૉલેજમાં ભણેલો મનોશી દોશી શાહ. 

જેમ્સ ઍન્ડ જ્વેલરીનો બિઝનેસ કરતા મુંબઈના અમેરિકામાં રહેતા ગુજરાતીની અમેરિકાના કસ્ટમ્સ વિભાગે મલ્ટિ-મિલ્યન અમેરિકન ડૉલરની કસ્ટમ્સ-ડ્યુટીની ચોરી કરવાની સાથે લાઇસન્સ વિના મની ટ્રાન્સફર કરવાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. આ બિઝનેસમૅન ભારતમાં જ્વેલરી બનાવીને વાયા કોરિયા ખોટાં બિલ તૈયાર કરાવીને અમેરિકામાં ઇમ્પોર્ટ કરી હોવાનું અમેરિકાના કસ્ટમ્સ વિભાગે કરેલી કાર્યવાહીમાં જણાઈ આવ્યું છે. આ જ્વેલરી સુરત અને મુંબઈમાં બનાવવામાં આવી હોવાની શક્યતા છે એટલે બિઝનેસમૅનની ધરપકડ થવાથી કેટલાક મૅન્યુફૅક્ચરર્સના રૂપિયા સલવાઈ જવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે મુંબઈની સાથે સુરતની હીરાબજારમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. આરોપી બિઝનેસમૅનની ૨૬ ફેબ્રુઆરીએ ન્યુ જર્સી શહેરમાંથી ધરપકડ કરીને નેવાર્કની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને એક લાખ અમેરિકન ડૉલરની શ્યૉરિટી આપીને જામીન મંજૂર કર્યા હતા, પરંતુ તેને ઘરની આસપાસમાં જ રહેવાની શરત રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

દક્ષિણ મુંબઈમાં આવેલી કે. સી. કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કરીને અમેરિકાના ન્યુ જર્સી રાજ્યના ન્યુ જર્સી શહેરમાં સેટલ થઈને ન્યુ યૉર્કમાં એમકોર એલએલસી સહિતની કંપનીઓ દ્વારા જ્વેલરીનો બિઝનેસ કરતા મૂળ બનાસકાંઠાના ૩૯ વર્ષના જૈન વેપારી મોનીશકુમાર કિરણકુમાર દોશી શાહ ઉર્ફે મોનીશ દોશી શાહની મલ્ટિ-મિલ્યન અમેરિકન ડૉલરની કસ્ટમ્સની ડ્યુટી ન ભરવા ઉપરાંત લાઇસન્સ વગર સેંકડો કરોડ રૂપિયાની હેરાફેરી કરવાના આરોપસર ૨૬ ફેબ્રુઆરીએ અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હોવાનું અમેરિકાના ઍટર્ની ફિલિપ આર. સેલિન્જરે બુધવારે જાહેર કર્યું હતું. 

