03 April, 2023 10:35 AM IST | Mumbai | Rohit Parikh
અરિહા શાહ માતા-પિતા સાથે
છેલ્લા ૧૯ મહિનાથી જર્મનીના બર્લિનમાં આવેલા ફોસ્ટર ચાઇલ્ડ કૅર સેન્ટરમાં માતા-પિતાથી દૂર ઊછરી રહેલી ભારતીય મૂળની અરિહાને ભારત પાછી મોકલવી કે નહીં એનો નિર્ણય લેવાની સત્તા જર્મનીના ચાઇલ્ડ કૅર સેન્ટર, બંને દેશોના વિદેશપ્રધાનો અને એમ્બેસીઓની છે જેના માટે તેમણે તમામ પક્ષોની એક બેઠક કરીને નિર્ણય લેવો જોઈએ એવી સ્પષ્ટતા અરિહાનાં માતા-પિતા અને તેમના વકીલ સમક્ષ કરી હતી. જોકે જર્મનીની કોર્ટે અરિહાને તેની માતા ધારા અને પિતા ભાવેશ શાહને પાછી સોંપવા બાબતનો ચુકાદો ફરીથી એક વાર મે મહિના સુધી અનામત રાખ્યો છે. આ પહેલાં આ ચુકાદો ૩૧ માર્ચે કોર્ટ આપવાની હતી.
જર્મનીમાં પોતાની દીકરીને પાછી મેળવવા લડી રહેલી ધારા શાહે ૩૧ માર્ચની સુનાવણીની અપડેટ આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા કેસમાં ઉદ્ભવતા મુદ્દાઓ પર અમે સંખ્યાબંધ ઉચ્ચ લાયકાત ધરાવતા નિષ્ણાતોના લેખિત અભિપ્રાયો સબમિટ કર્યા હતા. આમાં વરિષ્ઠ યુએસ ગાયનેકોલૉજિસ્ટ અને ભારતીય ગાયનેકોલૉજિસ્ટનો સંયુક્ત મેડિકલ કાઉન્ટર અભિપ્રાય, બાળ અને સંસ્કૃતિ અભ્યાસમાં જર્મન નિષ્ણાતનું મનોવૈજ્ઞાનિક પ્રતિ મૂલ્યાંકન, જર્મનીમાં અમારા મૂલ્યાંકન દરમિયાન થયેલી ભાષાની સમસ્યાઓ અને અનુવાદની ભૂલોને સમજાવવા માટે ભાષાકીય નિષ્ણાતના અહેવાલનો સમાવેશ થાય છે. પશ્ચિમી બાળસેવાઓ સાથે ઇમિગ્રન્ટ મુદ્દાઓ પર નિષ્ણાતનો અહેવાલ પણ આપવામાં આવ્યો હતો. જોકે ન્યાયાધીશે એમાંથી કોઈને પણ જુબાની આપવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે અમારા વકીલને તેમનાં મંતવ્યો લેવા દેવાની પણ ના પાડીને આશ્ચર્ય સરજ્યું હતું.’
કોર્ટ દ્વારા નિયુક્ત મનોવૈજ્ઞાનિકે અભિપ્રાય આપ્યો કે અમે બાળકને નિયંત્રિત કરી શકીશું નહીં, કારણ કે અમે રમકડાં અને રમતોમાં તેની પસંદગીને અનુસરીએ છીએ. આ થિયરી પર દુઃખ વ્યક્ત કરતાં ધારાએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ અયોગ્ય છે, કારણ કે અમને તેને મહિનામાં માત્ર બે વાર જોવાની મંજૂરી મળી હતી અને એ સમયે અમે ઇચ્છતા હતા કે અમારી અરિહા વધુ ને વધુ સમય અમારી સાથે માણે, પણ અમને એ માટે ક્યારેય મંજૂરી આપવામાં જ આવી નથી. મનોવૈજ્ઞાનિકે નવાઈ પમાડે એવો પણ એક દાવો કર્યો હતો કે બાળક ચાઇલ્ડ કૅર સેન્ટર કરતાં અમારી સાથે વધુ જોડાયેલું છે, જેથી તે ઉદાસ રહે છે અને જિદ્દી બની ગયું છે. અમને લાગે છે કે આ અમારા નિર્દોષ બાળકનું અયોગ્ય રીતે નકારાત્મક અને સાંસ્કૃતિક રીતે પૂર્વગ્રહયુક્ત અર્થઘટન છે. ભારતમાં આપણે નાનાં બાળકોના તોફાનને અને ઉચ્ચ ભાવનાઓને વિકાર માનતા નથી, જ્યારે અહીંના મનોવૈજ્ઞાનિક એનું અર્થઘટન કંઈક અલગ જ કરી રહ્યા છે. હકીકત એ છે કે જ્યારે અરિહાને અમારી સાથેની મુલાકાત પછી અમને છોડીને જવું પડે છે ત્યારે તે તેનાં માતા-પિતાથી છૂટા ન પડવા માટે રડે છે. એ દર્શાવે છે કે તેને અમારી સાથે પ્રાથમિક જોડાણ છે અને પેઇડ પાલક સંભાળ રાખનાર સાથે નહીં, જે સ્વાભાવિક છે.’
મનોવૈજ્ઞાનિકે કોર્ટમાં એમ પણ કહ્યું કે અમારા બાળકની કોઈ ભારતીય કે જૈન ઓળખ નથી, કારણ કે તેને સાત મહિનામાં અમારી પાસેથી દૂર કરવામાં આવી હતી. એનો અર્થ એ છે કે તેને જર્મન ગણવી જોઈએ. આ થિયરીને પડકારતાં ધારા શાહે કહ્યું હતું કે ‘આ થિયરી આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાયદાનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. આ કાયદા મુજબ બાળકને જન્મથી ઓળખ આપવામાં આવે છે.’
અરિહાને ભારત પાછા લઈ જવાના સંદર્ભમાં જર્મનીની કોર્ટના ન્યાયાધીશે ૩૧ માર્ચની સુનાવણી દરમિયાન જે કહ્યું હતું એની માહિતી આપતાં ધારા શાહે કહ્યું હતું કે ‘આ બાબતને હવે વિદેશ મંત્રાલય દ્વારા સતત રાજદ્વારી સંવાદમાં લેવાની જરૂર છે. વિદેશપ્રધાન અને વડા પ્રધાનના સ્તરે પ્રત્યક્ષ હસ્તક્ષેપથી અન્ય ભારતીય બાળકો સુરિક્ષત રીતે તેમના વતન પાછાં ફર્યાં છે. અમે આપણા વિદેશ મંત્રાલયને અરિહા માટે પણ આવું કરવા વિનંતી કરી છે. તેમના હસ્તક્ષેપથી અમને ચોક્કસ અમારું બાળક પાછું મળી શકશે અથવા તો ભારતમાં પાછું આવી શકશે. આમ થવાની જર્મનીની સરકારનો જે સતત દાવો છે કે ભારતીય સરકાર પાસે અરિહાની સંભાળ રાખવા માટેની કોઈ જ ક્ષમતા નથી એને પણ આપણી સક્ષમ સરકાર ખોટી સાબિત કરી શકે એમ છે. અરિહાએ કંઈ ખોટું કર્યું નથી. તે ભારતીય નાગરિક છે. તે જ્યારે ભારતમાં તેના માટે સમગ્ર સમુદાય અને વિસ્તૃત પરિવાર ધરાવે છે ત્યારે તેને અનાથની જેમ નિરાશ થવાની કોઈ જ જરૂર નથી.’