અમેરિકાના કસ્ટમ્સ વિભાગની મ‌ાહિતી મુજબ મોનીશ દોશી શાહ ન્યુ યૉર્કના ડાયમન્ડ ડિસ્ટ્રિક્ટમાં જુલાઈ ૨૦૨૦થી એમકોર એલએલસી (એમકોર), એમકોર યુએસ આઇએનસી (એમકોર યુએસએસ) અને વૃમાન કૉર્પ (વૃમાન) નામની જેમ્સ ઍન્ડ જ્વેલરીની કંપનીઓ ધરાવે છે. તેની સામે વાયર ફ્રૉડ કરવાની સાથે લાઇસન્સ વગર મની ટ્રાન્સમીટિંગ કરવાનો આરોપ છે અને ૨૬ ફેબ્રુઆરીએ તેની તેના ન્યુ જર્સી શહેર ખાતેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તેને નેવાર્ક ફેડરલ કોર્ટમાં રજૂ કરાતાં મૅજિસ્ટ્રેટ આન્દ્રે એમ. એસ્પીનોસાએ તેને ઘરમાં નજરકેદ રહેવાની સાથે તેની અવરજવર પર મૉનિટર કરવાની શરતે એક લાખ અમેરિકન ડૉલરની શ્યૉરિટી પર જામીન મંજૂર કર્યા હતા. ગુના પુરવાર થશે તો મોનીશને ૨૦ વર્ષની સજા થાય એવી જોગવાઈ છે.
મનોશી દોશી શાહની કસ્ટમ્સ વિભાગે કરેલી તપાસમાં જાન્યુઆરી ૨૦૧૫થી સપ્ટેમ્બર ૨૦૨૩ દરમ્યાન તુર્કી અને ભારતથી જ્વેલરી અમેરિકામાં ઇમ્પોર્ટ કરીને કસ્ટમ્સ-ડ્યુટીની ચોરી કરી હોવાનું જણાયું છે. ભારતથી અમેરિકામાં જ્વેલરી એક્સપોર્ટ કરવામાં આવે તો એના પર ૫.૫ ટકા ડ્યુટી લાગે છે. આ ડ્યુટી ભરવાથી બચવા માટે આરોપી વેપારી ભારતમાંથી જ્વેલરી દક્ષિણ કોરિયા મગાવતો હતો. અહીંની કંપનીમાં તે ભારતથી ઇમ્પોર્ટ કરવામાં આવેલી જ્વેલરીના પાર્સલનાં લેબલ બદલાવતો હતો અને બાદમાં એ પાર્સલ અમેરિકામાં પોતાના નામે કે તેના ગ્રાહકો માટે ઇમ્પોર્ટ કરતો હતો. એટલું જ નહીં, જેમના નામે તે જ્વેલરી ઇમ્પોર્ટ કરતો હતો તેમનાં ખોટાં બિલ તૈયાર કરવામાં આવતાં હતાં. આવી રીતે વેપારીએ મિલ્યન્સ ડૉલરની કસ્ટમ્સ-ડ્યુટીની ચોરી કરી હોવાનું તપાસમાં જણાયું છે.

આ સિવાય મોનીશ દોશી શાહ પર આરોપ છે કે તેણે જુલાઈ ૨૦૨૦થી નવેમ્બર ૨૦૨૧ દરમ્યાન તેની ન્યુ યૉર્કમાં આવેલી કંપની દ્વારા પોતાના કસ્ટમરો વતી કૅશ રકમ લઈને એની સામે ચેક તૈયાર કરાવ્યા હતા. એક જ દિવસે આવી રીતે તેણે મિલ્યન્સ ડાૉલરના ગેરકાયદે વ્યવહાર કર્યા હોવાનું જણાયું છે. આવી રીતે મની ટ્રાન્સફર કરવા માટે લાઇસન્સ હોવું જોઈએ જે તેની પાસે ન હોવા છતાં આવા વ્યવહાર કર્યા હોવાનો આરોપ છે. આથી મોનીશ દોશી શાહ સામે વાયર ફ્રૉડનું કાવતરું ઘડવાનો ગંભીર આરોપ છે અને એમાં તેને ૨૦ વર્ષની સજા થઈ શકે છે. 
ડાયમન્ડ જ્વેલરી મોટા ભાગે સુરત અને મુંબઈમાં તૈયાર થાય છે એટલે મોનીશ દોશી શાહ અહીંથી જ જ્વેલરી બનાવીને અમેરિકામાં ઇમ્પોર્ટ કરતો હોવાનું જણાયું છે. તેની ધરપકડ થઈ હોવાના સમાચાર જાણ્યા બાદ મુંબઈ અને સુરતમાં તેનો ઑર્ડર લેનારા વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે હજી સુધી કોઈએ આ બાબતે સામે આવીને તેમના કેટલા રૂપિયા વેપારી આરોપી પાસે સલવાયા છે એનો ખુલાસો નથી કર્યો, પણ આ સમાચારથી સુરત અને મુંબઈની ડાયમન્ડ માર્કેટમાં સોપો પડી ગયો છે.

prakash bambhrolia jain community gujarati community news gujaratis of mumbai mumbai news mumbai united states of america surat diamond burse surat